ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી માયાવતી વિપક્ષના ભારે વિરોધ છતાં રાજ્યને ચાર ભાગમાં વિભાજિત કરી દેવાના ઠરાવને વિધાનસભામાં માત્ર ૧૦ મિનિટથી પણ ઓછા સમયમાં પસાર કરાવી દેવામાં સફળ રહ્યા. માયાવતીએ સોમવારે ગૃહમાં એક જ લાઈનનો પ્રસ્તાવ મૂક્યો જેને ભારે ધાંધલ વચ્ચે મૌખિક મતદાનથી મંજુરી કરી દેવાયો હતો. ત્યારબાદ ગૃહને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવાયું હતું.
ઠરાવમાં ઉત્તર પ્રદેશને પૂવાઁચલ, પશ્ચિમ પ્રદેશ, બુંદેલખંડ અને અવધ પ્રદેશમાં વિભાજિત કરવાની જોગવાઈ છે. રાજ્યના ચાર ભાગોમાં વિભાજન અને નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩ માટે લેખાનુદાન પસાર કર્યા બાદ વિધાનસભાના અધ્યક્ષ સુખદેવ રાજભરે કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દીધી હતી. વિપક્ષોએ કહ્યું છે કે ઉત્તર પ્રદેશનાં વિભાજનનો ઠરાવ રાજ્ય પુનર્રચના પંચ પર છોડી દેવો જોઈતો હતો.
માયાવતીએ પત્રકારો સાથેની ચર્ચામાં કહ્યું કે રાજ્યનાં વિભાજનનો ઠરાવ કેન્દ્ર સરકારને મોકલી દેવાશે. આ નિર્ણય ચૂંટણીલક્ષી હોવાના વિપક્ષોના આક્ષેપને માયાએ નકારી કાઢ્યા હતા. તેમણે કહ્યું કે ૨૦૦૭માં બસપ સરકાર રચાઈ ત્યારથી તેઓ વડાપ્રધાનને તેના માટે પત્ર લખતા રહ્યા છે, પણ કોઈ જવાબ આવ્યા નથી.તેમણે કહ્યું હતું કે તેમના પક્ષને બહુમતી હોવાથી વિધાનસભા ભંગ નહીં કરે.
વિપક્ષ સ્તબ્ધ :વિધાનસભાનું વિશેષ સત્ર બે દિવસ ચાલવાનું હતું, પરંતુ ઠરાવ પસાર થયા બાદ કાર્યવાહી અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દેવાથી વિપક્ષો સ્તબ્ધ થઈ ગયા છે. દરમિયાન વિપક્ષના સભ્યોએ ગૃહની મધ્યમાં ધસી જઈને અધ્યક્ષને નિશાન બનાવ્યા હતા અને કાગળના ડૂચા આમ-તેમ ફેંક્યા હતા.
-->>હવે શું :
-ઉત્તર પ્રદેશ વિધાનસભામાં પસાર કરી દેવાયેલો ઠરાવ કેન્દ્રને મોકલી દેવાશે. કેન્દ્ર તેને માનવા માટે બંધાયેલું નથી, તેને ફગાવી પણ શકે છે.
-બંધારણના અનુચ્છેદ-૩ મુજબ કેન્દ્ર સરકાર લોકલાગણીને ધ્યાનમાં લઈને ઠરાવ તૈયાર કરીને રાષ્ટ્રપતિને મોકલે છે.
-રાષ્ટ્રપતિ આ ઠરાવને સંબંધિત રાજ્યોની વિધાનસભાને મોકલે છે, જે ચોક્કસ સમયમર્યાદામાં રાષ્ટ્રપતિને મંતવ્ય મોકલે છે. તેનું મંતવ્ય માત્ર ઔપચારિકતા જ છે.
-અભિપ્રાય ન આવે કે વિપરીત આવે તો પણ રાષ્ટ્રપતિ ઠરાવને મંજુર કરીને ફરી કેન્દ્રને મોકલે છે.
-કેન્દ્ર સરકાર ઠરાવને બિલના સ્વરૂપમાં સંસદના કોઈપણ ગૃહમાં રજુ કરી શકે છે.
-બન્ને ગૃહોમાં બિલ પસાર થયા બાદ બિલ ફરી રાષ્ટ્રપતિને મોકલાય છે. ત્યાંથી મંજુરી બાદ નવું રાજ્ય બને છે.
-->>દેશનું સૌથી ઓછા સમયનું સત્ર
-ઉત્તર પ્રદેશની ૧૫મી વિધાનસભાએ ઈતિહાસ રચ્યો છે. શિયાળુ સત્રમાં માત્ર ૧૬ મિનિટ જ કાર્યવાહી ચાલી. આઝાદ ભારતના ઈતિહાસમાં આ સૌથી ઓછા સમયનું સત્ર છે.
-૧૧ વાગે કાર્યવાહી શરૂ થઈ. અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કરવાના મુદ્દે વપિક્ષની ધમાલ વચ્ચે પાંચ મિનિટમાં જ કાર્યવાહી સ્થગિત કરી દેવાઈ
-અગાઉ ૧૯૯૮માં કોંગ્રેસના નેતા જગદંબિકા પાલ મુખ્યમંત્રી બન્યાં તે સમયે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પગલે બે દિવસ સત્ર ચાલ્યું હતું
-મતદાન અને મતની ગણતરીની કાર્યવાહી થઈ હતી
-->>વિધાનસભાની સ્થિતિ
કુલ બેઠક-૪૦૩
બસપ-૨૨૦
સપા-૮૯
ભાજપ-૪૮
કોંગ્રેસ-૨૦
રાલોદ-૧૦
અપક્ષ-૦૯
આરએસપી-૦૧
-->>હવે શું :
ઉત્તર પ્રદેશ વિધાનસભામાં પસાર થયેલો ઠરાવ કેન્દ્રને મોકલી દેવાશે. કેન્દ્ર તેને માનવા માટે બંધાયેલું નથી.
તમારો મત
તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.