સંસદમાં સુરક્ષાકર્મીનો એક સમૂહ કેટલાક ખાસ સાંસદો પર નજર રાખીને ઊભા હોય છે. ખાસ કરીને એવા સાંસદો કે જેમની પ્રધાન બનવાની સંભાવના હોય. આવા સાંસદ સંસદભવનમાં પ્રવેશતાં જ તેમની અવભગત કરવા લાગે છે. તમે તેને ચમચાગીરી માનો તો માનો પણ સુરક્ષાકર્મીની વિચારમાં તો તેઓ સાંસદોની માત્ર સેવા કરી રહ્યા હોય છે. સેવા માત્ર થોડા મેવા માટે. સાહેબ ભલે કોંગ્રેસના હોય કે ભાજપના, પ્રધાન બની જતાં જ થોડી જગ્યા તેમને પણ મળશે. એપીએ, પીએ કે એપીએસ કંઈ પણ મળી જાય પણ સુરક્ષાકર્મીઓ તો માત્ર સેવા કરવા ઇચ્છતા હોય છે. સંસદીય સુરક્ષા વ્યવસ્થાના આવા જ એક જવાનને કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી ચરણદાસ મહંતે એપીએસ બનાવી દીધા. આ એ જ જવાન છે કે જેને એનડીએ સરકારમાં ડૉ. રમણસિંઘે કેન્દ્રીયમંત્રી રહેતાં થોડું સ્થાન આપ્યું હતું.
રાહુલનો કઇ રીતે કરવો બચાવ
યુપીના ફુલપુરમાં પ્રદેશના લોકો માટે ઉપયોગમાં લેવાયેલું ‘ક્યાં સુધી ભીખ માગતા રહેશો’ જેવું વિવાદિત નિવેદન કોંગ્રેસના લોકોનો શબ્દસમૂહ બની ગયું હોવાનું લાગતું હતું. રાહુલ ગાંધીના બચાવમાં કોંગ્રેસના નેતાઓએ એ જ પ્રકારના તર્ક ઘડ્યા. પણ કોંગ્રેસીઓ ત્યારે આશ્ચર્યમાં મુકાઇ ગયા કે જ્યારે રાહુલે પોતાના શબ્દો વિષે સ્પષ્ટીકરણ કર્યું. રાહુલે કહ્યું કે તેઓ જ્યારે પણ ભિખારી સાથે વાત કરે છે ત્યારે તે કહે છે કે ઉત્તરપ્રદેશથી આવ્યો છું. હવે કોંગ્રેસી નેતાઓ શું કરશે? જોકે રાહુલ પૂરા આક્રમક અંદાજમાં છે. તેઓ ઉત્તરપ્રદેશમાં ફરીને માયા અને મુલાયમ પર એક જ અંદાજમાં પ્રહારો કરી રહ્યા છે.
રૂપિયો નબળો કસ્ટમવાળા ખુશ
રૂપિયા સામે ડોલર મજબૂત થવાથી આયાત કરનારાઓ, સામાન્ય ગ્રાહક કે પછી સરકાર ભલે પરેશાન દેખાઇ રહી છે, પરંતુ નાણા મંત્રાલયનો કસ્ટમ વિભાગ ખુશ છે. કસ્ટમ વિભાગના અધિકારીઓ એવું માને છે કે, આયાત મોંઘી થવાથી ઓછામાં ઓછું તેમને પોતાનું લક્ષ્ય હાંસલ કરવામાં વધુ તકલીફ પડશે નહીં. રૂપિયો નબળો થવાથી આયાત કરાતી વસ્તુઓ પર વધુ ડ્યૂટી ભરવી પડશે.
નો પરફ્યૂમ પ્લીઝ
રેલવે બોર્ડમાં હાલના દિવસોમાં કશું જ બરાબર ચાલી રહ્યું નથી. નુકસાન કરી રહેલી રેલવેનું દબાણ વરિષ્ઠ અધિકારીઓ પર તો છે જ, પરંતુ એક બેનામી પત્રે પણ ટોચના સુરક્ષા અધિકારીઓની ઊંઘ હરામ કરી નાખી છે. બધા જ રેલવે કર્મચારીઓને પ્રવેશ-દ્વારે પોતાની ઓળખ બતાવવાના કડક આદેશ આપવામાં આવ્યા છે. સુરક્ષા કર્મચારીઓ ભારે સતર્ક છે. બેનામી પત્રમાંની વિગતો શું છે, તે તો જાણી શકાઇ નથી, પરંતુ તેની અસરથી ઉચ્ચ અધિકારીઓ પરેશાન થઇ ગયા છે. પરિસ્થિતિ એવી છે કે, એક સત્તાવાર સર્કયુલર બધા જ વિભાગોને મોકલી દેવામાં આવ્યું છે. આ સર્કયુલરમાં કોઇપણ રેલવે કર્મચારી કોઇથી પણ ગિફ્ટ તરીકે પરફ્યૂમ ન સ્વીકારે તેની ખાસ તાકીદ કરવામાં આવી છે. સ્પ્રે કરવાથી પરફ્યૂમની બોટલમાં વિસ્ફોટ થઇ શકે છે, એ બાબતે પત્રમાં સતર્ક કરવામાં આવ્યું છે.