વોડકા ક્રાંતિ
મોટા સમાચાર છે. આપણા ‘ભારતના ડાબેરીઓ’ હવે ‘ભારતીય ડાબેરી’ થઈ ગયા છે. મતલબ કે કમ્યૂનિસ્ટ પોતાને એક વિશ્વ આંદોલન અને એક વૈશ્વિક પાર્ટી માનતા આવ્યા છે અને દેશની સરહદોને કોઈ મહત્વ નથી આપતા. આથી સીપીએમની પાર્ટી કોંગ્રેસમાં હંમેશા દુનિયાભરના પ્રતિનિધિઓને આમંત્રણ પાઠવવામાં આવતું હતું. દુનિયાભર એટલે કે નેપાળ, ચીન, કયૂબા સહિત એકલ-દોકલ અન્ય દેશ. પરંતુ કેરળ અને પશ્ચિમ બંગાળમાં સત્તા ગુમાવ્યા પછી પાર્ટી ખર્ચામાં કાપની ક્રાંતિ લાવવા માટે મજબૂર થઈ ગઈ છે. દુનિયાના ડાબેરીઓ પણ હવે ભારતના ડાબેરીઓ પર વધારે ધ્યાન નથી આપતા. આથી નવી ક્રાંતિ એવી થઈ છે કે માર્ચમાં કોઝીકોડમાં યોજાનારી સીપીએમની પાર્ટી કોંગ્રેસમાં કોઈપણ વિદેશી પ્રતિનિધિને નહીં બોલાવાય. લાગે છે કે, વોડકા વધુ મોંઘી થઈ ગઈ છે.
અપશુકનિયાળ ગુલદસ્તો
‘માયા મહાઠગીની હમ જાની...’ કબીરની આ રચના નવા વર્ષે ફરી સાકાર થઈ છે. ટિકિટ મળ્યા પછી બસપાના કેટલાક ધારસભ્યો ગુલદસ્તા લઈને બહેનજીને નવા વર્ષના વધામણા આપવા પહોંચી ગયા. શુભેચ્છા પાઠવીને પાછા ફરી રહ્યા હતા ત્યારે જ તેમાંથી કેટલાકને પાછા બોલાવીને કહેવાયું કે તમારી ટિકિટ કાપી નાખવામાં આવી છે. પછીના દિવસે ત્રણ મંત્રી ગુલદસ્તો લઈને શુભેચ્છા પાઠવવા પહોંચ્યા. ગુલદસ્તો લીધા બાદ બહેનજીએ કહ્યું કે તેમના સ્ટાફને મળીને જાય. કેટલાક કાગળો પર હસ્તાક્ષર કરવાના છે. પછી ખબર પડી કે એ કાગળો તેમના રાજીનામા હતા. ત્યારપછી ગુલદસ્તો લઈને બહેનજીને શુભેચ્છા પાઠવવા માટે જવાની કોઈએ હિંમત જ નથી કરી.
ભાઈ સાહેબ ફસાઈ ગયા
બહેનજી પછી હવે ભાઈ સાહેબની વાત. સનાતન ભાઈ સાહેબ મતલબ નાના ચૌધરી એટલે કે અજિતસિંહની સમસ્યા પણ અજીબ છે. લોકો તેમને મંત્રી બનાવવા માટે ત્યારે જ પૂછે છે જ્યારે યુપીમાં ચૂંટણીઓ હોય. મિનિસ્ટ્રી રાજકીય પ્રકારની પણ હોવી જોઈએ અને વજનદાર પણ. સામે ચૂંટણીઓ છે માટે સરકારી કવાયત પણ ઓછામાં ઓછી જોઈએ. પરંતુ ભાઈ સાહેબ, જ્યારે ખિસ્સામાં એકલ-દોકલ સાંસદ જ હોય તો કહેવાય છે ને કે - ‘કભી કિસિકો મુકમ્મલ જહાં નહીં મીલતા.’ ભાઈ સાહેબ એરઈન્ડિયામાં એવી રીતે ગૂંચવાયેલા હતા કે પશ્ચિમી યુપીના જાટોએ આ વખતે જાતે જ અંદાજ લગાવવો પડશે કે આ વખતે નાના ભાઈસાહેબ આ બાજુ છે.
પદ્મ મહિમા એવોર્ડ
પદ્મ એવોર્ડનો મહિમા તમે પણ બધા જાણો જ છો. એવોર્ડ માટે સત્તાના લાડલા હોવું જરૂરી છે અને લાડલા તો એ જ હોય છે જે કામના હોય. એટલું તો સમજાય છે પરંતુ એક વાત ન સમજાઈ. આ વખતે પદ્મવિભૂષણ એવોર્ડ મેળવનારામાં ડૉ.કાંતિલાલ હસ્તીમલ સંચેતી છે. એ જ સંચેતી હોસ્પિટલના માલિક, જ્યાં મુંબઈમાં તાબડતોબ અનશન પૂર્ણ કર્યા પછી અણ્ણા હજારે દાખલ થયા હતા. અચરજ થાય તેવી વાતો ઘણી છે. બીમાર અણ્ણાને સંચેતી હોસ્પિટલ લઈ જવા માટે રાલેગણ સિદ્ધિથી પૂના લઈ જવાયા હતા. સંચેતી હોસ્પિટલમાં અણ્ણા લાંબા સમય સુધી ભરતી રહ્યા હતા અને ત્યાર પછી લગભગ શાંત જ છે. શું સંચેતી હોસ્પિટલમાં કોઈ ‘ગુપચુપ ઓપરેશન’ થયું હતું? પદ્મવિભૂષણ એવોર્ડ લાયક? વાત ન સમજાઈ!
