યુપીએ સરકાર માટે આ સમય મહત્વપૂર્ણ માનવામાં આવતા ન્યુક્લિયર લાયેબિલિટી બિલની જોગવાઈઓની તપાસની જવાબદારી રાજ્યસભાની વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રાલયની સ્થાયી સમિતિને સોંપવામાં આવી છે.
આ સમિતિના અધ્યક્ષ આંધ્રપ્રદેશના સાંસદ સુબ્બારામી રેડ્ડી છે. રેડ્ડી આજકાલ સરકારથી બહાર છે પરંતુ તેમનો વ્યવહાર હજુ પણ એવો જ છે જાણે કે તેઓ સરકારમાં કોઈ મંત્રી હોય. તેમના આ વ્યવહારના કારણે સમિતિની કાર્યવાહીને નિધૉરિત સમય કરતા બે વખત લંબાવવી પડી હતી.
સમિતિના વિપક્ષી સભ્યો સાથે તેઓ સરકારના મંત્રી જેવો જ વ્યવહાર કરતા હતા જેથી વિપક્ષોના સભ્યો ભડકી ઊઠતા હતા. સરકાર ઈચ્છતી હતી કે બિલને ચોમાસું સત્રમાં પસાર કરી દેવામાં આવે અને તે માટેનો સમય રેડ્ડીના કારણે વ્યર્થ થઈ રહ્યો હતો.
સમય હાથમાંથી સરકી જતો જોઈને સરકારના તારણહાર પ્રણવે મોરચો સંભાળવો પડ્યો. તેમણે બે-બે વખત ઘરે જ વિપક્ષોના સભ્યોને ચા પીવા બોલાવ્યા અને લોકસભાની ઓફિસમાં વિપક્ષી દિગ્ગજો સાથે ગુફતેગો કરી ત્યારે વાત બની શકી.
થરૂરની સક્રિયતા
મંત્રાલયની જવાબદારીઓથી છૂટયા બાદ દુલ્હારાજા આજકાલ પાર્ટીઓમાં ખૂબ વ્યસ્ત છે. દુલ્હારાજા એટલે કે ભૂતપૂર્વ વિદેશ રાજ્યમંત્રી શશી થરૂર. પોતાની મહિલા મિત્ર પુષ્કર સુનંદા સાથે લગ્નની તૈયારીઓ વચ્ચે થરૂરે નક્કી કરી લીધુ છે કે તેઓ રાજધાનીમાં કોઈપણ હાઈપ્રોફાઈલ પાર્ટીની મજા ચૂકવા માંગતા નથી.
એ પાર્ટી પછી સોશિયાલિસ્ટ સુહેલ શેઠની રંગીન પાર્ટી હોય કે શાહનવાઝ હુસેનના ઘરે રોજા ઈફ્તારની પાર્ટી હોય, થરૂર સાહેબ બંનેની મજા લૂંટવા જરૂર પહોંચી જાય છે. તેમને એ જાણીને કદાચ વધારે મજા આવશે કે કોઈ પાર્ટીમાં દાખલ થતા જ તેમના લગ્ન અંગે ગણગણાટ શરૂ થઈ જાય છે.
સાદું જીવન જીવવા ટેવાયેલા એક નેતાજીથી ન રહેવાયું તો બોલી ઊઠ્યા કે ભાઈ શું વાત છે. આમના પણ ત્રીજા લગ્ન છે અને તેમના પણ. પરંતુ ઉત્સાહ તો અઢારમી વસંતવાળા યુવાનોને પણ પાછળ મૂકી દે એટલો છે.