ભારતની વધુ એક મહિલાએ દેશનું નામ રોશન કર્યું છે. વિશ્વની પ્રતિષ્ઠિત એવી હાવર્ડ યુનિવર્સિટીમાં ભારતીય ગીતા ગોપીનાથની અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે પસંદગી કરવામાં આવી છે. આવી સિદ્ધિ મેળવનાર ગીતા ભારતીય મૂળની પહેલી મહિલા છે. 28 વર્ષીય ગીતા 2005 થી હાવર્ડ ફેક્ટીની સભ્ય છે, તેમજ તેને 2009માં એસોસિએટ પ્રોફેસર બનાવવામાં આવી હતી.
ગીતાની શોધ દ્વારા અર્થશાસ્ત્રીઓને હાલમાં જ મંદીનો શિકાર બનેલા ગ્રીસ અને આઈસલેન્ડની દુર્દશાને સમજાવામાં મદદ મળી હતી. હાવર્ડમાં અર્થશાસ્ત્રની પ્રોફેસર બનનારી ગીતા ત્રીજી મહિલા છે. તેમજ નોબેલ પુરસ્કાર મેળવનાર અમર્ત્ય સેન પછી આવું સન્માન મેળવનાર પહેલી ભારતીય છે.
હાવર્ડ ફેકલ્ટી ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સમાં સોશિયલ સાયન્સના ડીન સ્ટીફન કોસલિને કહ્યું હતું કે, પ્રોફેસર ગીતાની શોધે અમને ઉભરતા બજારના વેપાર ચક્રને સમજવામાં ઘણી મદદ કરી હતી.
કોલકાત્તામાં જન્મેલી ગીતાએ પ્રિસ્ટન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી કર્યું છે. આ પહેલા તેણે દિલ્હીની લેડી શ્રીરામ કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. તેમજ દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી અનુસ્નાતકની ડિગ્રી મેળવી હતી. ગીતા શિકાગોમાં ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસમાં અર્થશાસ્ત્રની સહાયક પ્રોફેસર પણ રહી ચુકી છે.