બિઝનેસ અને ટેક્નોલોજીમાં નવીન ફેરફાર કરીને દાખલો બેસાડનારા ૩૬ વર્ષની નીચેની વયના ટોચના યંગ ઇનોવેટર્સની યાદીમાં ત્રણ ભારતીયના નામ સામેલ છે.
એમઆઈટીની પ્રતિષ્ઠિત વાર્ષિક ‘ટેક્નોલોજી રિવ્યૂ’માં આ નામો જાહેર કરવામાં આવ્યાં છે. એમઆઇટીની માલિકીની સ્વતંત્ર મીડિયા કંપની ‘ટેક્નોલોજી રિવ્યૂ’ દ્વારા તૈયાર કરાયેલા અસાધારણ પુરુષ અને સ્ત્રીઓની યાદી ૨૦૧૦-ટેક્નોલોજી રિવ્યૂમાં રિકિન ગાંધી(૨૯ વર્ષ), રણવીર ચંદ્રા(૩૪ વર્ષ) અને ઇન્દ્રાણી મેઘી(૩૨ વર્ષ)નો સમાવેશ થાય છે.
આ યાદીમાં ઊભરી રહેલી નવી ટેક્નોલોજી અને ઉદ્યોગ જગત પર તેની અસરનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષના વિજેતાઓએ ઊર્જા, બાયોમેડિસિન, સંદેશા વ્યવહાર, આઇટી, પરિવહન અને વેબ જેવા વિવિધ ક્ષેત્રોમાં નવીન ફેરફાર કર્યા છે.
ટેક્નોલોજી રિવ્યૂના એડિટર ઇન ચીફ અને પબ્લિશર જેસન પોન્ટિને જણાવ્યું હતું કે આ યંગ ઇનોવેટર્સના નવીન ફેરફારથી સોશિઅલ નેટવર્કિગ માટેના નિયમોને નવું રૂપ મળ્યું છે અને કટોકટી સાથે લડીને સફળતા મેળવવા લોકોને મદદ મળી રહેશે. ૨૦૧૦ ટીઆર૩૬, સમાજ તેમજ બિઝનેસને લાભ થવાની શક્યતા ધરાવતા માર્ગે ટેક્નોલોજીમાં ફેરફાર કર્યો છે અને સમસ્યાઓ ઉકેલશે.
અત્રે ઉલ્લેખનીય છે કે એડિટર્સ ઓફ ટેક્નોલોજી રિવ્યૂ વર્ષ ૧૯૯૯થી જેના નવીન ફેરફારો અને સંશોધનો સૌથી ઉત્કૃષ્ટ હોય તેવા યુવા ઇનોવેટર્સનું સન્માન કરે છે. યાદીમાં સ્થાન મેળવનારા ભારતીયોમાં રિકિન ગાંધી નોનપ્રોફિટ ‘ડિજિટલ ગ્રીન’ના સ્થાપક છે. જે સ્થાનિક સ્તરે વીડિયો તૈયાર કરીને કૃષિની ટેક્નોલોજી અંગે ખેડૂતોને શિક્ષણ આપવા પર પ્રકાશ પાડે છે.