Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> National News >> Latest News >> National
 

સ્વિસ બેન્કની કાળી કમાણીનું સત્ય

 
Source: Divya bhaskar.com   |   Last Updated 2:54 PM [IST](23/01/2011)
 
 
 
 
 

- શું સ્વિત્ઝર્લેન્ડના બેન્ક કાયદા ફરીથી ઘડાશે?

- લોકો સ્વિસ બેન્કોમાં કેમ નાણાં રાખે છે?

- ખાતાઓની વિગતવાળી સીડી વિકિલિક્સના સંસ્થાપક જૂલિયન અસાંજેને આપી દીધી

ભારત અને સ્વિત્ઝર્લેન્ડ વચ્ચેના મિત્રતાભર્યા સંબંધોની શરુઆત 1948માં ટ્રીટી ઓફ ફ્રેન્‍ડશિપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ સાથે થઈ હતી. ત્યાર પછી આ સંબંધો આર્થિક, વિકાસ અને સાંસ્કૃતિક ક્ષેત્રે વધારે મજબૂત થતા ગયા. ભારતીય સિનેમા નિર્દેશક યશ ચોપરાએ પોતાની ફિલ્મોમાં સ્વિત્ઝર્લેન્ડની સુંદરતાને ભારતીય પર્દે દર્શાવીને લોકોના મનમાં સ્વિત્ઝર્લેન્ડ પ્રત્યે વધારે આકર્ષણ પેદા કર્યું. પરંતુ વિદેશી બેન્કોમાં ભારતીય કાળા નાણાંનો મુદ્દો ફરીથી ચર્ચામાં રહેતા હવે લોકો સ્વિત્ઝર્લેન્ડ નામ આવે ત્યારે ગુસ્સો કરે છે. જો કે તાજેતરમાં જ સ્વિત્ઝર્લેન્ડની સંસદે ભારત સાથેના નવા ટેક્સ સમજોતાને મંજૂરી આપીને સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો છે. જો કે કાળા નાણાંનો મુદ્દો બન્ને દેશ વચ્ચેના સંબંધો પર કેટલી અસર કરે છે તે તો ભવિષ્યમાં જ જાણવા મળી શકશે.

સ્વિત્ઝર્લેન્ડ તથા અન્ય ટેક્સ હેવન્સમાં ભારતીયોના ખાતાંઓમાં રખાયેલું કાળુ નાણું એ દરેક ભારતીય નાગરિકની આંખોમાં કણાની માફક ખૂંચી રહ્યું છે જેઓ પોતાની મહેનતની કમાણીમાંથી 33 ટકા જેટલો ભાગ ટેક્સ તરીકે આપે છે. બીજી તરફ બેઇમાન ઉદ્યોગપતિ, ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓ ગેરકાનૂની રીતે પૈસા કમાવી વિદેશી બેન્ક ખાતાઓમાં પહોંચાડે છે. અહેવાલો અનુસાર વિદેશ બેન્કોમાં જમા ભારતીય ધન 1500 બિલિયન ડોલર એટલે કે અંદાજે 68 લાખ 55 હજાર કરોડ રુપિયા જેટલું થવા જાય છે. આ રકમ ભારત પરના કુલ વિદેશી દેવાની સરખામણીમાં ત્રણ ગણી છે. એટલું જ નહીં પણ જો આ રકમને 45 કરોડ ભારતીય ગરીબોમાં વહેંચવામાં આવે તો આ ગરીબો કમસે કમ લખપતિ બની શકે તેમ છે.

વિદેશમાં રખાયેલા કાળા નાણાંનો મુદ્દો 17મી જાન્યુઆરીના રોજ વધારે વિવાદ વધ્યો કે જ્યારે સ્વિસ બેન્કર રુડોલ્ફ એલ્મરે સ્વિસ કાયદાઓનો ભંગ કરી દેશ સાથે ગદ્દારી કરી અને સ્વિત્ઝર્લેન્ડની બેન્કોમાં ખોલવામાં આવેલા 2000 જેટલા ખાતાઓની વિગતવાળી સીડી વિકિલિક્સના સંસ્થાપક જૂલિયન અસાંજેને આપી દીધી. આ સીડીમાં સ્વિત્ઝર્લેન્ડની બેન્કોના ખાતાઓમાં નાણાં રાખનારા અમેરિકા, બ્રિટન અને એશિયાના નેતાઓ તથા ઉદ્યોગપતિઓના નામ છે.

