હવે સમાચાર ચેનલ્સ પર વિશ્વનો અંત,ભૂતપ્રેત, નાગનાગણ, એલિયન્સ કે પછી હિમમાનવ જેવા અવિશ્વસનીય અહેવાલો નહીં જોવા મળે. સમાચાર ચેનલ્સ પર હવે સેલિબ્રિટીના અંગત જીવન અંગેના અહેવાલ પણ નહીં દર્શાવવામાં આવે. સેલ્ફ રેગ્યુલેશનના નિર્ણયને પગલે સમાચાર ચેનલ્સમાં આ ફેરફારો આવી રહ્યા છે. અત્યારસુધી નિયંત્રણ બહાર રહેલી ચેનલ્સ નથી ઇચ્છતી કે તેમને સરકાર કે અદાલત દ્વારા અંકુશમાં લેવામાં આવે. એટલે પોતાના અહેવાલોના વિષય સાવધાનીપૂર્વક પસંદ કરી રહ્યા છે.
સમાચાર ચેનલ્સનું આગામી પગલું સાધુઓ, બાબાઓ અને ભવિષ્ય ભાખનારાઓની ચુંગાલમાંથી મુકત થવા માટેનું છે. પહેલા તબક્કામાં ત્રીજ તહેવારોએ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ જેવા અવસરે જ્યોતિષીઓની ભવિષ્યવાણી બતાવવાનું બંધ થશે. બ્રોડકાસ્ટિંગ એડિટર્સ એસોસિએશન(બીઇએ)ના જનરલ સેક્રેટરી એન.કે.સિંહે જણાવ્યા મુજબ હાલમાં પ્રાઇમ ટાઇમ પર બાબાઓના કાર્યક્રમ બંધ થયા છે. આગામી તબક્કામાં સમાચાર ચેનલ્સમાંથી બાબાઓની વિદાયની આશા છે કારણ કે કેટલાક બાબાઓ સાથે ચેનલ્સ દ્વારા કોન્ટ્રાકટ પૂરા થવામાં છ મહિનાની વાર છે.
ઐશ્વર્યા રાયની ડિલિવરી, રાજસ્થાનના ભરતપુરનાં તોફાનો કે પછી અઝરુદ્દીનના પુત્રના જનાજાનાં દ્રશ્યોને મસાલેદાર રીતે બતાવવાનું અનાયાસે બંધ નથી થયું. સમાચાર ચેનલ્સ વાસ્તવમાં પોતાના સંગઠન-ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશન- દ્વારા બે વર્ષ પહેલાં નક્કી થયેલી ગાઇડલાઇનનું પાલન કરવા લાગી છે. સિંહ કહે છે કે -બે વર્ષમાં આટલું અંતર કાપી શકાયું છે. વિશ્વના કોઇ દેશમાં સેલ્ફ રેગ્યુલેશનનું આટલી સહજતાથી પાલન થતું નથી. આ ગાઇડલાઇન સંગઠને જાતે નથી નક્કી કરી પણ નવ વ્યક્તિની બનેલી એક સમિતિએ તૈયાર કરી છે. સમિતિના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ જે.એસ. વર્મા છે.
સમિતિમાં ઈતિહાસકાર રામચંદ્ર ગુહા, સમાજશાસ્ત્રી દીપાંકર ગુપ્તા, સંયુક્ત રાષ્ટ્રના ભૂતપૂર્વ અન્ડર સેક્રેટરી જનરલ નીતિન દેસાઇ, નેસ્કોમના ભૂતપૂર્વ અધ્યક્ષ કિરણ કર્ણિકનો પણ સમાવેશ થાય છે. મીડિયાના કામકાજમાં સરકારના સંભવિત હસ્તક્ષેપની મધ્યેનજર આ પગલું લેવામાં આવ્યું હોવાનું મનાઇ રહ્યું છે.
