કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધી પોતાના પિતા રાજીવ ગાંધી કરતા ઘણા વધુ પ્રતિભાસંપન્ન વ્યક્તિ છે. રાજીવ ગાંધી ખરા અર્થમાં કોઇ નેતા ન હતા પરંતુ થોડા સારા વિચારો સાથેના બાળવીર હતા. પરંતુ તેમનામાં અસાધારણ કશું ન હતું. આ વિચારો બિન્દાસ્ત લેખક ગણાતા ખુશવંતસિંહના છે. હમરા ઝુરેશી સાથે લખેલા પોતાના નવા પુસ્તક એબ્સોલ્યુટ ખુશવંત : ધ લો ડાઉન ઓન લાઇફ, ડેથ એન્ડ મોસ્ટ થિંગ્સ બીટવીનમાં તેમને બન્ને નેતાઓની સરખામણી કરી છે.
આ ૯૫ વર્ષના લેખકે લખ્યું છે કે રાહુલ પાસે દ્રષ્ટિ છે તે અગત્યનું છે. હું તેમનાથી પ્રભાવિત થયો છું. જે રીતે પોતાને તેમાં ઢાળી રહ્યાં છે તેનાથી હું પ્રભાવિત છું. તેમની પાસે યોગ્ય દ્રષ્ટિકોણ છે. ખુશવંતે માયાવતી અને શિવસેનાને તેના જ ઘરઆંગણે પડકારવા અને નીચલા વર્ગના સમુદાય સાથે રહીને તેમની સાથે ભોજન લઇને દેશની શરમજનક વાસ્તવિકતાને ઉજાગર કરવા બદલ રાહુલના ભરપેટ વખાણ કર્યા છે.
ખુશવંતે લખ્યું છે કે, રાહુલે માયાવતીને તેના ઘર આંગણે જ પડકારી હતી. એ એક બહાદુરીનું કામ છે. રાહુલ વર્ગ ભેદમાં માનતા નથી. અમેઠીમાં દલિતોને ત્યાં રહી તેમની સાથે ભોજન કરવાની વાતમાં રાહુલની કોઇ ટીકા કરી શકે નહીં. ૨૧મી સદીમાં પણ આપણા સમાજમાં અસ્પૃશ્યતા છે અને દલિતો દોજખ જેવી જિંદગી જીવી રહ્યા છે.
મુંબઇની રાહુલની મુલાકાત અંગે કહ્યું હતું કે, રાહુલે મુંબઇ તમામ ભારતીયોની છે તે સાબિત કરી બતાવ્યું હતું. તેને રોકવામાં શિવસેનાના ગુંડાઓ નિષ્ફળ ગયા હતા રાહુલ સામેના વિરોધમાં જવલ્લેજ કોઇ મહારાષ્ટ્રીયનો જોડાયા હતા.
રાજીવ ગાંધી વડાપ્રધાન પદ માટે સજ્જ ન હતા
રાજીવ ગાંધી અંગે ખુશવંત લખે છે કે રાજીવ પર એવા પદ માટે જબરદસ્તી કરાઇ હતી કે જેના માટે તે સજ્જ ન હતા. રાજીવ ખુશમિજાજ હતા અને સારા વિચારો ધરાવતા હતા. પરંતુ તેની પાસે કોઇ અસામાન્ય વિચારધારા ન હતી. તે ખરેખર કોઇ નેતા ન હતા અને મને લાગતું નથી કે તે રાજકારણ માટે બન્યા હતા. તેઓ પોતાના માતાના પદ ચિ«નોને અનુસર્યા હતા અને તેમના જેવી જ અનેક ભૂલો કરી હતી. જો કે તેમણે કરેલી કેટલીક હકારાત્મક બાબતોમાં ટેલિકોમ અને કમ્પ્યૂટર્સની યોજનાનો સમાવેશ થાય છે.