આજે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ.
કોંગ્રેસના પ્રમુખપદે સોનિયા ગાંધીના ચોથી વાર બિનહરીફ ચૂંટાઇ આવવાની ધારણા છે. જો કે, આવતીકાલે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ છે. કોંગ્રેસના ટોચના પદે ૬૩ વર્ષીય સોનિયા ગાંધીની સવૉનુમતે પુન: ચૂંટાઇ આવવાની બાબત માત્ર એક ઔપચારિકતા હોવાનું લાગે છે.
સોનિયા ગાંધી વતી ઘણાં ઉમેદવારી પત્રો ભરવામાં આવે તેવી ધારણા છે. જો કે, એઆઇસીસી દ્વારા સત્તાવાર રીતે કોઇ વિગતો જાહેર કરવામાં આવી નથી. પક્ષના સૂત્રોએ જણાવ્યું કે, સોનિયા ગાંધી વતી ઉમેદવારી પત્રોના ૫૦ સેટ ભરવામાં આવે તેવી સંભાવના છે.
વડાપ્રધાન ડૉ. મનમોહનસિંઘ, લોકસભામાં પક્ષના નેતા પ્રણવ મુખરજી અને રાહુલ ગાંધી તેમ જ ઘણા કેન્દ્રીય પ્રધાનો અને કોંગ્રેસના મુખ્યપ્રધાનો સહિત પક્ષના ટોચના નેતાઓ દસ્તાવેજો ભરે તેવી સંભાવના છે. જાહેરનામું બહાર પડવાની સાથે ગયા સપ્તાહે ચૂંટણી પ્રક્રિયાનો આરંભ થયો હતો. સોનિયા ગાંધી યુપીએના અધ્યક્ષ પણ છે. ગઠબંધનના રૂટ દ્વારા તેમણે કોંગ્રેસને સત્તા અપાવી હતી. કોંગ્રેસના નેતૃત્વવાળા જોડાણને તેમણે ૨૦૦૪માં વિજય અપાવ્યો હતો.
કેન્દ્ર ખાતે ગઠબંધન સરકારની રચના કરવાનો ૨૦૦૪માં કોંગ્રેસે પ્રથમ અનુભવ કર્યો હતો. ૨૦૦૯ની લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસે બીજીવાર કેન્દ્રમાં ગઠબંધન સરકારની રચના કરી હતી.