ગયા મહિને કેન્દ્રીય મંત્રીમંડળે પણ નિર્ણય લીધો કે કોઇપણ સમાચાર ચેનલ્સ દ્વારા આચારસંહિતાનું પાંચ વાર ઉલ્લંઘન થતાં દશ વર્ષ માટે મળતા લાઇસન્સને રિન્યૂ કરવામાં નહીં આવે. ચેનલ્સ આ નિર્ણયને અભિવ્યક્તિના અધિકારના હનનરૂપ માની રહી છે. એ પ્રમાણે જ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નવા અધ્યક્ષ અને સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ માર્કંડેય કાત્જુએ ન્યૂઝ ચેનલ્સને તેના નિયંત્રણ હેઠળ લેવા સરકારને સલાહ આપી છે. આચારસંહિતાનો ભંગ કરનારી ન્યૂઝ ચેનલ્સને અપાતી જાહેરખબર પણ બંધ કરવા ભલામણ કરી છે. ચેનલ્સ આ ઘટનાને પણ પોતાની સ્વતંત્રતામાં હસ્તક્ષેપ માને છે. સિંહ કહે છે કે- કોઇ સરકાર ચૂંટણી પહેલાં આચારસંહિતાના પાંચમા ઉલ્લંઘનને બહાને ટીવી ચેનલ્સનું લાઇસન્સ રદ કરવાની ધમકી આપી શકે છે. તો ન્યાયમૂર્તિ જસ્ટિસ વર્મા આ સૂચનાઓને કટોકટી પહેલાંના સમયની યાદ અપાવનાર ગણે છે.
મીડિયાએ કરેલા વિરોધ પછી માહિતી અને પ્રસારણપ્રધાન અંબિકા સોની સમાચાર ચેનલ્સ દ્વારા ઘડાયેલા સેલ્ફ રેગ્યુલેશન માટે રાજી થઇ ગયા હતા. જોકે મીડિયાનો એક હિસ્સો સેલ્ફ રેગ્યુલેશનની ધારણાનો પણ વિરોધ કરી રહ્યો છે.વરિષ્ઠ પત્રકાર પ્રણવ પ્રસૂન વાજપેયીએ એક ટીવી ચર્ચામાં કહ્યું કે બે વર્ષથી અમલી એનબીએની આચારસંહિતા પ્રભાવહીન રહી છે. બગિ બોસ જેવા કાર્યક્રમને તો એન્ટરટેઇનમેન્ટ ચેનલ્સ તેના વયસ્કો માટેના કન્ટેન્ટના ભાગરૂપે મોડીરાત સુધી દર્શાવે છે. પણ સામાચાર ચેનલ્સ એ જ દ્રશ્યોને દિવસભર બતાવતી રહે છે.
દુનિયા : મીડિયા પર નજર રાખતી સંસ્થા
બ્રિટન: પ્રેસ કમ્પલેઇન કમિશન ઓફ યુનાઇટેડ કિંગ્ડમ (સ્વતંત્ર સંસ્થા).૧૬ સભ્યોના બનેલા કમિશનમાં ચેરમેન સહિત નવ સામાન્ય લોકો, બાકીના સાત સભ્યોમાં ન્યૂઝ પેપર ઇન્ડસ્ટ્રીઝના વરિષ્ઠ સંપાદકોનો સમાવેશ થાય છે. સ્વતંત્ર નિયુકત કમિશન દ્વારા સભ્યોની ચૂંટણી થાય છે. કમિશનને ફરિયાદોની તપાસ અને નિર્ણય આપવાનો અધિકાર છે. જોકે પ્રતિબંધ લગાવવાનો અધિકાર નથી. બ્રોડકાસ્ટ મીડિયા માટે નિયંત્રણ સંસ્થા ઓફકોમ (ઓફિસ ઓફ કોમ્યુનિકેશન). ટીવી ઉપરાંત અન્ય મીડિયાના કન્ટેન્ટના મુદ્દે ગાઇડલાઇન તૈયાર કરે છે. ફરિયાદોની તપાસ અને નિર્ણય આપે છે.
અમેરિકા: મિનેસોટા ન્યૂઝ કાઉન્સિલ (સ્વતંત્ર સંસ્થા). ૨૫ સભ્યોની સંસ્થામાં છેલ્લાં સાત વર્ષ દરમિયાન મીડિયા સાથે ના સંકળાયેલા ૧૨ સામાન્ય લોકો છે તો બાકીના ૧૨ મીડિયાના સભ્યોનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ સંસ્થા પ્રમુખ હોય છે. કાઉન્સિલને ફરિયાદ પર સુનાવણી કરીને નિર્ણય લેવાનો અધિકાર છે. સંસ્થાના નિર્ણયને જનધારણા માનવામાં આવે છે. સંસ્થા કોઇ મીડિયા પર પ્રતિબંધ લગાવી શકતી નથી. કેટલાક મીડિયાસમૂહો પોતાને માટે નગિરાની સંસ્થા સ્થાપે છે.