આ સીડી જૂલિયન પાસે પહોંચ્યા પછી જ ભારતીય રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. આ મુદ્દે માત્ર રાજનીતિ નથી થઈ રહી પણ સામાન્ય માનવી પણ આ મુદ્દે ટિપ્પણીઓ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા લાલકૃષ્ણ અડવાણીએ તો સ્વિસ બેન્કોથી કાળુ નાણું પાછું લાવવા માટે કડક કાયદો બનાવવા માટેની માંગણી પણ કરી નાખી છે. અડવાણીએ ગ્લોબલ ફાયનાન્સિયલ ટ્રાન્સપરન્સીની હોબાળો મચાવી દેનારી રીપોર્ટનો હવાલો આપીને કહ્યું કે, 22.85 લાખ કરોડ રુપિયા વિદેશી બેન્કોમાં જમા પડ્યા છે. આ મુદ્દે પ્રધાનમંત્રીને પણ પત્ર લખવામાં આવ્યો હતો પણ તેમની ઓફિસ તરફથી કોઇ ઉત્તર નથી મળ્યો.

જો કે પ્રધાનમંત્રી તરફથી પ્રતિક્રિયા નથી મળી તેવા કોઇ જવાબને સાંભળવા નથી ઇચ્છતી. જે માહિતી ભારત સરકારને આ પ્રકારે મળી છે તેને જાહેર કરવામાં નહીં આવે કારણ કે જો આમ કરવામાં આવે તો તે સ્વિત્ઝર્લેન્ડ સાથે થયેલી સંધિનું ઉલ્લંઘન ગણાશે. આ પ્રકારે કાળુ નાણું પાછુ આવે તેવા કોઇ સંકેત દેખાતા નથી.

જ્યારે આ મુદ્દે સુપ્રીમ કોર્ટની બેન્ચે કડક આલોચના કરતાં જણાવ્યું કે વિદેશી બેન્કોમાં જમા કાળુ નાણું એ રાષ્ટ્રીય સંપત્તિની ખુલ્લેઆમ કરવામાં આવેલી ચોરી છે. આ ગંભીર અપરાધ છે અને આ બાબતે અમે કોઇ સંધિની ગંભીરતાને જોઇ શકીએ તેમ નથી. આ દેશના ધનની જાહેર લૂંટ છે.

આ મામલે જનતા પાર્ટીના પ્રમુખ સુબ્રમણ્યમ સ્વામીએ પ્રધાનમંત્રીને પત્ર લખીને સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારના વલણ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યું કે જ્યાં સુધી મારી પાસે માહિતીમાં છે તે પ્રમાણે ભારત અને સ્વિત્ઝર્લેન્ડ વચ્ચે આવા પ્રકારની કોઇ પણ દ્વિસ્તરીય સંધિ નથી અને એવું લાગે છે કે તમારી સરકારના અધિકારીઓએ સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોરી છે. સ્વીમીએ એ પણ લખ્યું કે, જો સરકાર કાળા નાણાં મુદ્દે ઝડપથી કોઇ ઝડપી કાર્યવાહી નહીં કરશે તો ભારતીય ખાતેદારોની આ રકમ કોઇ અન્ય સ્થળે પણ પહોંચી શકે તેમ છે.

લાગે છે કે સુપ્રીમ કોર્ટની ટકોર પછી સરકાર આ મુદ્દે હડબડાટમાં આવી ગઈ છે અને તેના પ્રતિનિધિઓ એક પછી એક ભૂલ કરી રહ્યા છે. નાણા મંત્રીના સ્થાને રક્ષામંત્રી એ કે એન્ટોનીએ બિનજવાબદાર નિવેદન કરતાં જણાવ્યું કે અમારી સરકાર કાળુ નાણું પાછું લાવવા માટે પ્રતિબદ્ધ છે પણ તે માટે એક નક્કી માર્ગ છે. આ બાબતે કોઇપણ પ્રકારના ઘાલમેલને સહન કરવામાં નહીં આવે.

કાળા નાણાંની સુરંગમાં આશાનું કિરણ - શું ભારત આ અમર્યાદ દૌલતને પાછી મેળવી શકશે?

આ બાબતમાં સૌથી મોટો પડકાર એ છે કે શું ભારત અને સ્વિત્ઝર્લેન્ડ કોઇ એવો માર્ગ નક્કી કરશે કે જેનાથી ભારતને પણ ખાતેધારકો અંગેની જરુરી માહિતી મળી શકે અને સ્વિત્ઝર્લેન્ડના ગુપ્ત બેન્ક ખાતાં સંબંધી કડક કાયદાઓનું પણ ઉલ્લઘંન નહીં થાય. કાળા નાણાને ભારત પરત લાવવા માટે ભારત સરકાર સ્વિત્ઝર્લેન્ડ, ઓસ્ટ્રીયા, લક્સમબર્ગ જેવા ટેક્સ હેવન્સ દેશો સાથે ચર્ચા કરી રહી છે. ભારત આ દેશોના ડબલ ટેક્સેસન એવોઇડન્સ એગ્રીમેન્ટની ગોપનીય શરતોમાં ફેરફાર કરવા ઇચ્છે છે જેથી કાળુ નાણું પાછી લાવી શકાય.

