ઓસ્ટ્રેલિયાની એક કોર્ટમાં ભારતીય વિદ્યાર્થી પર ત્રણ હુમલાખોરો દ્વારા ટેલિફોન બૂથમાં થયેલા હુમલાની સુનાવણી બુધવારે શરૂ થઈ છે.
વિક્ટોરિયાની કાઉન્ટી કોર્ટમાં ફરિયાદી પક્ષે જણાવ્યું હતું કે ગયા વર્ષે ઓક્ટોબરમાં શેન કોમેનસોલી અને લેનન મેટાક્સસે ભારતીય વિદ્યાર્થી લકી સિંહ પર હુમલો કર્યો હતો, જ્યારે એલેક્ઝાન્ડર ત્રિફુનોવિકે ઘટનાસ્થળેથી ભાગી જવામાં બંનેની મદદ કરી હતી.
એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે 20 વર્ષીય કોમેનસોલી અને મેટાક્સસે એક સ્થાનિક હોટલમાં દારૂ પીધા બાદ ટેલિફોન બૂથમાં રહેલા સિંહ પર દિવસે હુમલો કર્યો હતો. ત્રિફુનોવિકે ઘટનાને અંજામ આપવા માટે બંનેની મદદ કરી હતી.
ફરિયાદી પક્ષના જણાવ્યા પ્રમાણે હુમલાખોરોને એવું હતું કે ભારતીય મૂળના લોકો પોતાની પાસે વધારે રોકડ રકમ રાખે છે, આથી બંનેએ સિંહ પર હુમલો કર્યો હતો.
પ્રોસિક્યૂટર અમેલિયા મેક્નેએ જણાવ્યું હતું કે, મેટાક્સસે સિંહના ચહેરા પર મુક્કા વડે પ્રહાર કર્યો હતો. આ સમયે કોમેનસોલીએ દર્દથી પીડાઈ રહેલા સિંહને કર્યું હતું કે, "'Shut up, you Indian'...,""હવે મારો વારો છે". આ અંગે દાખલ કરવામાં આવેલી ફરિયાદ પ્રમાણે સિંહના ચહેરા પર 20 કરતા વધારે વખત પ્રહાર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ હુમલાખોરોએ સિંહને એક પાર્કની બેન્ચ પર લઈ જઈને વધારે મારપીટ કરી હતી.
હુમલાખોરોએ સિંહને માર મારીને તેના પાકિટમાં રહેલા 80 ડોલર લૂંટી લીધા હતાં. ત્યાર બાદ તેમણે ફોન કરીને ત્રિકુનોવિકને બોલાવ્યો હતો. હુમલા બાદ પોલીસે ત્રણેય હુમલાખોરોની ધરપકડ કરી લીધી હતી. કોર્ટમાં બંને હુમલાખોરોએ મારપીટ અને લૂંટનો ગુનો કબૂલી લીધો છે.
તેમજ ત્રિફુનોવિકે લૂંટ માટે મદદ કરવાનો ગૂનો કબૂલી લીધો છે. જ્યારે બચાવ પક્ષના વકીલ રાન ટેટએ ભારતીય વિદ્યાર્થી પર કરવામાં આવેલા હુમલાને વંશીય હુમલા સાથે નહીં જોડવાની માગણી કરી હતી.
*