"તમારું જન્મસ્થળ નહીં, તમે નક્કી કરો છો સફળતા"

-એડલેવિસ સિક્યુ.ના પ્રેસિડન્ટ વિકાસ ખીમાણી છે ઉદાહરણ -અંગ્રેજી નહીં આવે આડે
ઘણી વખત અંગ્રેજીનો 'હાઉ' ગુજરાતી અને ઉત્તર ભારતીયો પર મોટા પાયા પર ભારે પડે છે. જેના કારણે, તેઓ આગળ વધી નથી શકતા અને ઉચ્ચાભ્યાસમાં માનસિક અવરોધ ઊભો થાય છે. પરંતુ, જો ગંભીરતા પૂર્વક નિર્ધાર કરવામાં આવે અને તેને વળગી રહેવામાં આવે તો સફળતા તમારા કદમ ચૂમે જ છે. એડલેવિસ સિક્યુરિટિઝના વિકાસ ખીમાણી તેનું જવલંત ઉદાહરણ છે. રીડિફને આપેલા ઈન્ટર્વ્યુમાં તેમણે વિસ્તારપૂર્વક અંગ્રેજી અંગે લઘુતાગ્રંથી અને તેમાંથી કેવી રીતે બહાર આવ્યા તેની માહિતી આપી હતી.
માંડવા ટુ મુંબઈ વાયા સુરત
વિકાસ ખિમાણીનો જન્મ રાજસ્થાનના ઝુંઝનુ જિલ્લાના નાનકડા ગામમાં થયો હતો. જ્યાં તેમના દાદાનો કપડાનો વેપાર હતો. જો કે, વિકાસ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેમનો પરિવાર ગુજરાત આવી ગયો હતો અને સુરતમાં સ્થિર થયો હતો. અહીંથી તેમની જીંદગી હંમેશા માટે બદલાઈ ગઈ હતી.
દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યા બાદ તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરીશીપના અભ્યાસ માટે મુંબઈ જવા માંગતા હતા. વિકાસ તેમના અંગ્રેજીના જ્ઞાનની મર્યાદા જાણતા હતા. મુંબઈમાં તેમની ભીતિ સાચી પણ પણ હતી. જો કે, વિકાસ હિંમત હાર્યા ન હતા. તેઓ કટિબદ્ધ હતા અને બીજાનું નિરીક્ષણ કરીને ખુદ શીખતા રહ્યાં હતા. જેની મદદથી તેમણે આજે જવલંત કારકિર્દી ઘડી છે. માત્ર 34 વર્ષની ઉંમરે એડલેવિસ સિક્યુરિટિઝના તેઓ પ્રેસિડન્ટ બન્યા છે. વિકાસ ખિમાણીએ કોર્પોરેટ વર્લ્ડમાં આવવા માંગતા નવલોહિયાઓને કેટલીક ટિપ્સ આ ઈન્ટર્વ્યુમાં આપી છે.
નાનપણથી જ ઉદ્યમી
રાજસ્થાનમાં પૈત્તૃક ગામ ખાતે નાનપણથી વિકાસ ખીમાણી ઉદ્યમી હતા. આર્થિક રીતે સદ્ધર હોવા છતાં તેઓ નાનપણમાં જથ્થાબંધ ફટાકડા લાવતા હતા અને પછી પાડોશમાં છૂટક વેચાણ કરતા હતા. આ રીતે તેઓ દિવાળી દરમિયાન થોડા રૂપિયા રળી લેતા હતા. જે પરિવારને આપવાની જરૂર ન હતી.
રતન ટાટા અને આદિત્ય બિરલા, વિકાસના હીરો
વિકાસ ખીમાણી નાનપણથી જ કોર્પેરટ જગતમાં પ્રવેશ કરવા માંગતા હતા. આદિત્ય બિરલા જૂથના સ્થાપક સ્વ. આદિત્ય બિરલા અને રતન ટાટા જ્યારે પણ ટીવી પર આવતા, ત્યારે વિકાસ તેમને સાંભળતા હતા. દરમિયાન વિકાસને જાણ થી હતી કે, ધો. 12 પછી ઘેરબેઠા ચાર્ટર્ડ એકાઉન્ટિંગનો કોર્સ થઈ શકે છે. ઘેરબેઠા તેમણે સીએનું ફાઉન્ડેશન અને ઈન્ટર કર્યા.
છોડી દીધું સુરત, પહોંચી ગયા મુંબઈ
વિકાસ ખીમાણીના કહેવા પ્રમાણે, તેમને નાનપણથી જ આદિત્ય બિરલા અને રતન ટાટા ખૂબ જ પસંદ હતા. વિકાસ પણ તેમની જેમ કાંઈક મોટું કરવા માંગતા હતા. દરમિયાન વિકાસનો સીએનો અભ્યાસ સુરતમાં ચાલી રહ્યો હતો. જો કે, વિકાસને સતત લાગતું હતું કે,તેમને સુરતમાં એ વાતાવરણ નથી મળતું, જે મળવું જોઈએ. આથી, તેઓ પિતાની મંજૂરી લઈને મુંબઈ પહોંચી ગયા.
નિરીક્ષણ દ્વારા સુધાર્યું અંગ્રેજી
મુંબઈમાં વિકાસે રાજસ્થાની વિદ્યાર્થી ગૃહમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યાં સીએના અભ્યાસુ વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવતો હતો. અહીં વિકાસે બીજાનું નિરીક્ષણ કરીને અંગ્રેજી સુધાર્યું. વિકાસ સ્વીકારે છે કે, મુંબઈમાં પ્રવેશ સમયે તેમની કોમ્યુનિકેશન સ્કિલ્સ નબળી હતી. પ્રમાણમાં શરમાળ વ્યક્તિત્વ ધરાવતા વિકાસને મુંબઈમાં ખુલતા વાર લાગી હતી અને લોકો સાથે સંવાદ કરવામાં તકલીફ પડતી હતી. જો કે, અનેક લોકોની મદદથી વિકાસ અંગ્રેજીની લઘુતાગ્રંથીમાંથી બહાર નીકળી શક્યા હતા અને બીજા સાથે છૂટથી સંવાદ કરવા લાગ્યા હતા.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.