ઓસ્ટ્રેલિયા : ઓસ્ટ્રેલિયા પ્રેસ કાઉન્સિલ (સ્વતંત્ર સંસ્થા). સંસ્થાના સભ્યોમાં જનતા, પત્રકાર અને મીડિયા કંપનીઓના માલિકોની બરોબરીની ભાગીદારી છે. ૧૯૭૬માં રચાયેલી આ સંસ્થાની જવાબદારી પ્રેસના આદર્શ અને સ્વતંત્રતાની રક્ષા કરવાનો છે. સંસ્થા સંચાલન માટે કોઇ નિયમિત ગાઇડલાઇન નથી. કાઉન્સિલના નિર્ણયો મીડિયાએ પ્રકાશિત કરવાના રહે છે. સંસ્થા કોઇના પર પ્રતિબંધ લગાવી શકતી નથી.
ચેનલ્સ પર કાર્યવાહી
ઇન્ડિયા ટીવી:
નેશનલ બ્રોડકાસ્ટિંગ એસોસિએશન(એનબીએ)એ આંતરરાષ્ટ્રીય નીતિ વિશ્લેષક ફરહાના અલીના ડિસેમ્બર -૨૦૦૮માં પ્રસારિત ઇન્ટરવ્યૂના કેસમાં ઇન્ડિયા ટીવી ચેનલને નિયમોના ઉલ્લંઘનની દોષી માની છે. અલીના અંગ્રેજીમાં આપવામાં આવેલા ઇન્ટરવ્યૂને ચેનલે હિન્દીમાં ડબ કરીને દર્શાવ્યો હતો. તેમાં તેમની તસવીર પણ મૂકવામાં આવી હતી. ચેનલ પર રૂપિયા એક લાખનો દંડ લાદવામાં આવ્યો હતો. ચેનલ્સને પાંચ દિવસ સુધી રાતે આઠ વાગ્યાથી નવ વાગ્યા વચ્ચે ૧૨ મિનિટના અંતરે પાંચ વાર માફીનું પ્રસારણ કરવા કહેવામાં આવ્યું હતું.
ટાઇમ્સ નાઉ:
સપ્ટેમ્બર ૨૦૦૮માં પ્રોવિડંટ ફંડ ગોટાળાના અહેવાલ પ્રસારિત કરતાં ટાઇમ્સ નાઉ ચેનલે ૧૫ સેકન્ડ સુધી ભૂલથી પ્રેસ કાઉન્સિલના અધ્યક્ષ રહી ચૂકેલા જસ્ટિસ પી.વી.સાવંતનો ફોટો બતાવ્યો હતો. અહેવાલમાં એ બતાવવામાં આવ્યું હતું કે કૌભાંડમાં કેટલાક નિવૃત્ત ન્યાયમૂર્તિ પણ સામેલ છે. ન્યાયમૂર્તિએ આ મુદ્દે ચેનલને કાનૂની નોટિસ આપી હતી. ચેનલે પાંચ દિવસ સુધી માફીનામું દર્શાવ્યું. પણ સાવંત તેથી સંતુષ્ઠ ના થયા. તેઓ કોર્ટમાં મામલો લઇ ગયા.
પૂણે ડિસ્ટ્રિક્ટ કોર્ટે ચેનલને દોષિત ઠેરવીને માનહાનિરૂપે રૂપિયા ૧૦૦ કરોડ રૂપિયા અદા કરવા કહ્યું. ચેનલે ચુકાદા સામે બોમ્બે હાઇકોર્ટમાં અપીલ કરી. ત્યાં પણ તેને ૨૦ કરોડ રૂપિયા ચૂકવવા અને બાકીનાની બેન્ક ગેરન્ટી આપવા કહેવાયું. હવે એનબીએ અને બીઇએ મળીને આ નિર્ણયને સુપ્રીમમાં એમ કહીને પડકારી રહ્યા છે કે તેનાથી સમાચાર ચેનલ્સની સમાચાર આપવાની પ્રક્રિયા જ નબળી પડી જશે.