ભારતીયોમાં વિદેશ જવાની ઘેલછા દિવસેને દિવસે વધતી જાય છે. એક મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે સિંગાપુરમાં દર ચારમાંથી એક વ્યક્તિ ભારતીય સમાજ સાથે સંબંધ ધરાવે છે.અન્ય દેશમાંથી આવેલા લોકો સહિતની સિંગાપુરની વસ્તી 17.9 લાખ જેટલી છે. જેમાંથી ચાર લાખ લોકો ભારતીય મૂળના છે. આ આંકડા બતાવે છે કે ફક્ત બે જ વર્ષમાં અહીં ભારતીયોની વસ્તીમાં બે ગણો વધારો થયો છે.
ધ સ્ટ્રેઈટ ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે 2006ની સરખામણીમાં હાલમાં અહીં આવીને કંપની સ્થાપનાર ભારતીયોમાં પણ બે ગણો વધારો થયો છે. 2006ના વર્ષમાં ભારતીયોની 1500 કંપની હતી જે વધીને હવે 3000 થઈ ગઈ છે.
સિંગાપુરના બંગાળી એસોસિએશનના પ્રમુખ નિખિલેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે સિંગાપુરમાં અંગ્રેજી, ચાઈનિઝ અને મલય બાદ તામિલ ચોથા નંબરની ભાષા બની ગઈ છે. જેના કારણે ખાસ કરીને દક્ષિણના રાજ્યોના લોકોનું સિંગાપુર પ્રત્યેનું આકર્ષણ વધ્યું છે.
તેમના જણાવ્યા પ્રમાણે ભારતના ઉચ્ચ જ્ઞાન ધરાવતા લોકો અહીં એન્જીનિયરિંગ, આઈટી અને ફાયનાન્સ ક્ષેત્રોમાં જંપલાવી રહ્યા છે, જ્યારે પ્રમાણમાં ઓછું જ્ઞાન ધરાવતા લોકો બાંધકામ અને મરિન ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરી રહ્યા છે.