ઓસ્ટ્રેલિયામાં ભારતીય નર્સોનું ભાવિ જોખમમાં મુકાઇ જવાનો ખતરો તોળાઇ રહ્યો છે. ઓસ્ટ્રેલિયન હેલ્થ પ્રેક્ટિશનર રેગ્યુલેશન એજન્સી નિર્ણય કર્યો છે કે જો વિદેશી વિદ્યાર્થી નર્સો અંગ્રેજી ભાષાની જરૂરિયાતને પહોંચી વળવામાં નિષ્ફળ સાબિત થશે તો તેમને તેમના વિઝા એક્પાયર થતાં તેમને સ્વદેશ પરત મોકલી દેવામાં આવશે. ઓસ્ટ્રેલિયન હેલ્થ પ્રેક્ટિશનર રેગ્યુલેશન એજન્સીના આ નિર્ણયનો ભોગ સૌથી વધારે ભારતીય નર્સો બને તેવી સંભાવના છે.
ઓસ્ટ્રેલિયન હેલ્થ પ્રેક્ટિશનર રેગ્યુલેશન દ્વારા અંગ્રેજી ભાષાની પરિક્ષા નિયત કરવામાં આવી છે. આ અંગે નર્સિંગ બોર્ડે જણાવ્યું હતું કે દરેક નર્સો તેમના દર્દીઓ સાથે સફળ અને અસરકારક રીતે વાતચીત કરી શકે તે માટે ખાત્રી પુરી પાડવા માટે આ નિયમો નક્કી કરવામાં આવ્યાં છે.
એક ભારતીય નર્સ જોસેફ જેમ્સે જણાવ્યું હતું તે 18 માસનો નર્સિંગ કોર્ષ પૂર્ણ કરવાની તૈયારીમાં છે. ઓસ્ટ્રેલિયામાં લાગુ પાડવામાં આવેલા આ નવા ભાષાકીય ધોરણોના કારણે તેણે ઓસ્ટ્રેલિયા છોડવાની નોબત આવી પડી છે, કારણ કે તેનો વિઝા 13મી ઓગસ્ટે પૂર્ણ થવાની તૈયારીમાં છે. વધુમાં તેણે જણાવ્યું હતું કે આશરે 400 જેટલા વિદ્યાર્થીઓએ તેની સાથે કોર્ષ પુરો કરી લીધો છે, કે પૂરો કરવાની તૈયારીમાં છે.
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયા નર્સિંગ ફેડરેશને લીધેલા નિર્ણયના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને નિરાશાનો સામનો કરવો પડશે. આ વિદ્યાર્થીઓમાંથી કેટલાક વિદ્યાર્થીઓએ તેમના ભણવા માટે પોતાના ઘર ગિરવે મુકીને લોન લીધી છે. અચાનક લેવામાં આવતા આ પ્રકારના નિર્ણયના કારણે ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય વિદ્યાર્થીઓ ઓસી. સરકાર પ્રત્યે પોતાના રોષ ભભૂકી ઉઠ્યો હતો.