સાઉથમ્પટન ખાતે લાંગરેલા ભારતીય જહાજના એક વેઇટરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી છે. ઉતારુઓ દ્વારા જહાજના કર્મચારીઓને અપાયેલી બક્ષિસની રકમમાંથી ચોરી કરતાં ઝડપાઇ જતાં વેઇટરે આત્મહત્યા કરી હતી. ગોવા મૂળના ૨૨ વર્ષના સુમીત ગવાસે બારામાં લાંગરેલા જહાજની કેબિનમાં જ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી.
તેના મૃત્યુ સંદર્ભમાં તપાસના આદેશ થયા છે. જહાજ પરના સેલ્ફસર્વિસ રેસ્ટોરન્ટમાં સુમીત જુનિયર વેઇટર હતો. ૧૬ જુલાઇના રોજ વહેલી સવારે ઉતારુઓ દ્વારા કર્મચારીઓને અપાતી બક્ષિસના બોક્સમાંથી ચોરી કરવા જતાં તે ઝડપાઇ ગયો હતો.
સુપરવાઇઝર ધર્મેન્દ્ર જાદવની નજરે ચઢી જતાં તેણે ૧૪૦ પાઉન્ડની રકમ છુપાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ ચલણી નોટો નજીકથી જ મળી આવી હતી. સુમીતને તેની કેબિનમાં જવા કહેવાયું હતું. કેબિનમાં તેની સાથે રહેતો જોએલ ફનૉન્ડિસ કામ માટે સવારે બહાર નીકળી ગયેલો હતો.
પરંતુ સિગારેટ લેવા કેબિનમાં આવતાં સુમીતને ગળાફાંસો ખાધેલી હાલતમાં જોયો હતો. જહાજના સલામતી અધિકારીએ કેસની સુનાવણી વખતે જણાવ્યું હતું કે સુમીતના કબજામાંથી ૮૦૦ પાઉન્ડ મળી આવ્યા હતા. તેણે કરેલી કમાણી કરતાં વધુ રકમ મળી આવી હતી અથૉત્ તેણે અગાઉ પણ ચોરી કરવા પ્રયાસ કર્યો હતો.