રાહુલની તાકાત
કેન્દ્રીય ગૃહમંત્રાલયમાં અત્યાર સુધી એવી પરંપરા હતી કે, ગૃહપ્રધાન પી. ચિદમ્બરમને આધીન કામ કરનારા રાજ્યકક્ષાના પ્રધાન મર્યાદિત દાયરામાં પોતાનું કામ કરે. આ બાબતે કોઇ જાહેર સર્ક્યુલર ન હતો, પરંતુ મંત્રાલયમાં એ જ વિધાન લાગુ હતું. અજય માકન પણ અહીં મર્યાદિત ભૂમિકામાં રહ્યા, પરંતુ એવું લાગે છે કે, હવે મંત્રાલયમાં પવન ઉલ્ટી દિશામાં વહેવા લાગ્યો છે. રાજ્યકક્ષાના ગૃહપ્રધાન ભંવર જિતેન્દ્રસિંહ માત્ર સતત મીડિયામાં ચમકતા રહેતા નથી, પરંતુ બધા જ મુદ્દાઓ અંગે પોતાનો અભિપ્રાય પણ નિડરતાથી આપે છે. આખરે પોતાનું મંતવ્ય કેમ ન આપે. તેઓ પણ ટીમ રાહુલના સભ્ય છે.
રાહુલ અપસેટ કેમ થયા
રાજસ્થાનના ગોપાલગઢ ગામમાં રાહુલ ગાંધી જે મોટર સાઇકલ પર બેસીને ગયા હતા, તે મોટર સાઇકલનો ચાલક અપરાધી હતો કે નહીં, એ બાબતથી કોંગ્રેસીઓ દ્વિધામાં છે. ભાજપે તેને મુદ્દો બનાવી દીધો છે. રાહુલ ગાંધી પોતે પણ આ સાંભળીને અપસેટ થઇ ગયા હોવાનું જણાવવામાં આવે છે. તેમણે પોતાના ખાસ કમાન્ડર ભંવર જિતેન્દ્રસિંહ અને કનિષ્કસિંહ પાસેથી આ સમગ્ર મામલો સમજવાનો પ્રયાસ કર્યો. તેમના પ્રવાસ દરમિયાન તેમની સાથે રહેતા લોકોની પશ્વાદ્ભૂમિકાની પણ તપાસ કરવામાં આવે.
કોંગ્રેસના મહામંત્રી નિશાન પર
અણ્ણાને તાજેતરમાં જ બે પત્ર લખનારા કોંગ્રેસના મહામંત્રીથી તેમના જ પક્ષના લોકો નારાજ છે. રાજસ્થાનના એક રાજ્યમંત્રીએ જણાવ્યું કે, મહામંત્રીને ફાટેલામાં પગ નાખવાનો અને પ્રસિદ્ધિ મેળવવાનો રોગ છે. તેઓ કહે છે કે, વડાપ્રધાને પત્ર પાઠવી દીધો તો પછી અન્ય લોકોએ પત્ર લખવાની શું જરૂર છે. વડાપ્રધાનનો પક્ષ અને સરકારમાં સૌથી વરિષ્ઠોમાં સમાવેશ થાય છે. મહામંત્રી પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે, તેઓ શું બતાવવા માગે છે? શું બધી માહિતી તેમની પાસે જ છે, અન્યો પાસે નથી? કદાચ તેમનો ઇશારો સંઘના પત્ર સાથે સંબંધિત હતો.
ટેલિકોમ પોલિસીમાં સમજદારીની રિંગટોન
ટેલિકોમપ્રધાન કપિલ સિબ્બલે તાજેતરમાં બહુપ્રતિક્ષિત ટેલિકોમ પોલિસી ૨૦૧૧નો મુસદ્દો જાહેર કર્યો છે, પરંતુ તેને સ્પેકટ્રમ વિવાદના પડછાયાનો ડર કહીએ કે ઉતાવળે ભરેલું પગલું. કોઇ પણ રીતે મુસદ્દામાં કશું જ સ્પષ્ટ નથી. મામલો સ્પેકટ્રમનાં બજાર મૂલ્યનો હોય કે પછી જુની કંપનીઓના આ બિઝનેસથી બહાર નીકળવા માટે એક્ઝિટ પોલિસીનો કે પછી રોમિંગ ચાર્જથી મુક્તિના સમયનો. ટ્રાઇ સાથે ચર્ચા થયા બાદ બધું જ સ્પષ્ટ થવાનું છે તો પછી પોલિસીની જાહેરાત શા માટે કરવામાં આવી? ન સમજયા. સિબ્બલ સાહેબ વ્યવસાયે વકીલ છે, તેઓ જાણે છે કે, મામલો જ્યારે ગંભીર હોય છે તો તેને એટલું ગૂંચવી નાખો કે, લોકો તેના વિશે વિચારવાનું પણ છોડી દે.