અમદાવાદમાં 55 વર્ષના ભાનુમતીબહેનનો સ્વયંવર બદલાય રહેલા ભારતીય સમાજની તસવીરની તાસિર છે. ભારતીય સમાજમાં લગ્ન સંબંધોને સૌથી વધારે મહત્વ મળ્યું છે. લગ્નને સાત જન્મનું બંધન ગણવામાં આવે છે. પરંતુ ભાનુમતીબહેનનો સ્વયંવર એ સમાજનું પ્રતિબિંબ છે કે જેમાં માતાપિતાનું સ્થાન ભૂંસાતું જાય છે. દિકરા દ્વારા તરછોડાયેલા ભાનુમતીબહેનને 55 વર્ષની જૈફવયે ફરી ઘર માંડવાનો વિચાર કરવો પડે, તે સમાજ માટે લાલબત્તી સમાન બાબત છે. કારણ કે જન્મ આપનારી માતાને ઢળતી ઉંમરે જાળવવા માટે સંતાન તૈયાર ન થાય અને માતાને વૃદ્ધાશ્રમમાં જવું પડે.
વૃદ્ધાશ્રમમાં માતાને રહેવા માટે નાણાંની કમી વર્તાય ત્યારે વિનામૂલ્યે અમૂલ્ય સેવા સંસ્થાની વાટ પકડવી પડે અને ઢળતી ઉંમરે ઘર માંડવાનો વિચાર કરવો પડે. જો કે વૃદ્ધ ઉંમરે હૂંફ માટે ફરીથી લગ્ન કરવા કોઈ રીતે ખોટા નથી. આવા ઘણાં કિસ્સા સમાજમાં બની રહ્યાં છે અને તેનું પ્રમાણ સમાજમાં વધી રહ્યું છે.
પરંતુ ભાનુમતીબહેનના કિસ્સામાં સંતાન દ્વારા તરછોડાયા બાદ વૃદ્ધ માતાને આ નિર્ણય કરવો પડે, તે સમાજની બદલાય રહેલી તાસિરને પ્રતિબિંબિત કરે છે. સમાજમાં માતા-પિતાનું સ્થાન હવે ક્યાં છે? વૃદ્ધાશ્રમ આપણાં સમાજને ક્યારેય અનુકૂળ આવવાના નથી. માતાપિતા વૃદ્ધ થાય એટલે તેમને તરછોડીને વૃદ્ધાશ્રમમાં મૂકવાની માનસિકતા પાછળ ઘણાં પરિબળો કામ કરી રહ્યાં છે. બદલાયેલા જીવનમૂલ્યો, ભૂલાયેલી ભારતીયતા અને પરિવર્તિત થયેલી જીવનશૈલીની આવા કેટલાંક પરિબળોમાં ગણતરી કરી શકાય તેમ છે. જો કે તેની સામે પતિ-પત્ની અને મારા બાળકો સુધી સમિતિ વિચારસરણી પણ પરિવારો અને તેની ભાવના તોડી રહી છે.
દ્રૌપદીને સ્વયંવરમાં જીત્યા બાદ અર્જૂન અને પાંડવો ઘરમાં રહેલા કુંતીમાતાને કહે છે કે અમે તારા માટે કંઈક લાવ્યા છીએ. ત્યારે કુંતીમાતાએ પાંડવોને વસ્તુ વહેંચી લેવાનું કહ્યું હતું. તેના કારણે દ્રૌપદીને પાંચ પાંડવોની પત્ની બનીને રહેવું પડયું હતું. માતાના આવા માનપાન હતા. અને આજે એક માતા ભાનુમતીને ઢળતી ઉંમરે લગ્ન કરવા પડે છે. કારણ માત્ર એટલું છે કે તેમને તેમના સંતાને તરછોડયા છે. તેમને આશરો જોઈએ છે, ઢળતી ઉંમરે વૃદ્ધાશ્રમના ઉંમરા ઘસવા નથી, પણ પરિવારની હૂંફ જોઈએ છે. તેમને લાગે છે કે આ હૂંફ તેમને પારિવારીક ભાવનાથી મળી શકે છે. પુત્ર તો સાથે રાખવા માટે તૈયાર નથી અને તેના કારણે તેમને લગ્ન કરવાના રસ્તા પર જવું પડયું છે.
