ઓરિસામાં લંજીગઢ ખાતે એક કાર્યક્રમમાં રાહુલ ગાંધી મંચ પર શંકાસ્પદ નકસલવાદી નેતા સાથે બેઠા હોવાને મુદ્દે ભાજપે સરકાર પાસેથી સ્પષ્ટતા માગી છે. ભાજપના પ્રવકતા પ્રકાશ જાવડેકરે આ ગંભીર બાબત હોવાનું કહેતા જણાવ્યું હતું કે, સરકારના એક પ્રધાન મમતા બેનરજી નકસલવાદીઓની ખુલ્લેઆમ તરફદારી કરી રહ્યા છે અને કોંગસી નેતા રાહુલ ગાંધી નકસલવાદી સાથે મંચ પર બેસે છે એવા સંજોગોમાં સરકાર નકસલવાદને લડત કઇ રીતે આપશે?
કોંગ્રેસ પ્રવકતા મનીષ તિવારીએ તેના જવાબમાં જણાવ્યું હતું કે નિયમગીરી પહાડી પ્રદેશની રાહુલ ગાંધીની મુલાકાતનો ઉદ્શ દેશની જનતાને એ સંદેશો આપવાનો હતો કે, સત્તા માટેની હોહા વચ્ચે તેમની ચિંતાઓની અવગણના નહીં કરવામાં આવે. દિલ્હીમાં તેઓ આદિવાસી હિતોના પ્રહરી છે એમ જણાવીને રાહુલ ગાંધીએ તેમને ન્યાયની ખાતરી આપતો સંવેદનશીલ સંદેશો આપ્યો છે.
આ લોકો એવી લાગણી અનુભવી રહ્યા છે કે, દેશના મુખ્યપ્રવાહમાં તેમને સ્થાન નથી. અખબારી અહેવાલો મુજબ ઓરિસા મુલાકાત સમયે રાહુલ ગાંધી નકસલવાદીઓ પ્રતિ સહાનુભૂતિ ધરાવતા નેતા સાથે એક મંચ પર બેઠા હતા.