પોલીસ અને સીબીઆઇના જે અધિકારીઓએ ભોપાલ ગેસ દુર્ઘટનામાં કેસને કમજોર કરવાનો પ્રયાસ કર્યો છે. તેમને અદાલતના કઠેડામાં ઊભા રાખવાની માંગ હાલમાં ઊઠી રહી છે. રાજ્ય સરકારના કાયદા બાબતોના નિષ્ણાત સમિતિના સભ્ય શાંતિલાલ લોઢાએ જણાવ્યું હતું કે મૂળ એફઆઇઆરમાં કલમ ૩૦૪ હેઠળ બિનઇરાદાપૂર્વક હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, પણ પાછળથી આ કલમમાં હાથથી ‘એ’ ઉમેરીને બેજવાબદારીથી થયેલા મોતની કલમ ૩૦૪એ દાખલ કરવામાં આવી હતી.
તેમણે જણાવ્યું હતું કે સીબીઆઇએ કેસ પોતાના હાથમાં લીધો તો તેમણે વોરેન એન્ડરસને મુકત કરવા સામે અવાજ કેમ ન ઉઠાવ્યો અને એન્ડરસનની ફરીથી ધરપકડ કેમ ન કરી? આ અધિકારીઓ સામે પોતાની ફરજ ન નિભાવવાનો, ગુનેગારોને છોડી મૂકવાની અને તેને ભગાડી મૂકવાનું કાવતરું રચવા માટેની કલમો ૧૦૮,૧૧૯ અને ૧૨૦ કેમ ફરિયાદમાં દાખલ કરવાની હતી. જ્યારે આ અધિકારીઓને એન્ડરસનને જામીન આપવાનો અધિકાર નહોતો. તો તેને સંપત્તિ જપ્ત કર્યા વગર છોડી કેમ મૂક્યો. કોઇપણ નિવેદન નોંધ્યા વગર એન્ડરસનને જાત મુચરકાના જામીન પર છોડવા માટે સૌપ્રથમ કલમ ૨૦૧ હેઠળ ધરપકડ કરવી જોઇતી હતી.
તેમણે રાજ્ય સરકાર દ્વારા બનાવેલા તપાસ પંચના અધ્યક્ષ વિવેક તન્ખ સમક્ષ રજુ કરેલી પોતાના વિવિધ અભિપ્રાયમાં જણાવ્યું હતું કે બિનજામીનપાત્ર ગુનામાં ધરપકડ કરાયેલા એક આરોપીને ન્યાયિક મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કર્યા વગર ભગાડી દેવાનું ષડયંત્ર રચવા બદલ તત્કાલીન ડીએસપી મોતીસિંહ અને એસપી સ્વરાજ પુરી સામે કલમ ૨૨૨ હેઠળ કેસ દાખલ કરવો જોઇએ. તેમણે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એ એસ એહમદી સામે એસપી પબ્લિક ટ્રસ્ટની કલમ ૨૬ હેઠળ જિલ્લા અદાલતમાં કેસ દાખલ કરી ભોપાલ મેમોરિયલ ટ્રસ્ટના મુખ્ય ટ્રસ્ટીને હોદ્દા પરથી હટાવી દેવાની કાર્યવાહી શરૂ કરવી જોઇએ. કેમ કે, તેમણે અનેક કામ ગેરકાનૂની ધોરણે હાથ ધર્યાં છે.