એક વખત આ શરતોમાં ફેરફાર થઈ જાય તો આ અંગેની તપાસને પગલે ભારતીય અધિકારીઓને એ માહિતી મળી રહેશે જે અત્યાર સુધી માત્ર ટેક્સ સંબંધી અધિકારીઓને જ મળતી હતી.

ઇન્ટરનેટ પર પણ આ મુદ્દે ગંભીર દલીલો થઈ રહી છે અને કેટલાક બ્લોગર્સે તો સલાહ આપી છે કે કાળુ નાણું રાખનારાઓ આ નાણાંને વ્હાઇટ કરવા માટે તેની વિગતો જાહેર કરી શકે છે અને તે માટેનું નક્કી કરેલ 33 ટકા ટેક્સ આપી શકે તેમ છે.

લોકો સ્વિસ બેન્કોમાં કેમ નાણાં રાખે છે?

આ સવાલનો જવાબ એકદમ સરળ છે. સ્વિત્ઝર્લેન્ડની બેન્કોમાં ખાતા સંબંધી કાયદા અત્યંત કડક છે અને લોકોને સંપૂર્ણ ગોપનિયતા આપવામાં આવે છે. આ કાયદા હેઠળ બેન્ક અને બેન્કકર્મી કોઇપણ ખાતાની માહિતી ખાતાધારક સિવાય અન્ય કોઇને પણ આપી સકતા નથી. સ્વિત્ઝર્લેન્ડની સરકાર પણ આ પ્રકારના ખાતાઓની માહિતી મેળવી શકતી નથી. જો કોઇ આ ખાતાઓની માહિતી જાહેર કરે છે અથવા ખાતેદાર સિવાય અન્ય કોઇને તે પૂરી પાડે છે તો તેની સામે કેસ ચલાવવામાં આવે છે. સ્વિસ બેન્કોમાં ખાતાઓની ગોપનિયતા સ્વિત્ઝર્લેન્ડના લોકો માટે એક સન્માનની બાબત ગણાય છે. 1984માં જ્યારે આ કાયદાને હટાવવા માટે મતદાન કરાવવામાં આવ્યું ત્યારે 73 ટકા લોકોએ આ કાયદાને યથાવત રાખવા તરફી મતદાન કર્યું હતું.

સ્વિસ બેન્કોમાં ખાતું ખોલાવવું પણ એકદમ સરળ છે. ખાતું ખોલાવવા માટે એકમાત્ર જરુરિયાત એ છે કે તમારી ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઇએ. ખાતા અમેરિકન ડોલરથી લઇને ભારતીય રુપિયા સુધીની કોઇપણ કરન્સીમાં ખોલાવી શકાય તેમ છે. આટલું જ નહીં પણ ખાતા ખોલાવવા માટે છેક સ્વિત્ઝર્લેન્ડ સુધી જવાની પણ જરુર નથી. ઇ-મેઇલ અને ફેક્સથી માહિતી આપીને પણ ખાતુ ખોલાવી શકાય તેમ છે.

શું સ્વિત્ઝર્લેન્ડના બેન્ક કાયદા ફરીથી ઘડાશે?

સપ્ટેમ્બર 1996માં સ્વિત્ઝર્લેન્ડે ભારે વૈશ્વિક દબાણને વશ થઈને બીજા વિશ્વયુદ્ધમાં મૃત્યુ પામેલા યહુદીઓના ખાતાઓને લગતી માહિતી આપવા માટે પોતાના કાયદા સાથે સમાધાન કર્યું હતું. આ અંગે કરવામાં આવેલા સંશોધન અનુસાર 1933 - 45 વચ્ચે સ્વિસ બેન્કોમાં લગભગ 68 કરોડ બેન્ક ખાતા ખુલ્યા હતા અથવા ખોલવામાં આવ્યા હતા.

સ્વિસ બેન્કોની ગોપનિયતા માટે આ સૌપ્રથમ આંચકો હતો. હવે બીજો આંચકો પણ તરતમાં લાગવાનો છે. વિકિલીક્સના જૂલિયન અસાંજે કોઇપણ સમયે સ્વિસ બેન્કોમાં ખાતું રાખનારા 200 લોકોના નામ જાહેર કરી શકે તેમ છે. હવે આવી સ્થિતિમાં સ્વિત્ઝર્લેન્ડ પાસે પોતાની બેન્કોની શાખ બચાવવા માટેનો એકમાત્ર રસ્તો એ છે કે તે બીજા દેશોમાંથી પૈસા ચોરીને સ્વિસ બેન્કોમાં જમા કરનારાઓની માહિતી આપવા અંગેની સંધિ પર હસ્તાક્ષર કરી લે. સ્વિસ બેન્કર પણ આ રીતે પોતાને બચાવી શકે તેમ છે.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Asian Siren in Show
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.