નટવરી અરીસો
વાત નીકળી જ છે તો દૂર સુધી જશે. ચીન સાથે સંબંધ ખૂબ જ નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે, અને ૧૯૬૨ના યુદ્ધની વાત કમસે કમ કોંગ્રેસ તો ભૂલવા જ માંગે છે. કારણ કે આ વાત નીકળે તો ભારતના કારમા પરાજયથી માંડીને નહેરુ અને મેનનને લપેટતી આ વાત ક્યાં સુધી પહોંચે છે. સને ૧૯૫૦માં સરદાર પટેલે લખેલા પત્રથી તો ઘણો ઊંડો ઘા થાય છે. આવી સ્થિતિમાં કુંવર નટવરસિંહભારત-ચીન સંબંધો પર પુસ્તક લખી રહ્યા છે. તે પુસ્તક છે અને પોતાની યાદો પણ છે. નટવર એ વખતે ચીનમાં ભારતીય દૂતાવાસમાં થર્ડ સેક્રેટરી હતા. હવે ખબર નહીં શું લખશે? આમ તો નહેરુ પ્રત્યે નટવરની નિષ્ઠા જબરદસ્ત છે.
લો પ્રોફાઈલ, હાઈ પ્રોફાઈલ
મહેસૂલ વિભાગમાં સંયુક્ત સચિવ એસ.કે.મિશ્રાને ખૂબ જ લો પ્રોફાઈલ માનવામાં આવે છે. પરંતુ એક ચીજ એવી છે કે, જે તેમને કોઈપણ દિવસે સૌથી ઊંચી પ્રોફાઈલવાળા બનાવી શકે છે. આ ચીજ એ છે કે વિદેશોમાં જમા કાળાં નાણાં મામલાના ઈન્ચાર્જ મિશ્રાજી છે.
પ્રણવદાનાં આંસુ
પ્રણવદા સૌથી પરપિકવ રાજનેતાઓ પૈકી એક છે. અડવાણીને બાદ કરતા કોઈની સાથે તેમની સરખામણી ન થઈ શકે. પરંતુ કોલકાતામાં પ્રણવદાએ જ્યારે પોતાના પક્ષના કાર્યકર્તાઓની સ્થિતિ અને ટાંટિયા ખેંચ જોઈ તો તેમની આંખો આંસુથી છલકાઈ ગઈ. તદ્દન અડવાણીની સ્ટાઈલમાં.
અરે જરા સંભાળજો
હરિયાણાના કેટલાક આઈએએસ અધિકારીઓ પર એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટનો ગાળિયો બહુ જલદી આવી શકે છે. ઈડી તેમના પર સતત નજર રાખે છે.
શર્માજી, પછી ગુપ્તાજી?
સીબીઆઈના ભૂતપૂર્વ નિદેશક પી.સી. શર્મા નિવૃત્ત થયા બાદ તેમને રાષ્ટ્રીય માનવાધિકાર પંચના મેમ્બર બનાવાયા હતા. હવે ત્યાં તેમની ટર્મ ૬ જુને પૂરી થઈ રહી છે. બીજી તરફ દિલ્હી પોલીસના કમિશનર બી.કે. ગુપ્તા ૩૦ જુને નિવૃત્ત થઈ રહ્યા છે. ગુપ્તાજી શર્માજીવાળી જગ્યાએ મીટ માંડીને બેઠા છે.
એરબસમાં પણ કોમનવેલ્થ
કોમનવાળી વેલ્થનું કૌભાંડ આમ તો તેને ગતિ મળવાની દિશામાં આવી રહ્યું હોય તેમ લાગે છે, પરંતુ કેટલાક પડદા હજુ પણ ઊઠી રહ્યા છે. કેગના અહેવાલ પ્રમાણે તત્કાલીન નાગરિક ઉડ્ડયનવાળાઓએ જે એરબસ ખરીદી હતી, તેમાં પણ થોડી કટકી થઈ હતી અને જો તપાસ થશે તો નાણામંત્રાલયના કેટલાક અધિકારીઓ તેની લપેટમાં આવી શકે છે.
લાલી, જવાહર, ગૈરોલા!
પ્રસાર ભારતીના સીઈઓ પદેથી બી.એસ. લાલીની વિદાય પછી તે જગ્યા ખાલી પડી છે. આ ખુરશી જવાહર સરકારને મળી શકે છે, જેઓ હાલમાં સંસ્કૃતિ સચિવ છે. સંગીતા ગૈરોલાને આગામી સંસ્કૃતિ સચિવ બનાવાય તેવી શક્યતા છે.
કોણે અપાવ્યા મત?
રામ જેઠમલાણી રાજસ્થાનમાંથી રાજ્યસભાની ચૂંટણી કેવી રીતે જીત્યા, આ અંગે એક રસપ્રદ કહાની સામે આવી છે. આ કહાની એવી છે કે ગુજરાત હાઈકોર્ટના એક નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશે ચાર કોંગ્રેસી ધારાસભ્યો અને કોંગ્રેસ સરકારમાં એક ભૂતપૂર્વ મંત્રી ગોલમા દેવીનો મત જેઠમલાણીને અપાવ્યો હતો.
વાઘેલા બનશે ચેરમેન
ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો મુકાબલો કરવા માટે કોંગ્રેસની નજર હરીફરીને શંકરસિંહ વાઘેલા પર જ અટકે છે. વાઘેલાને આઈટીડીસીના ચેરમેન બનાવાય તેવી શક્યતા છે, જેથી તેઓ અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટથી નીકળે ત્યારે તેમનો પણ થોડો દબદબો રહે.