જેવી રીતે હિંદુ કે ભગવા આતંકવાદ શબ્દ અગ્રાહ્ય છે, તેવી જ રીતે મુસ્લિમ કે ઈસ્લામી આતંકવાદ શબ્દ પણ અગ્રાહ્ય હોવા જોઈએ. આ શબ્દોનો પ્રયોગ કરીને આપણે વ્યાપક સમુદાયોને બળજબરીથી આતંકવાદ સાથે જોડવાનું આયોજન કરી દઈએ છીએ.
શું આતંકવાદનો કોઈ રંગ હોય છે? ચિદમ્બરમે તેને ભગવા આતંકવાદ શા માટે કહી દીધો? ભગવો રંગ તો ત્યાગ, તપસ્યા, શાંતિ, અહિંસાનો રંગ છે. ભગવો રંગ જે પણ ધારણ કરે છે, માનવામાં આવે છે કે તે સંન્યાસી થઈ ગયો. કામ, ક્રોધ, મદ, લોભ, મોહથી તે ઉપર ઉઠી ગયો. માટે ચિદમ્બરમ આમ બોલીને બચવા લાગ્યા. તેમણે આ શબ્દનો પુનરોચ્ચાર કર્યો નથી. કોંગ્રેસ પાર્ટીએ પણ આ નિવેદનથી ખુદને અલગ કરી લીધી છે. હવે ચિદમ્બરમ શું કરતાં? તેઓ પોતાનું મોં સંભાળીને રહી ગયા.
પરંતુ કોઈ શું ચિદમ્બરમની મજબૂરી સમજવાનો પ્રયત્ન કરશે? ખબર નથી કે તેઓ તમિલ કેટલી જાણે છે? પરંતુ તેઓ સંસ્કૃત અને હિંદીથી તો તેઓ અનભિજ્ઞ છે. આ વાત સૌને ખબર છે. તેમનું શિક્ષણ વિદેશમાં થયું છે. જો કે તેઓ લોકસભાની ચૂંટણી જીતીને જ મંત્રી બને છે. પરંતુ ભારતને તે કેટલું સમજે છે, તે કહેવું અઘરું છે.
તેમને શું ખબર કે ભગવા શબ્દની કેટલી મહત્તા છે? તેની વ્યાપ્તિ કેટલી છે? ભારતીય મન પર તેની પકડ કેટલી છે? તેમણે અંગ્રેજીના ‘સેફ્રોન’ શબ્દનો ઉપયોગ કર્યો છે. એટલે કે કેસરિયા! કેસરિયા વસ્ત્રો ક્યારે ધારણ કરવામાં આવે છે, કેસરિયા પાઘડી કે કેસરિયા ઉત્તરીય સંસ્કૃતિનું ભારતીય સંસ્કૃતિમાં શું મહત્વ છે, તે ભારતના ગૃહ મંત્રીને ખબર હોવી જોઈએ.
ભગવા અને કેસરિયા રંગ બિલકુલ એક જવા હોતા નથી. પરંતુ તેમ છતાં અંગ્રેજી ભાષામાં શબ્દ સામર્થ્યની કમીને કારણે બંને શબ્દોને એક જેવા માનવામાં આવ્યા છે. ચિદમ્બરમે તેને કેસરિયો કહ્યું કે ભગવો, તેનાથી કોઈ ખાસ ફરક પડતો નથી. તેનો અર્થ એ જ સમજવામાં આવ્યો છે કે જે સમજવો જોઈતો હતો.
ભગવા આતંકવાદ શબ્દ પર ભાજપ અને સંઘનું ભડકવું સ્વાભાવિક હતું. કારણ કે ભગવા રંગ પર રાજકીય એકાધિકાર કોઈ સંગઠનોનો છે, તો તે આમનો છે. જો કે કોંગ્રેસ પાર્ટીના ધ્વજમાં પણ ભગવો રંગ સૌથી ઉપર છે. પરંતુ ભગવા રંગ પર જ્યારે તમે પ્રહાર કરો છો, તો ભાજપ, શિવસેના, સંઘ વગેરે સંગઠનો જ તમારા નિશાન બને છે. ચિદમ્બરમના નિવેદનનો અર્થ સ્પષ્ટ હતો. તે આ સંગઠનોને આ નવા આતંકવાદ માટે જવાબદાર ઠેરવી રહ્યાં હતા.
તેઓ હિંદુ આતંકવાદ શબ્દનો પ્રયોગ કરત, તો વધારે ખરાબ રીતે ફસાય જાત. તેમણે સરળ રસ્તો પસંદ કર્યો. પરંતુ આ સરળ રસ્તો પણ તેમને ભારે પડયો છે. આ તો સ્પષ્ટ છે કે જે આતંકવાદની તરફ ચિદમ્બરમ ઈશારો કરી રહ્યાં હતા, તેમા એકલ-દોકલ સાધુ-સાધ્વી જ પકડાયા છે, પરંતુ માત્ર આ કારણોથી જ તેને ભગવો આતંકવાદ કહેવાયો નથી.
ચિદમ્બરમ એ માનીને ચાલી રહ્યાં છે કે આ જે જવાબી આતંકવાદ ચાલી રહ્યો છે, તેની પાછળ સંઘ અને ભાજપનો હાથ છે, જ્યારે આ બંને સંગઠનોએ અને વિશ્વ હિંદુ પરિષદે પણ સમસ્ત હિંસક પ્રવૃતિઓની ભર્ત્સના કરી છે. બીજા શબ્દોમાં ચિદમ્બરમનું નિવેદન શુદ્ધ રાજકીય હતું. પરંતુ કોંગ્રેસ પણ તેને માનવા માટે તૈયાર નથી.
