ઓસ્ટ્રેલિયાના એડિલેડ શહેરમાં મંગળવારે અમુક સ્થાનિક લોકોએ પેટ્રોલ બોમ્બ વડે હુમલો કરીને ભારતીય વિદ્યાર્થીઓની ત્રણ કારને નુકશાન પહોંચાડ્યું હતું. છેલ્લા ત્રણ મહિનામાં વિદ્યાર્થીઓની કારને નિશાન બનાવવામાં આવી હોય તેવા 12 કેસ નોંધાયા છે.
જે ભારતીય વિદ્યાર્થીઓની કારને નિશાન બનાવવામાં આવી છે તે ગ્રીનકેરસ વિસ્તારમાં રહે છે. વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે મંગળવાર સવારે તેમની કાર ઉપર બોમ્બ વડે હુમલો કરવામાં આવ્યો હતો. સતત વધી રહેલા આવા બનાવો બાદ ભારતીય વિદ્યાર્થીઓમાં ડરની લાગણી ફેલાઈ ગઈ છે.
વર્તમાન પત્ર ‘એડિલેડ નાઉ’ના જણાવ્યા પ્રમાણે યાસિફ મુલ્તાની(28) નામના એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે બનાવમાં 15 સ્થાનિક કિશોરનો હાથ છે. મુલ્તાનીની બે કારને નિશાન બનાવવામાં આવી હતી.
મુલ્તાનીએ જણાવ્યું હતું કે છેલ્લા થોડા દિવસોમાં આવા અનેક બનાવો બન્યા છે. જેમાં 12થી વધારે કારને નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. તેની સાથે લેટર બોક્સમાંથી ભારતીય વિદ્યાર્થીઓના લેટરની પણ ચોરી કરવામાં આવી છે, તેમજ તેની કરચાપેટીઓને રસ્તા ઉપર ફેંકી દેવામાં આવી હતી. આટલું જ નહીં તેમના ઘરો પર વંશીય લખાણો પણ લખવામાં આવ્યા હતાં.
મુલ્તાની તેમજ તેના મિત્રોએ એક કિશોરને કાર પર પેટ્રોલ બોમ્બ ફેંકતા જોયો હતો. તેમના જણાવ્યા પ્રમાણે હુમલાખોરો જાણતા હતાં કે અમે ક્યાં સમયે ઘરે રહીએ છીએ. આ લોકો અમારા વિશે બધુ જાણે છે. પોલીસ અધિકારી બૈરી લેવિસનું કહેવું છે કે આ એક ચિંતાનો વિષય છે. આ વિસ્તારમાં અમુક યુવકો દ્વારા આવી ભાંગફોડની પ્રવૃતિ કરવામાં આવી રહી છે. અમે આ પહેલા જ ત્રણ લોકોની ધરપકડ કરી ચુક્યા છીએ.
*