પ્રાયશ્ચિતથી ‘પાપ’ ધોવાતા હોવાની વાત શાસ્ત્રોમાં કરવામાં આવી છે. ત્યારે તમિલ અભિનેત્રી સાથે કઢંગી અવસ્થાવાળી કથિત સેક્સ સીડીથી વિવાદોમાં આવેલા સ્વામી નિત્યાનંદ પોતાના ‘પાપ’નું પ્રાયશ્ચિત ધ્યાન અને પ્રાર્થના દ્વારા કરી રહ્યાં છે. આગની વચ્ચે પ્રાર્થના અને ધ્યાન કરી રહેલા સ્વામી નિત્યાનંદે આને પોતાની અગ્નિપરીક્ષા ગણાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્વામી નિત્યાનંદને કર્ણાટક હાઈકોર્ટે શરતી જામીન આપતી વખતે જાહેર પ્રવચનો ન કરવાના નિર્દેશ આપ્યા છે.
સ્વામી નિત્યાનંદ હવે પોતાના બિદાદી આશ્રમમાં શનિવારથી આગ પાસે બેસીને ધ્યાન અને પ્રાર્થનાના માધ્યમથી પ્રાયશ્ચિત કરી રહ્યાં છે. બળાત્કાર અને અન્ય આપરાધિક મામલાઓમાં 53 દિવસો સુધી જેલમાં રહ્યાં બાદ તેમને કર્ણાટક હાઈકોર્ટે શરતી જામીન પર મુક્ત કર્યા છે. હાઈકોર્ટે તેમને જાહેર પ્રવચન કરવાની મંજૂરી આપી નથી.
આશ્રમના પ્રવક્તાએ ફોન પર જણાવ્યું હતું કે સ્વામી નિત્યાનંદ તપસ્યા કરશે. તેઓ ત્રણ ફૂટ ઊંચી આગની પાસે બેસીને પૂજા કરશે. તેઓ સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી કેટલાંક દિવસો સુધી રોજ તપસ્યા કરશે.
પ્રવક્તાએ કહ્યું હતું કે તેનાથી નકારાત્મક વિચારોનો સફાયો થશે. જો કે આશ્રમના એક સૂત્રે જણાવ્યું હતું કે જેલમાંથી મુક્ત થઈ આશ્રમમાં પહોંચ્યા બાદ નિત્યાનંદે તુરંત આનંદેશ્વરી મંદિરમાં પૂજા કરી હતી. કર્ણાટક હાઈકોર્ટે શુક્રવારે સ્વામી નિત્યાનંદને જામીન આપ્યા હતા. હાઈકોર્ટે તેમના પ્રવચનો પર પ્રતિબંધ લગાવ્યો છે. બીજી તરફ નિત્યાનંદના પાછા ફરવાથી શ્રદ્ધાળુઓમાં ખુશી છે. તેમણે આશ્રમમાં નિત્યાનંદનું સ્વાગત પણ કર્યું હતું.
અત્રે મહત્વપૂર્ણ છે કે દક્ષિણ ભારતની ટીવી ચેનલો પર પ્રસારીત થયેલી સ્વામી નિત્યાનંદની તમિલ અભિનેત્રી સાથેની કઢંગી સેક્સ સીડી સાચી હોવાનો દાવો સીઆઈડી કરી રહી છે. આ સેક્સ સીડી પ્રસારીત થયા બાદ સ્વામી નિત્યાનંદ સામે રોષ ફાટી નીકળ્યો હતો. સ્વામી નિત્યાનંદની આ સંદર્ભે કુંભ મેળા બાદ હીમાચલ પ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
*