ભાજપે આજે કેન્દ્ર સરકાર પર શાબ્દિક હુમલો કરતાં કહ્યું છે કે તાજેતરમાં પૂર્ણ થયેલા મોનસૂન સત્રમાં કેન્દ્રીય મંત્રીઓ અને શાસક પક્ષના સાંસદો વચ્ચે કોઈપણ પ્રકારનો તાલમેલ ન હતો.
રાજ્યસભામાં વિપક્ષના નેતા અરુણ જેટલીએ કહ્યું હતું કે સરકાર દિશાહીન થતી નજરે પડી રહી છે. કોઈ સામૂહિક નેતૃત્વ રહ્યું નથી. મંત્રીઓ અને શાસક પક્ષના સાંસદો વચ્ચે અંતર છે.
તેમણે ઉમેર્યું હતું કે સરકારના નેતાઓ તંત્ર પરથી પકડ ગુમાવતા દેખાય રહ્યાં છે. આ સત્રમાં કોઈ તાલમેલ દેખાતો ન હતો. એક મંત્રાલય અન્ય મંત્રાલયના કામમાં આડે આવતું હતું. મંત્રીઓએ તેમના બિલ પારિત કરાવા માટે કામ કર્યું હતું, અમને દેખાયું નહીં કે સરકાર કામ કરવા માટે સાથે મળીને સામે આવી હતી.
અરુણ જેટલીએ શિક્ષણ સુધારા બિલ સંદર્ભે કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી કપિલ સિબ્બલના મતનો પાર્ટી લાઈન છોડીને વિરોધ થવાની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ મુદ્દે વરિષ્ઠ કોંગ્રેસી નેતા કે. કેશવરાવે પણ કપિલ સિબ્બલનો વિરોધ કર્યો હતો.
તાજેતરમાં સમાપ્ત થયેલા સંસદીય સત્રમાં પાર્ટીના દેખાવ પર સંતોષ વ્યક્ત કરતાં લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે ભાજપે મહત્વપૂર્ણ બિલ પર પોતાની ચિંતાઓ વ્યક્ત કરીને તેને પારિત કરવામાં સરકારની મદદ કરીને ભાજપે રચનાત્મક વિરોધ પક્ષની ભૂમિકા નીભાવી હતી.
તેમણે કહ્યું હતું કે સરકાર માટે આ સત્ર ‘રિફર અને ડિફર સેશન’ હતું.
તેમણે કહ્યું હતું કે પ્રિવેન્શન ઓફ ટોર્ચર બિલ સહીત બે બિલ સંબંધિત સ્ટેન્ડિંગ કમિટીઓને ‘રિફર’ કરાયા, જ્યારે એજ્યુકેશનલ ટ્રિબ્યૂનલ બિલ અને શત્રુ સંપત્તિ વિધેયક બિલમાં સંમતી સાધી શકાય નહીં.
ભાજપના નેતાઓએ સત્ર દરમિયાન મુખ્ય વિપક્ષ અને કોંગ્રેસ વચ્ચે ‘ડીલ’ની વાતનો ઉપહાસ કર્યો હતો.
સુષ્મા સ્વરાજે મહત્વપૂર્ણ પરમાણુ દાયિત્વ બિલના પારિત થવા સંદર્ભે કહ્યું હતું કે તેઓને ‘ડીલ’ શબ્દના ઉપયોગ પર સખત વાંધો છે. ડીલ સમગ્ર સત્ર માટે હોય અને તે માત્ર નિશ્ચિત બિલ માટે ન હોય. આ પાયાવિહોણો આક્ષેપ છે કે તે ‘ડીલ’ હતી.