સરકારે મંગળવારે જણાવ્યું હતું કે સ્વિસ બેંકોમાં ભારતીયોના ગેરકાયદેસર નાણાની વિગતો મેળવવા માટે સ્વીત્ઝર્લેન્ડ સાથે થયેલો કરાર, ભૂતકાળની ઘટનાઓ માટે નહિ પણ હવે પછીની ભવિષ્યની માહિતી મેળવવા માટે જ લાગુ પડશે.
વર્તમાન ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રીમેન્ટ(ડીટીએએ)માં સુધારા માટે સ્વીત્ઝર્લેન્ડે સાથે કરાર અંગે એક નિવેદનમાં લોકસભામાં નાણામંત્રી પ્રણવ મુખરજીએ જણાવ્યું હતું કે આ નવી જોગવાઇ માત્ર હવે પછી સ્વિસ બેંકોમાં જમા થનારા નાણાની માહિતી માટે જ લાગુ પડશે. ભૂતકાળની ઘટનાઓ માટે નહીં.
નાણામંત્રી પ્રણવ મુખરજીએ જણાવ્યું હતું કે સ્વિસમાં ભારતીય નાગરિકોના બેંકોની વિગતો જાણવા માટેની પરવાનગી મેળવવા માટે ડબલ ટેક્સેશન એવોઇડન્સ એગ્રીમેન્ટ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલ રાતે આ સુધારેલી સંધિ પર મુખરજી અને સ્વિસ વિદેશમંત્રી મિશેલિન કલમી-રેએ હસ્તાક્ષર કર્યા હતા.
સ્વિસ બેંકોમાં જમા ગેરકાયદેસર નાણા અંગે વિગતો મેળવવા અંગેના ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીના એક પ્રશ્નના ઉત્તરમાં મુખરજીએ જણાવ્યું હતું કે સ્વિસ બેંકો બેન્કિંગ વ્યવહારો અંગે કોઇ જ માહિતી આપશે નહીં. તેમણે જણાવ્યું હતું કે હું એ સ્પષ્ટ કરવા માગું છું કે સ્વિસ કાયદાને લાગેવળગે છે ત્યાં સુધી તે તેમના કોઇપણ બેન્કિંગ વ્યવહારો અંગે કોઇ જ માહિતી આપતું નથી.
મુખરજીએ ઉલ્લેખ કર્યો હતો કે એક માત્ર અપવાદરૂપ કિસ્સામાં વર્ષ ૧૯૪૫માં નાઝી શાસકો સામે કાર્યવાહી ચાલતી હતી ત્યારે તેમની સંપત્તિ સ્વીત્ઝર્લેન્ડે જાહેર કરી હતી.
મુખરજીએ જણાવ્યું હતું કે વર્તમાન ડીટીએએ હેઠળ સ્વીત્ઝર્લેન્ડ પાસેથી બેન્કિંગ માહિતી મેળવવા માટે ભારત અસમર્થ છે.