- વિયેનામાં નેતાજી સુભાષચંદ્ર ઓસ્ટ્રિયન મહિલાના સંપર્કમાં આવ્યા હતા
- સુભાષચંદ્ર ભારતની આઝાદીના સંઘર્ષ અંગેનું પુસ્તક લખી રહ્યા હતા
- મહિલાએ નેતાજીની જિંદગી બદલી નાંખી
- 1934માં વધુ ગાઢ બન્યા સંબંધો
- 1937માં બોઝે ઓસ્ટ્રિયન મહિલા સાથે ગુપ્ત લગ્ન કરી લીધા
23 જાન્યુઆરી, 1897 નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મદિવસ હોવાનું મનાય છે. ભારતને આઝાદી અપાવવા માટે નેતાજીએ ઘણું કામ કર્યું હોવાનું તો જગજાહેર છે પરંતુ તેની અંગત જિંદગી, તેની પત્ની આજે પણ એવી બાબત છે કે જેના પર બહુ પ્રકાશ પડ્યો નથી.
નેતાજી સુભાષચંદ્ર બોઝ વિયેનામાં હતા ત્યારે તેને ઓસ્ટ્રિયન મહિલા એમિલી શેંકલ સાથે પ્રેમ થઇ ગયો હતો પરંતુ તેના સ્વજન અને ઇતિહાસકાર સુજાતા બોઝના પુસ્તકમાં એક નવો જ ખુલાસો થયો છે. પુસ્તકમાં જણાવાયું છે કે શા માટે નેતાજીએ તે મહિલાની સાથે લગ્ન કર્યા.
1934ના જૂન માસના બીજા અઠવાડિયામાં નેતાજી વિયેનામાં સ્થિર થઇ ગયા હતા ત્યાં તેણે એક કંપની સાથે વર્ષ 1920થી ચાલ્યા આવતા ભારતીય સંઘર્ષ વિશે પુસ્તક લખવા માટેનો કરાર કર્યો હતો. પુસ્તક લખવા માટેના કામ દરમિયાન તેમને એક મહિલાનો ભેટો થયો. જેણે નેતાજીની આખી જિંદગી બદલી નાંખી.
24 જૂન, 1934ના રોજ એક પ્રભાવશાળી મહિલા એમિલી શેંકલ ક્લાર્કની નોકરી માટેનું ઇન્ટરવ્યુ આપવા આવી હતી. તેને સારૂ ઇંગ્લિશ જાણતી હતી, તેને શોર્ટહેન્ડ પણ આવડતું હતું. તે ઇન્ટરવ્યુમાં પાસ થઇ ગઇ અને નેતાજીને પુસ્તક લખવામાં મદદ કરવા લાગી. મહિલાના માતા-પિતા અને બહેને પણ નેતાજી સાથે સારા સંબંધો વિકસાવ્યા.
આ દરમિયાન નેતાજી અને એમિલી વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા. નેતાજી તેને બાઘિની (વાઘણ) તરીકે સંબોધવા લાગ્યા. 1934ના મધ્યથી માર્ચ 1936 દરમિયાન બન્ને જ્યારે ઓસ્ટ્રિયા અને ચેકોસ્લોવેકીયામાં હતા ત્યારે તેમની વચ્ચે સંબંધો વધુ ગાઢ બન્યા.
- નેતાજીનું ભારત પુનરાગમન અને એમિલીને લખેલો પત્ર
માર્ચ 1936માં બોઝે ભારત પરત ફરવાની તૈયારી કરી ત્યારે બ્રિટીશ સરકારે તેને કડક ચેતવણી આપી. આ ચેતવણીની અવગણના કરીને નેતાજી દેશમાં પરત આવ્યા. જ્યારે તે ભારત આવવા તૈયાર થયા હતા ત્યારે જ તેણે એમિલીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે "મારૂં ભવિષ્ય શું છે તે મને ખબર નથી. કદાચ મને ગોળી મારી દેવાય અથવા તો ફાંસીએ લટકાવી દેવાય પરંતુ ગમે તે હાલતમાં હું હંમેશા તારા માટે વિચારતો રહીશ, મારી પ્રત્યેના તારા પ્રેમ અંગે વિચારતો રહીશ. કદાચ હું ભવિષ્યમાં તને ફરીવાર જોઇ પણ ન શકું પરંતુ મારા પર વિશ્વાસ રાખજે કે તું હંમેશા મારા દિલમાં, હંમેશા મારા વિચારોમાં અને હંમેશા મારા સપનાઓમાં રહીશ. મોત કદાચ આ જિંદગીમાં આપણને અલગ કરી નાંખશે તો આવતા જન્મે આપણે ફરી મળીશું."
- સુભાષચંદ્ર બોઝના ગુપ્ત લગ્ન
આ પત્ર લખ્યા બાદ 26 ડિસેમ્બર, 1937ના સુભાષચંદ્ર બોઝ અને એમિલીએ અત્યંત ગુપ્ત રીતે લગ્ન કરી લીધા. નેતાજીએ લગ્નની વાત ગુપ્ત રાખવાનું જ પસંદ કર્યું.
ઓગસ્ટ, 1945માં એમિલી જ્યારે પોતાના રસોડામાં કામ કરી રહી ત્યારે અચાનક જ રેડિયો પર જાહેરાત કરાઇ કે વિમાન અકસ્માતમાં નેતાજી સુભાષચંદ્ર બોઝનું અવસાન થયું છે. આ જાહેરાત થતાં જ એમિલાના ઘરમાં સન્નાટો છવાઇ ગયો. એમિલી ધીમેથી ઉભી થઇને પોતાના બેડરૂમમાં ગઇ કે જ્યાં તેની પુત્રી અનિતા સુતી હતી. આ સાથે જ ભારતના ઈતિહાસમાં પણ એમિલીનું નામ પણ હંમેશા માટે દફન થઈ ગયું.
(સુભાષચંદ્ર બોઝ એન્ડ ઇન્ડિયાસ સ્ટ્રગલ અગેન્સ્ટ એમ્પાયર પુસ્તકમાંથી મળેલી માહિતીના આધારે)
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.