સલમાનખાન દ્રારા શિક્ષણ ક્રાંતિનું પ્રારંભ, યુ-ટ્યૂબ પર નવો કલાસરૂમ

અમેરિકામાં ઈસ્ટ પાલો આલ્ટો, કેલિફોર્નિયાની એક શાળામાં પાંચમા ધોરણનાં બાળકો પોતાના ડેસ્ક પર નેટબૂક લઈને બેઠા છે. શિક્ષક તેમને ગણિતના એક સવાલ અંગે સમજાવી રહ્યા છે. બીજી તરફ, સાત હજાર માઈલ દૂર અકારા, ઘાના અને આફ્રિકી સ્કૂલ ઓફ એક્સેલન્સના વિદ્યાર્થીઓ પણ ગણિત ભણી રહ્યા છે. તેમના શિક્ષક એ જ છે જે કેલિફોર્નિયામાં ગણિતની ટિપ્સ આપી રહ્યા છે.
વિદ્યાર્થીઓના બંને સમૂહો ઓનલાઈન વીડિયો જોઈને ભણી રહ્યા છે. સ્ક્રીન પર ગુણાકાર ભાગાકાર અને ડાયાગ્રામ દેખાય છે પરંતુ લેકચચરનો ચહેરો નથી. માત્ર ધીમે ધીમે અવાજ સંભાળાય છે. આ અવાજ છે, ૩૫ વર્ષીય સલમાનખાનનો. તે પહેલાં હેજ ફંડ મેનેજર હતા. હવે દુનિયાભરમાં લાખો લોકોને યુટ્યૂબ પર ભણાવે છે. ખાન એકેડેમીના ઓનલાઈન સંગ્રહમાં ૩૨૫૦ ડિજિટલ વીડિયો છે. ટેક્નોલોજીના મહારથીઓ, શિક્ષણવિદો અને હાઈસ્કૂલ વિદ્યાર્થીઓ માટે તેઓ કોઈ સેલિબ્રિટીથી કમ નથી. ક્રેબ્સ સાઈકલ (સાઈટ્રિક એસિડ સાઈકલ) અને સેલ મેટાબોલિઝમ (કોષ ચયાપચય) પર તેમના ૧૮ મિનિટના લેકચરને છ લાખ ૭૫૦૦૦ વખત જોવાયો છે.
વેબ પર અત્યાર સુધીના સૌથી મશહુર શિક્ષક હોવા છતાં ખાન સંતુષ્ટ નથી. તેઓ કલાસરૂમમાં શિક્ષકની ભૂમિકામાં પાયાના પરિવર્તન લાવવા માંગે છે. તેઓ હોમવર્કના સિદ્ધાંતને નવી પરિભાષા પણ આપવા માંગે છે. તેમણે બિલ ગેટ્સ, ગૂગલના એરિક સ્મિડ અને અન્ય કેટલાક અબજોપતિઓને પોતાના પલ્લાંમાં લાવી દીધા છે. આમ તો, શિક્ષણ વ્યવસ્થામાં પરિવર્તન લાવવું ખૂબ જ અઘરું છે. શિક્ષણની ટેક્નોલોજી કેન્દ્રિત એપ્રોચ અંગે દરેક સ્તરે આશંકા વ્યક્ત કરવામાં આવે છે. રિસર્ચ ફર્મ ગાર્ટનરે જણાવ્યા પ્રમાણે અમેરિકામાં ગત વર્ષે શિક્ષણની ટેક્નોલોજી પર૩.૬૧ લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. તેમ છતાં વિદ્વાનો માને છે કે તેનાથી ફાયદો થયો હોવાનું કોઈ નક્કર પ્રમાણ નથી.
