ઉત્તરપ્રદેશનાં મુખ્યપ્રધાન માયાવતીને અમેઠી લોકસભા મતવિસ્તારમાં નવો જિલ્લો બનાવવા માટે સુપ્રીમકોર્ટની મંજુરી મળી ગઇ છે. કોંગ્રેસના સ્ટાર નેતા અને મહામંત્રી રાહુલ ગાંધી અમેઠી સંસદીય મતવિસ્તારના સાંસદ છે. નવા જિલ્લાનું નામકરણ દલિત નેતા છત્રપતિ શાહૂજી મહારાજના નામે થવાનું છે. સુપ્રીમકોર્ટના આદેશથી માયાવતીનો રાજકીય વિજય થયો છે.
અલ્હાબાદ હાઇકોર્ટનો વચગાળાનો આદેશ રદ કરતા સુપ્રીમકોર્ટે આ આદેશ આપ્યો છે. સૂચિત નવા જિલ્લાની સીમામાં સુલ્તાનપુર અને રાયબરેલી જિલ્લાના પાંચ તાલુકા હશે. મુખ્યપ્રધાન માયાવતીએ ૨૦૦૩ની ૨૧મી મેના રોજ આ જિલ્લાની રચના કરવાનો આદેશ આપ્યો હતો.
માયાવતીના આ આદેશને તેમના કટ્ટર રાજકીય હરીફ મુલાયમસિંહ યાદવે ૨૦૦૩ની ૨૩મી નવેમ્બરે રદ કરી દીધો હતો. ડિસેમ્બર ૨૦૦૩માં અમેઠીના વકીલ ઉમાશંકર પાંડેયે જિલ્લાની રચનાને રદ કરતા આદેશને પડકાર્યો હતો.
અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા જ ૧૧મી ઓગસ્ટે સરકારના નિર્ણયને પડકારતી એક અરજી ફગાવી દેવામાં આવી હોવાને આધારે સુપ્રીમકોર્ટે માયાવતી સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો છે.
ન્યાયમૂર્તિઓ આરવી રવીન્દ્રન અને એચએલ ગોખલેની બનેલી બેંચે જણાવ્યું કે, ૧૮મી ઓગસ્ટે વચગાળાનો આદેશ આપનારી હાઇકોર્ટે તેની બેંચનો ૧૧મી ઓગસ્ટનો આદેશ ધ્યાનમાં લેવો જોઇતો હતો. જો હાઇકોર્ટે ૧૧મી ઓગસ્ટનો આદેશ ધ્યાનમાં લીધો હોત તો જુદું વલણ ન અપનાવી શકી હોત. હાઇકોર્ટની લખનઉ બેંચનો ૧૮મી ઓગસ્ટનો વચગાળાનો આદેશ ઉત્તરપ્રદેશ સરકારે સુપ્રીમકોર્ટમાં પડકાર્યો હતો.