- 2જી કેસમાં ચિદમ્બરમને સહઆરોપી બનાવવાની માંગ કરતી અરજી ફગાવાઇ
- ભાજપે કહ્યું ચિદમ્બરમ વિરૂદ્ધ પુરતા પુરાવા
- પક્ષપ્રવક્તા રવિશંકર પ્રસાદે કહ્યું આ ચુકાદાથી કેન્દ્રની ભ્રષ્ટાચારી તરીકેની છબિ નહીં બદલાય
- દેશ સમક્ષ આ મુદ્દો સતત ઉઠાવશે ભાજપ
- જસવંતસિંહે કહ્યું આ ચુકાદાથી નિરાશ ન થવું જોઇએ
2જી કૌભાંડમાં કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમને સહઆરોપી બનાવવાની માંગ કરતી જનતા પાર્ટીના અધ્યક્ષ સુબ્રમણ્યમ સ્વામી અરજી ટ્રાયલ કોર્ટે ફગાવી દેતા ભાજપે કહ્યું છે કે આ ચુકાદાથી કેન્દ્ર સરકારની ભ્રષ્ટાચારી તરીકેની છાપમાં કશો જ ફેર નહીં પડે.
પક્ષપ્રવક્તા રવિશંકર પ્રસાદે કહ્યું કે "આ ચુકાદો કેન્દ્ર સરકારની ભ્રષ્ટાચારી તરીકેની છબિમાં બદલાવ નહીં લાવી શકે. ચિદમ્બરમની જવાબદારી પ્રશ્ન હજુ ઊભો જ છે. અમે તેની જવાબદારીનો મુદ્દો દેશ સમક્ષ સતત ઉઠાવતા રહીશું. હજુ આ નીચલી અદાલતનો ચુકાદો છે. આ ચુકાદા બાદ હજુ ઉપલી અદાલત બાકી છે. 2જી કેસમાં ભ્રષ્ટાચારના પૂરતા પુરાવા છે."
રવિશંકર પ્રસાદે કહ્યું કે "અમે સ્પષ્ટપણે માનીએ છીએ કે ચિદમ્બરમ વિરૂદ્ધ પૂરતા પુરાવા છે. દેશના લોકો સમક્ષ ભાજપ આ મુદ્દો વારંવાર ઉઠાવતો રહેશે. આપણે એ ભૂલવું ન જોઇએ કે સુપ્રીમ કોર્ટે 2જી સ્પેક્ટ્રમના 122 લાયસન્સો રદ કર્યા છે કારણ કે તે કૌભાંડ હતું અને તેમાં ભ્રષ્ટાચાર થયેલો હતો. તમામ નિયમો નેવે મુકીને આ લાયસન્સો અપાયા હતા."
ભાજપના અન્ય નેતા જસવંતસિંહે કહ્યું કે "હું નથી માનતો કે આ ચુકાદાથી નિરાશ થવું જોઇએ કારણ કે અહીં જ આ વાત પૂરી નથી થઇ જતી."
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.