ઢળતી ઉંમરના લોકો ક્યારેય નકામા નથી હોતા. તેમને નકામા માનનારા નકામા હોય છે. પરંતુ સમાજની એક સંરચના હતી કે વિધુર પતિ કે પત્નીને સમાજ સાચવી લેતો હતો, પરિવાર સાચવી લેતો હતો. પરંતુ અત્યારે પરિવારની ભાવનાનો લોપ થયો છે. જીવનમૂલ્યોમાં અસામન જમીનનો તફાવત આવ્યો છે. ત્યારે ઢળતી ઉંમરે લગ્ન કરનારાઓની સંખ્યા કંઈ ઓછી નથી. ભાનુમતીબહેનના સ્વયંવરમાં પણ 50થી 70 વર્ષની વયના 50 જેટલા મુરતિયાં આવ્યા હતા. તે દર્શાવે છે કે ઢળતી ઉંમરે પરિવારની હૂંફ ગોતનારાઓની સંખ્યા કંઈ નાનીસૂની નથી.
સામાજીક કાર્ય કરી રહેલી સંસ્થાઓએ જાગવાનો સમય આવી ગયો છે કે જે પરિવારો ભારતીય સંસ્કૃતિ અને સમાજનો આધાર ગણાય છે. તેમાંથી પરિવારની ભાવના તૂટી રહી છે, તેને કારણે પરિવારો ખોટા કારણોથી તૂટી રહ્યાં છે. ત્યારે સમાજમાં પારિવારીક ભાવનાઓ ટકી રહે તેના માટે કોઈ આંદોલન અને જાગૃતિ લાવવી જરૂરી બની છે.
શ્રવણ જેવા સંતાનો હોવા સૌથી આદર્શ સ્થિતિ છે. પરંતુ માતાપિતાનું સમ્માન કરે, તેમની લાગણીઓને સમજે તેવા સંતાનો બને, તેના માટે સમાજના ધર્માચાર્યો અને સમાજની, સંસ્કૃતિની વાત કરનારા લોકોએ કામ કરવું પડશે. પરિવારો જ નહીં રહે, તો આ સમાજ ભારતીય કેવી રીતે રહેવાનો છે. આચાર્ય જે.બી.કૃપલાનીએ પણ કહ્યું હતું કે ભારતનના સ્વતંત્ર સંગ્રામમાં લોકો કુરબાની આપી શક્યા છે, તેનું રહસ્ય કુરબાની આપનારા લોકોના પરિવારો છે. આ સંગ્રામમાં બલિદાન આપનારા લોકોના પરિવારોની કુરબાની સૌથી મોટી છે.
ત્યારે માતાપિતાને વૃદ્ધાશ્રમમાં જવું પડે અને વૃદ્ધાશ્રમના સ્થાને પરિવારની હૂંફ મેળવવા માત્રથી બીજા લગ્ન ઢળતી ઉંમરે કરવા પડે તે ખોટું ન હોવા છતાં તેવા સંતાન માટે કલંકરૂપ ઘટના છે. આ સમાજની બદલાય રહેલી તાસિરની તસવીર છે.
ટેલિવિઝન પર રાખીનો સ્વયંવર અને રાહુલ મહાજનનો સ્વયંવર લોકોએ જોયો છે. પણ જો પુત્ર દ્વારા તરછોડાયેલી માતા ભાનુમતીનો સ્વયંવર દિલથી કોઈ જોવે તો તેની આંખો અવશ્ય ભીની થઈ જાય. તેને બેસહારા માતાના દર્દની કલ્પના થાય તો તેનું હ્રદય અવશ્ય દર્દથી તડપી ઉઠે. અહીં વાંક કોનો છે, પુત્રનો કે બદલાય રહેલા સમાજના મૂલ્યોનો? તેનો જવાબ પણ સામાજીક ક્ષેત્રે કામ કરી રહેલા લોકોએ શોધવો પડશે. લગ્ન કોઈપણ ઉંમરે કરવા ખોટું કામ હોતું નથી.
પરંતુ તે મજબૂરીમાં આવીને કરવા પડે અને તે મજબૂરી ઢળતી ઉંમરે હોય, તે ખરેખર એક વિચારણીય બાબત છે. સમાજની બદલાયેલી આ તાસિરની તસવીરોમાં ભાનુમતીબહેન ભલે ખુશ લાગતા હોય. પણ તેમા તેમની મજબૂરીઓ પણ છલકાય રહી છે. સમાજના પુરોધારો તેના પર ધ્યાન આપીને હવે કોઈ જાગૃતિ આંદોલન કે કાર્યક્રમ કરે કે જેથી માતાપિતા પ્રત્યેની ભાવના, કુટુંબ ભાવના અને સારા પ્રાચીન જીવનમૂલ્યો ટકી રહે.