અંતિમ ક્ષણોની અડચણોને પાર કરીને લાલુપ્રસાદની આગેવાની હેઠળના રાજદ અને રામવિલાસ પાસવાનની આગેવાની હેઠળના એલજેપી વચ્ચે બિહારમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે ગઠબંધન રચાયું છે. ગઠબંધનની સમજુતી અનુસાર રાજદ ૧૬૮ અને એલજેપી ૭૮ બેઠક પર ચૂંટણી લડશે.
ગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર લાલુપ્રસાદ યાદવ છે. જ્યારે રામવિલાસ પાસવાનના નાના ભાઇ અને એલજેપીના બિહાર એકમના પ્રમુખ પશુપતિકુમાર પારસ નાયબ મુખ્યમંત્રી પદના ઉમેદવાર ગણવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી આ ગઠબંધન અંગે અચોક્કસતા વર્તાતી હતી, જેના કારણે એવી ધારણાઓ વહેતી થઇ હતી કે રાજદ સાથે ગઠબંધન નહિ રચાય તો કોંગ્રેસ સાથે એલજેપી હાથ મિલાવશે.
અહીં લાલુપ્રસાદ સાથે એક સંયુક્ત પત્રકાર પરિષદ ખાતે પાસવાને જણાવ્યું હતું કે રાજદ સાથે અમારું ગઠબંધન મજબૂત અને અતૂટ છે. એવા કોઇપણ અહેવાલમાં તથ્ય નથી કે મેં કોંગ્રેસ સાથે વાતચીત કરી છે અથવા કેન્દ્ર ખાતે હું મંત્રી બનવાનો છું. ચૂંટણી માટે અમારા ગઠબંધનના નેતા લાલુપ્રસાદ રહેશે. પશુપતિકુમાર પારસને નાયબ મુખ્યમંત્રી પદના ઉમેદવાર સાથે લાલુપ્રસાદ યાદવને મુખ્યમંત્રી પદના અમારા ઉમેદવાર તરીકે રજુ કરવામાં આવશે.
લાલુપ્રસાદ યાદવે જણાવ્યું હતું કે અતિશય વિચાર-વિમર્શ બાદ બન્ને પક્ષ વચ્ચે ગઠબંધન રચાયું છે અને ઉમેર્યું હતું કે ભવિષ્યમાં પણ બન્ને પક્ષ વચ્ચે ગઠબંધન ચાલુ રહેશે.