ખાનને અનુભવી શિક્ષકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો જેઓ આ નવી શાળામાં પોતાની ભૂમિકા સંબંધે ચિંતિત છે. પરંતુ સૌથી મોટો અવરોધ તો ખુદ ખાન છે. તેમની પાસે નવી ટેક્નોલોજી છે પરંતુ તેઓ પોતે શિક્ષક નથી. તેમને બાળકો સાથે કામ કરવાનો અનુભવ નથી. પ્રશ્ન એ છે કે, શું વાલીઓ અને શિક્ષકો શિક્ષણની સેંકડો વર્ષ જુની પદ્ધતિઓ ને એવી વ્યક્તિના કહેવાથી બદલી નાખતે જેણે ભણાવવાના બદલે નાણાંના હિસાબ-કિતાબમાં વધારે સમય વિતાવ્યો છે.
- ક્લિક કરો, વાંચો અને શીખો
બીજી તરફ, માઉન્ટેન વ્યૂ કેલફિમાં ચાની દુકાન ઉપર એક ઓફિસમાં સલમાનખાન પોતાના ઓનલાઈન શ્રોતાઓ માટે નવો પાઠ તૈયાર કરી રહ્યા છે. તેમની ઓફિસમાં જ કલાસરૂમ છે. તેમાં પાઠ્યપુસ્તકો અને ઉપન્યાસ પડ્યા છે. તેમનું ચોકબોર્ડ કાળા રંગનું વેકોમ કમ્પ્યૂટર ટેબલેટ છે. તેને ટેલિફોનના જુના થાંભલામાંથી બનાવેલા ડેસ્ક પર મૂકેલું છે. તે ખાન એકેડેમીના વીડિયોની ઓળખ બની ચૂકેલા ડાયાગ્રામ અને ઈકવેશન ટેબલેટ પર ખેંચે છે.
આજનો પહેલો પાઠ મેક્રોઈકોનોમિકસ પર તેમની શ્રેણીનો હિસ્સો છે. તેમાં માર્કેટમાં ચડાવ-ઉતાર દરમિયાન માનવીય ભાવનાઓની આશાથી નિરાશા વચ્ચેની સ્થિતિ, પછી દહેશત છવાઈ જવાની અને અંતે રાહત મળવાની ચર્ચા સામેલ છે. ખાન બે મિનિટ સુધી ગૂગલ પર રિસર્ચ કરે છે. પછી ગ્રાફ શોધે છે. ઈકોનોમિકસના એક પુસ્તકનાં કેટલાંક પાનાં ફેરવે છે. ફરી બટન દબાવી રેકોર્ડિંગ શરૂ કરે છે. તે સ્ક્રીન પર બિઝનેસ ચક્રનું સ્કેચ તૈયાર કરે છે. સાથે માઈક્રોફોન પર લેકચર ચલાવે છે. તેઓ બે મિનિટ રોકાઈને ભૂલો શોધે છે. ખાન પહેલાંથી લખીને નથી બોલતા. તે સ્વીકારે છે કે, મને શરૂઆતમાં ખબર નથી હોતી કે હું શું બોલવાનો છું. તેમના વીડિયો પ્રભાવશાળી હોવાનું એક કારણ આ પણ છે. વિદ્યાર્થીઓને લાગે છે કે, જેમ તેમની બાજુમાં બેસીને કોઈ શિક્ષક ભણાવી રહ્યા છે. ૧૧ મિનિટનો વીડિયો અપલોડ કર્યા બાદ ખાન પોતાનો ઈમેલ ચેક કરે છે.
- બધું જ મફત
ખાનના મેક્રોઈકોનોમિકસનો વીડિયો કોલેજના વિદ્યાર્થીઓ માટે છે. તેમની શાળામાં એસ્ટ્રોનોમી, કેમિસ્ટ્રરી, કમ્પ્યૂટર સાયન્સથી માંડીને બધા જ વિષયો છે. ખાનના લેકચર ઓનલાઈન કોઈપણ વ્યક્તિને મફતમાં ઉપલબ્ધ છે. હાલમાં તો, તેઓ અહીંથી પણ આગળનું વિચારી રહ્યા છે. તેમનો વિચાર છે કે, વિદ્યાર્થીઓને વર્ષ પ્રમાણે ગ્રેડ, કલાસમાં વહેંચવાની જરૂર નથી. તેમને પોતાની મરજી પ્રમાણે ભણવા દો. અગાઉના પાઠને બરાબર સમજયા બાદ જ બીજો પાઠ હાથમાં લો. તેઓ વીડિયો પર હોમવર્ક કરે.
