નવી દિલ્હીમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સના કન્સ્ટ્રકશન કામોમાં ભ્રષ્ટાચારની તપાસ થઈ રહી છે. ત્યારે એક ટીમને ગેમ્સનાં સ્થળોએથી ઉંદરોને સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં દૂર કરવાનું કામ સોંપાયું છે.
દિલ્હી મ્યુનિસિપિલ કોર્પોરેશનનું કાર્યદળ ૬૦૦ પાંજરા અને ઉંદરો મારવાની ૧૦૦ કિલો દવા સાથે બધા જ ૧૧ સ્થળોએથી ઉંદરોને દૂર કરવાની કામગીરી કરશે. કોર્પોરેશનના પ્રવકતા દીપ માથુરે કહ્યું હતું, ‘અમને ઉંદરોના પાંજરા અને દવા મળે તેની અમે રાહ જોઈ રહ્યા છીએ. ૯૦ સભ્યોની ટીમની રચના કરાઈ છે અને જો જરૂર પડશે તો અમે વધુ લોકોને કામે લગાડીશું. પાંજરામાં ફસાયેલા ઉંદરોને શહેરના રીજ વિસ્તારમાં છોડવામાં આવશે.’
ઉંદરો ઉપરાંત મચ્છરો પણ કોર્પોરેશનને ખડેપગે રાખી રહ્યા છે, કારણકે જુનથી અત્યાર સુધીમાં શહેરમાં ડેન્ગ્યુના ૨૭૫થી વધુ કેસો નોંધાયા છે. ૩ થી ૧૪ ઓક્ટોબર દરમિયાન યોજાનાર રમતોત્સવના આયોજકો માટે મચ્છરો નવો માથાનો દુખાવો છે.
સ્થાનિક અખબારોનો આક્ષેપ છે કે કન્સ્ટ્રકશન સાઇટો પર ભરાયેલાં ખાબોચિયાં મચ્છરોનું ઉત્પાદન કેન્દ્ર બન્યાં છે. કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગેમ્સ વિલેજ એરિયામાં હાથથી સંચાલિત ફોગિંગ મશીનોની સંખ્યા બમણી કરાઈ છે. જો કે માથુરનું કહેવું છે કે લોકોએ ગભરાવું ન જોઈએ. તેમણે કહ્યું હતું, ‘કોર્પોરેશન શક્ય બધું જ કરી રહ્યું છે અને તેના પર વિશાળ ટીમ કામ કરી રહી છે.