અમેરિકામાં એક ભારતીય મૂળના અમેરિકન મુસ્લિમ નાગરિકની મેયર તરીકે પસંદગી કરવામાં આવી છે. જેવીશ લોકોથી પ્રભાવીત એવા ન્યૂ ઝર્સીના એક ટાઉનમાં મોહમ્મદ હમીદુદ્દીનની પસંદગી મેયર તરીકે કરવામાં આવી છે.
હમીદુદ્દીન ભારતના હૈદ્રાબાદ શહેર સાથે સબંધ ધરાવે છે. ગયા અઠવાડિયે ન્યૂ ઝર્સીની ટીનેક ટાઉનશિપના મેયર તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી.
હમીદુદ્દીને બે વર્ષ પહેલા કાઉન્સીલની બેઠક પર વિજય મેળવ્યો હતો. પહેલી જૂલાઈના રોજ યોજાયેલી ટાઉનશીપની વાર્ષીક બેઠકમાં હમીદુદ્દીનને સાતમાંથી પાંચ વોટ મળ્યા હતાં. બેઠકમાં આદમ ગુસેનની ડેપ્યુટી મેયર તરીકે પસંદગી કરવામાં આવી હતી.
મેયર તરીકે ચૂંટાઈ આવ્યા બાદ હમીદુદ્દીને એબીસી ન્યૂઝને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે, દુનિયામાં આવું કોઈ પણ જગ્યાએ શક્ય બન્યું નથી. જ્યાં જેવીશથી પ્રભાવિત વસ્તીમાં એક મુસ્લિમની મેયર તરીકે પસંદગી કરવામાં આવી હોય. તેમજ વર્ષોથી લડી રહેલી બે કોમને એક કરવાનો મને જે મોકો મળ્યો છે તેને હું સાર્થક કરી બતાવીશ.