ગણિતમાં સ્નાતક થયેલા ભારતીયોને બ્રિટનના બાળકોને ટેલિફોન અને ઈન્ટરનેટ દ્વારા ટ્યૂશન શીખવવા માટે તાલીમ આપવામાં આવી રહી છે. બાળકોને ટ્યૂશન આપતી એક એજન્સી પંજાબના ગણિતમાં સ્નાતક થયેલા 100 જેટલા લોકોને બ્રિટિશ સ્કૂલના અભ્યાસક્રમ પ્રમાણે તાલિમ આપી રહી છે, જેના કારણે તે દરેક ઉંમરના બાળકોને ભણાવી શકે.
લંડનની ‘બ્રાઈટસ્પાર્ક એજ્યુકેશન ટ્યૂશન’ સંસ્થાનું કહેવું છે કે ટ્યૂશન કરાવતા શિક્ષકો અઠવાડિયાના સાતેય દિવસો અને ચોવીસ કલાક ઉપલબ્ધ રહેશે. તેને એક કલાકના સાત પાઉન્ડ લેખે વેતન ચુકવવામાં આવશે.
પંજાબમાં ન્યૂનતમ પગાર 2.52 પાઉન્ડ છે. એજન્સીનું કહેવું છે કે લાભ લેનાર લોકો બ્રિટનના શિક્ષકોના બદલે ભારતીય શિક્ષકોનો લાભ લઈને પોતાના પૈસા બચાવી શકશે. તેમણે એક કલાકના ટ્યૂશન પાછળ ફક્ત 12 પાઉન્ડનો ખર્ચ કરવો પડશે જે રકમ બ્રિટનમાં ટ્યુશન ફીની અડધી છે.
નોંધનીય છે કે બ્રિટનમાં ગણીતના શિક્ષકોની સંખ્યા ખૂબ ઓછી છે. વર્ષ 2009માં અહીં ગણિતમાં સ્નાતક થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 5980 હતી. જ્યારે ભારતમાં દર વર્ષે ગણિત અને વિજ્ઞાનમાં સ્નાતક થનાર વિદ્યાર્થીઓની સંખ્યા 690, 000 છે.