પછી કલાસમાં જઈને બધા સામે પોતે જે શીખ્યા તે રજુ કરે. આ પ્રક્રિયામાં શિક્ષકને કલાસમાં લેકચર આપવાની જરૂર નહીં પડે. તેમની ભૂમિકા ગાઈડ જેવી થઈ જશે. તેઓ લેકચર આપવાના બદલે વિદ્યાર્થી પર વ્યક્તિગત રીતે ધ્યાન કેન્દ્રિત કરશે.
- સ્કૂલમાં પુસ્તકો
વીસમી સદીના પ્રારંભમાં થોમલ આલ્વા એડિસને ભવિષ્યવાણી કરી હતી કે, ‘શાળાઓમાંથી ટૂંક સમયમાં જ પુસ્તકો જતા રહેશે. વિદ્યાર્થીઓને દ્રશ્યો દ્વારા ભણાવવામાં આવશે.’ ૧૯૨૦માં રેડિયોથી શિક્ષણ થવા લાગ્યું હતું. ૧૯૯૦ના દાયકામાં કમ્પ્યૂરો આવ્યાં. ૧૯૮૪માં અમેરિકી પબ્લિક સ્કૂલમાં ૯૨ વિદ્યાર્થી દીઠ એક કમ્પ્યૂટર હતું. ૨૦૦૮માં દર ૩.૧ વિદ્યાર્થી પર એકનો રેશિયો આવી ગયો.
- આ રીતે આવ્યો આઈડિયા
સલમાનખાનને પોતાના એક મિત્ર અને પિતરાઈ બહેન પાસેથી શિક્ષણની આ નવી ટેકનિકનો વિચાર આવ્યો હતો. ખાને શાળા છોડી પોતાનો અભ્યાસક્રમ બનાવ્યો. મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં તેમને પ્રવેશ મળી ગયો. એમબીએ કર્યા બાદ ખાનને એક નાના હેજ ફંડમાં એનાલિસ્ટની નોકરી મળી. આ દરમિયાન પિતરાઈ બહેન નાદિયાને પોતાના એલજીબ્રા હોમવર્ક માટે તેમની મદદની જરૂર પડી. ખાન બોસ્ટનમાં રહેતા હતા અને નાદિયા ન્યૂ ઓરલિએન્સમાં રહેતી હતી.
આથી ખાને ઓનલાઈન મદદની ઓફર કરી. યાહૂ મેસેન્જર ચેટ સર્વિસ પર ખાન ડૂડલ નામના ટુલથી લેસન બનાવવા લાગ્યા. આ દરમિયાન એક મિત્રએ લેસનને વીડિયો તરીકે રેકોર્ડ કરી યુટ્યૂબ પર અપલોડ કરવાનું સૂચન કર્યું.ખાને પહેલાં અનિચ્છા દર્શાવી પરંતુ બાદમાં તેઓ તૈયાર થઈ ગયા. આ આઈડિયા પછી તો ચાલી ગયો. ઘણા લોકોએ ફીડબેક આપ્યા કે તેમણે યુટ્યૂબ પર ત્રણ કલાકમાં જેટલું શીખ્યા છે તેટલું ત્રણ વર્ષમાં પણ ગણિતના વર્ગમાં નથી શીખી શક્યા.
