સિડનીમાં ભારતીયની હોટલમાં આગ લાગ્યાના બનાવ બાદ આજ વિસ્તારમાં ભારતીય માલિકીની રેસ્ટોરન્ટની બે ફૂડ વાનમાં આગ લાગી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આગને કારણે બંને ફૂડ વાન સંપૂર્ણ નાશ પામી છે. સિડની મોર્નિંગ હેરાલ્ડે પોલીસ અને ફાયર બ્રિગેડના હવાલેથી લખ્યું છે કે આગમા નાશ પામેલી બંને ફૂડ વાનને ઈરાદાપૂર્વક સળગાવવામાં આવી હોવાની શક્યતા છે.
માયા દા ધાબા નામની રેસ્ટોરન્ટની ફૂડ વાનમાં સ્થાનિક સમય પ્રમાણે રાત્રે 2.30 કલાકે આગ લાગી ગઈ હતી. જો કે ફાયર બ્રિગેડના સ્ટાફે બહુ ઝડપથી આગ પર કાબૂ મેળવી લીધો હતો, પરંતુ ત્યાં સુધી તો બંને વાનો સંપૂર્ણ નાશ પામી હતી.
ઘટના બાદ પોલીસ હાલમાં પાંચ જૂલાઈના રોજ ભારતીય રેસ્ટોરન્ટમાં લાગેલી આગ અને આ બનાવ વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તેની તપાસ કરી રહી છે. જે રેસ્ટોરન્ટની વાન સળગાવી આવી છે તે આ હોટલની નજીક આવેલી છે.
પાંચ જૂલાઈના રોજ બનેલા બનાવામાં પોલીસે બોમ્બ વિસ્ફોટની પણ આશંકા વ્યક્ત કરી છે. હોટલમાં જ્યારે આગ લાગી ત્યારે હોટલ પાસેથી બે વ્યક્તિઓને ભાગતા જોવામાં આવ્યા હતાં.