આખરે કેમ? એટલા માટે આ નિવેદન જેટલું નુકસાન ભાજપ અને સંઘ વગેરેને પહોંચાડત, તેનાથી ઘણું વધારે કોંગ્રેસને નુકસાન પહોંચાડત. માનવામાં આવે છે કે કોંગ્રેસે દરેક ભગવાધારી વિરુદ્ધ અભિયાન ચલાવી દીધું છે. દેશના સાધુ-સંત અને પરમ ધાર્મિક હિંદુ લોકો પણ અસમંજશમાં પડી જાય છે. તેઓ આતંકવાદથી ધૃણા કરે છે, પરંતુ હવે તેમને લાગે છે કે તેમને આતંકવાદના સમર્થક કહેવામાં આવે છે. આ ભાવનાના ફેલાતા જ કોંગ્રેસના હિંદુ વોટોમાં સેંધ લાગી જાત. મુસલમાન તો કોંગ્રેસથી પહેલા જ અલગ થઈ ગયા છે. હવે હિંદુ વોટોના છટકવાથી કોંગ્રેસના સુપડા સાફ થઈ શકતા હતા.
ગૃહમંત્રીની જરાક જેટલી ભૂલ કોંગ્રેસને ઉંડા ખાડામાં ઉતારી શકતી હતી. પરંતુ કોંગ્રેસીઓએ યોગ્ય સમયે સાચો પેંતરો મારી દીધો છે. જો કોંગ્રેસ અને ભારત સરકાર ચિદમ્બરમના મુહાવરાને ઉછાળી દેતી, તો વિદેશમાં પણ ભારતની છબી ખરાબ થતી. પાકિસ્તાને પોતાનો આતંકવાદ નિકાસ માટે, ભારતમાં મોકલવા માટે બનાવ્યો હતો.
પરંતુ ભગવા આતંકવાદનો ઉપયોગ ભારતમાં જ થાત, તેનો નિકાસ આપણે ક્યાં કરત? ભારતની લડાઈ ન તો પશ્ચિમના ખ્રિસ્તી દેશોથી છે અને ન તો દુનિયાના ઈસ્લામી દેશો સાથે. ભારતનો ભગવો આતંકવાદ ભારતીયોને જ મારત. તેમા હિંદુ અને મુસલમાન બંને મરત. ભગવા આતંકવાદને ભારતીય આતંકવાદના નામે પ્રચારીત કરવામાં આવત અને તેના મુકાબલે પાકિસ્તાની આતંકવાદને યોગ્ય ઠેરવા માટે નવા તર્કની શ્રૃંખલા ઉભી કરી દેવાત. ચિદમ્બરમનું નિવેદન અંતે ભાજપ વિરોધી નહીં, પણ ભારત વિરોધી સાબિત થાત.
સારું થયું કે ભગવા આતંકવાદ શબ્દનો વિરોધ ચારે બાજુથી થયો. પરંતુ મારો પ્રશ્ન છે કે બિલકુલ આ પ્રકારે ઈસ્લામિક આતંકવાદ શબ્દનો વિરોધ પણ શા માટે થતો નથી? ઈસ્લામનો અર્થ જ સલામતી અને શાંતિ છે. જેવી રીતે ભગવાનો અર્થ છે. જેવી રીતે કેટલાંક સાધુ-સંન્યાસીઓના પકડવાનો મતલબ એ નથી કે સામાન્ય હિંદુ આતંકવાદના ટેકેદાર છે, બરાબર તેવી રીતે જ કેટલાંક મુસ્લિમોના પકડવાને કારણે તમામ મુસલમાનને આતંકવાદના સમર્થક કેવી રીતે માની લેવાય? જેવી રીતે હિંદુ અથવા ભગવા આતંકવાદ શબ્દ અગ્રાહ્ય છે, તેવી રીતે મુસ્લિમ અને ઈસ્લામિક આતંકવાદ શબ્દ પણ અગ્રાહ્ય હોવો જોઈએ.
આ શબ્દોનો પ્રયોગ કરીને આપણે વ્યાપક સમુદાયને બળજબરીથી આતંકવાદ સાથે જોડવાનું આયોજન કરી દઈએ છીએ. આ કામ ચાહે અજ્ઞાનવશ જ થાય છે, પરંતુ થાય છે, જરૂરથી. આતંકવાદ કોઈના પણ દ્વારા કરવામાં આવે, તેની ખુલ્લી ભર્ત્સના થવી જોઈએ. એ ન થઈ શકે કે તમારો આતંકવાદી તો આતંકવાદી છે અને મારો આતંકવાદી ક્રાંતિકારી છે. આતંકવાદ હતાશાવાદનું સંતાન છે. આ વીરતા નથી, કાયરતા છે. આ દ્રઢતા નહીં, પલાયન છે.
જે બહાદૂર છે, તે મારીને ભગતો નથી. છાતી કાઢીને લડે છે અને જ ખરેખર વીર છે, તે બોમ્બ ફેંકીને કે બંદૂક ચલાવીને મુક્તિ મેળવી લેતો નથી. તે પોતાના અધિકાર માટે, ન્યાય માટે, બેજુબાનો માટે લાંબી લડાઈ લડે છે. તે રાજ્યની પાશવિક શક્તિઓના મુકાબલે નાગરીકોની માનવીય અને દૈવીય શક્તિઓને ઉભી કરે છે. અત્યાચારનો મુકાબલો કરતાં તે સ્વયં અત્યાચારી બની શકે નહીં. તે અંધ પણ બની શકે નહીં. નિશસ્ત્ર લોકોને મોતને ઘાટ ઉતારી દેનારા લોકો કોઈપણ વસ્ત્ર ધારણ કરે, ભગવા, લીલા કે સફેદ...પણ તે અંદરથી તો કાળા જ હોય છે.