- દાનદાતાઓની ભીડ
૨૦૦૯માં ખાને નોકરી છોડી પોતાના ઘરના એક રૂમમાં ખાન એકેડેમીની શરૂઆત કરી હતી. ૨૦૧૦માં સિલિકોન વેલીના વેન્ચર કેપિટલિસ્ટ જોન ડોએરની પત્ની એન ડોએરે ખાનની કલ્પનાશીલતાથી પ્રભાવિત થઈને એક લાખ ડોલરનું દાન આપ્યું હતું. એકેડેમીની ખ્યાત ફેલાતા જરાય વાર ન લાગી. એક સમારંભમાં બિલ ગેટ્સે સલમાનના આઈડિયાની પ્રશંસા કરી હતી. તેમને સિએટલ બોલાવ્યા અને ૮.૨૫ કરોડ રૂપિયા આપ્યા. બાદમાં ગેટેસ ૨૨ કરોડથી વધારે રૂપિયા આપ્યા. ગૂગલે ૧૧ કરોડ રૂપિયા, નેટ ફ્લિકસના સીઈઓ રીડ હેસ્ટિંગ્સને ૧૬.૫૦ કરોડ રૂપિયા અને આઈરીશ ઉદયમી સીન ઓ સલીવને ૨૭.૫૦ કરોડ રૂપિયા દાનમાં આપ્યા. ખાન એકેડેમીથી થતા ફાયદા પર શિક્ષણવિદો એકમત નથી. ઉદાહરણ તરીકે બે વિદ્યાર્થી એકદમ અલગ પ્રકારના કૌશલ્ય સાથે ગ્રેજ્યુએટ થશે. એક વિદ્યાર્થી કેલકુલસથી માંડીને દરેક બાબતે માસ્ટર થઈ જશે. બીજો વિદ્યાર્થી માત્ર એલજીબ્રા સુધી પહોંચી શકશે. હોશિયાર વિદ્યાર્થી આગળ નીકળી જશે. નબળા વિદ્યાર્થીઓ એકદમ પાછળ રહી જશે. જે લોકો કમ્પ્યૂટર સુધી નથી પહોંચી શકે તેમ તેઓ શું કરશે? ઘણા લોકોનો એવો પણ મત છે કે, ખાનના આઈડિયાનું પરીક્ષણ નથી થયું. તેઓ કમ્પ્યૂટરને શિક્ષકોનું સ્થાન આપવા માંગે છે. પરંતુ, ખાન જણાવે છે કે, તેમના પ્રોગ્રામમાં શિક્ષકોને કલાસમાં ઊભા રહીને લેકચર નહીં આપવું પડે. તેઓ જણાવે છે કે, આદર્શ કલાસરૂમ એ છે જેમાં શિક્ષક એક-એક વિદ્યાર્થી સાથે સંવાદ કરે. તેમના પ્રોજેક્ટમાં પૂરો રસ લે.
અમેરિકી નાગરિક સલમાન ખાને યુ-ટ્યૂબ પર ગણિત, વિજ્ઞાન, અર્થશાસ્ત્ર સહિત અનેક વિષયો પર સેંકડો લેકચર તૈયાર કર્યા છે. તેઓ કલાસરૂમમાં શિક્ષક મારફત વિદ્યાર્થીઓને ભણાવવાની પરંપરાગત પદ્ધતિમાં ફેરફાર કરવા માંગે છે. વિશ્વભરમાં લાખો વિદ્યાર્થીઓ રોજ તેમના વીડિયો જોઈને અભ્યાસ કરે છે. આમ તો તેમના આઈડિયાથી શિક્ષણશાસ્ત્રીઓનું એક જુથ સંમત નથી.
- ખાન અકાદમીનું વધતું ચલણ
૩૨૫૦ વીડિયોની સંખ્યા ૬૦ કરોડ અત્યાર સુધી થયેલી પરીક્ષા (પ્રતિદિન ૨૦ લાખથી વધુ) ૧૫૦૦૦ કલાસરૂમમાં ખાન અકાદમીનો કોર્સ ભણાવાય છે. ૫૦ લાખ યૂઝર પ્રતિમાસ ૧૬ કરોડ વીડિયો ૨૦૦૬થી અત્યાર સુધીમાં જોવાયા ૨૩૪ દેશો અને ક્ષેત્રોમાં ખાન અકાદમીનો ઉપયોગ થાય છે.





