-ટ્રાયલ કોર્ટના જજ સૈનીએ એક જ શબ્દમાં ચુકાદો આપતા કહ્યું ‘ડિસમિસ્ડ’
-ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવાનો સ્વામીનો નિર્ણય
-65 પેજના ચુકાદામાં કોર્ટે સ્વામીની અરજી ફગાવી
-ચુકાદાને પગલે ચિદમ્બરમ અને યુપીએ સરકારને મોટી રાહત
-કોંગ્રેસની પ્રતિક્રિયાઃ વિપક્ષે હવે દેશની માફી માગવી જોઈએ
-ભાજપે ચુકાદાને આશ્ચર્યજનક ગણાવ્યો
દિલ્હીઃ સ્પેશ્યલ સીબીઆઈ કોર્ટના જજ ઓમપ્રકાશ સૈનીએ ચર્ચાસ્પદ ટુ-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં વર્તમાન ગૃહ પ્રધાન પી.ચિદમ્બરમને પણ સહ આરોપી બનાવવાની માગણી કરતી અરજી ફગાવી દીધી છે. ટ્રાયલ કોર્ટના ચુકાદા બાદ હવે ચિદમ્બરમ સ્પેક્ટ્રમ કૌભાંડમાં સહ આરોપી નહીં બને. તેમના વિરૂધ્ધ અરજી કરનાર સુબ્રમણ્યમ સ્વામીએ ટ્રાયલ કોર્ટનો ચુકાદો હાઈકોર્ટમાં પડકારવાનો નિર્ણય કર્યો છે. કોર્ટના ચુકાદાને પગલે ચિદમ્બરમ અને યુપીએ સરકારને મોટી રાહત મળી છે. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વિટરમાં કહ્યું છે, 'ચુકાદો ઘણો ખરાબ આપવામાં આવ્યો છે અને જો હું તેને પડકારીશ નહીં તો રાજા સજા પામ્યા વગર છૂટી જશે.'
કોર્ટના ચુકાદા બાદ કોણ શું આપી પ્રતિક્રિયા?
ચિદમ્બરમ સામે ખોટા આરોપો કરવામાં આવ્યા હતા: પ્રણવ મુખરજી, કોંગ્રેસ
ટ્રાયલ કોર્ટનો ચુકાદો આશ્ચર્યજનકઃ બલબીર પુંજ, ભાજપ
ચિદમ્બરમ મંત્રીમંડળના સન્માનનીય સભ્ય, ચુકાદો આવકારદાયકઃ સલમાન ખુરશીદ
કોર્ટના ચુકાદા બાદ હવે વિપક્ષે દેશની માફી માગવી જોઈએ, ચિદમ્બરમ સામે કોઈ પુરાવા ન હતાઃ કપિલ સિબ્બલ
ચુકાદા નિરાશાજનક નથી, કારણ કે આ કહાનીનો અંત નથીઃ જસવંતસિંહ, ભાજપ
અમે ચિદમ્બરમની જવાબદેયીનો મુદ્દો સતત દેશ સમક્ષ ઉપાડતા રહીશુઃ રવિશંકર પ્રસાદ, ભાજપ પ્રવકત્તા
કોણ છે જજ ઓ.પી.સૈની
ચિદમ્બરમના ભાવિનો ફેંસલો કરનાર સ્પેશ્યલ સીબીઆઈ જજ ઓમ પ્રકાશ સૈનીએ 1981માં દિલ્હી પોલીસમાં સબ-ઈન્સપેક્ટર તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. દિલ્હી પોલીસમાં છ વર્ષની સેવા બાદ તેઓ જજ બનવા માટેની પરીક્ષામાં પાસ થનાર એકમાત્ર પોલીસ અધિકારી હતા. બાદમાં દિલ્હીના લાલ કિલ્લામાં શૂટ આઉટ પ્રકરણમાં મુખ્ય આરોપીને મોતની સજા ફરમાવ્યા બાદ તેઓ જજ તરીકે જાણીતા બન્યા હતા. એ ખાસ નોંધવું જોઈએ કે આ કેસ અત્યંત જટીલ હોવાથી અગાઉ બે જજોએ તેને હાથ પર લેવાનો ઈનકાર કર્યો હતો.
સ્પેક્ટ્રમ કૌભાંડની ટ્રાયલ માટે સ્પેશ્યલ કોર્ટની રચના થયા બાદ સુપ્રીમ કોર્ટે જજ તરીકે સૈનીની પસંદગી કરી હતી. હરિયાણાના મિડલ ક્લાસ પરિવારના સૈની પ્રમાણિક અને વગદાર વ્યક્તિઓ સામે નહીં ઝૂકવા માટે જાણીતા છે. તાજો દાખલો કરુણાનીધિની પુત્રી કનીમોઝીનો છે, જેમને પાંચ મહિના સુધી જામીન નકારવામાં આવ્યા હતા. એટલું જ નહીં કોમનવેલ્થ કૌભાંડમાંસુરેશ કલમાડી, લલિત ભાનોત, વી.કે.શર્મા જેવા વગદાર આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં પણ તેમની મહત્વની ભૂમિકા રહી હતી.
તમારો મત
અહીં આપેલા ફીડબેક બોક્સમાં વ્યક્ત કરો તમારો અભિપ્રાય, વાંધાજનક કમેન્ટ્સ દૂર કરવામાં આવશે.