ભ્રષ્ટાચાર સામે અણ્ણા હજારેની લડાઇને કારણે હજીસુધી મહારાષ્ટ્રના ૬ પ્રધાન અને ૪૦૦ અધિકારીઓને હોદ્દા છોડવા પડ્યા છે. આજીવન અવિવાહિત રહેવાનો સંકલ્પ કરી ચૂકેલા અણ્ણા ક્યારેક દેશ માટે લડતા હતા. ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ દરમિયાન યુવાઓને લશ્કરમાં સામેલ થવાની સરકારની અપીલ પર તેઓ મરાઠા રેજીમેન્ટમાં ડ્રાઇવર તરીકે નિયુક્ત થયા હતા. ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન તેમનું સંપૂર્ણ યુનિટ શહીદ થઇ ગયું હતું. ગોળી અણ્ણાને પણ વાગી હતી, પરંતુ તેઓ બચી ગયા હતા. જે ટ્રક અણ્ણા ચલાવી રહ્યા હતા, તેના પર ગોળીબાર થયો હતો.
- ૬ પ્રધાનો અને ૪૦૦ અધિકારીઓને હટાવી ચૂક્યા છે અણ્ણા
- આજીવન અવિવાહિત રહેવાનો સંકલ્પ
- ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધ દરમિયાન યુવાઓને લશ્કરમાં સામેલ થવાની સરકારની અપીલ પર તેઓ મરાઠા રેજીમેન્ટમાં ડ્રાઇવર તરીકે નિયુક્ત થયા
આ ઘટનાના ૧૩ વર્ષ બાદ લશ્કરમાંથી નિવૃત્ત થયા હતા, પરંતુ પોતાના પૈતૃક ગામ મહારાષ્ટ્રના એહમદનગરના ભીગાંવ ન ગયા. તેઓ નજીકના રાલેગાંવ સિદ્ધિના એક મંદિરમાં રહેવા લાગ્યા હતા. તેઓ પોતે કહે છે કે, નવી દિલ્હી સ્ટેશને ખરીદેલા સ્વામી વિવેકાનંદના એક પુસ્તકથી સમાજસેવા કરવાની તેમને પ્રેરણા મળી હતી. તેમણે પોતાનું જીવન સમાજસેવાને સમર્પિત કરી દીધું. તેઓ કહે છે કે, પરિવારને કારણે સમાજસેવા પ્રત્યેની જવાબદારી વહેંચાઇ જતી હોવાથી તેમણે લગ્ન ન કર્યાં.
રાલેગાંવ સિદ્ધિની ૨૨૦૦ એકર જમીનમાંથી તે વખતે માત્ર ૮૦ એકર જમીનમાં સિંચાઇ કરવામાં આવતી હતી. ત્યાં સરેરાશ ૩૦૦ મિમી વરસાદ પડતો હતો, જે સારા પાક માટે પૂરતો ન હતો. ગામમાં એક જ વેપાર ફાલીફુલી રહ્યો હતો- ગેરકાયદે દારૂનો. ગામની આસપાસ દારૂની ૪૦ દુકાનો હતી. લોકો ૩૦-૩૫ કિલોમીટર દૂર મજૂરી કરવા જતા હતા અને બધી જ કમાણી દારૂ પાછળ લૂંટાવી દેતા હતા. ક્યારેક મુંબઇમાં ફૂલ વેચીને પેટિયું રળનારાં અણ્ણાએ પાણી બચાવવાનું અને દારૂબંદીનું પણ આંદોલન ચલાવ્યું. આજે તેમના ગામમાંથી મજુરી કરવા કોઇ બહાર જતું નથી. આ ગામમાં ફળો પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે અને અન્ય રાજ્યોમાં ફળોની નિકાસ કરવામાં આવે છે. લોકો દારૂ પીતા નથી અને સિનેમા પણ જોતા નથી. તેમના સહયોગી કહે છે કે, તેમના કારણે ગામમાં વીજળી આવી, વિકાસની અન્ય યોજનાઓ આવી. આવી સ્થિતિમાં અમે દારૂ અને સિનેમા પાછળ સમય અને નાણા શા માટે બરબાદ કરીએ.
ગામને વ્યવસ્થિત કર્યા બાદ તેમનું ધ્યાન સમાજ પર ગયું. તેમણે ૧૯૯૧માં ભ્રષ્ટાચાર વિરોધી જનઆંદોલનનું શિલારોપણ કર્યું હતું. તેમણે ૪૨ વન અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના પુરાવા રજુ કર્યા હતા. સરકાર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતાં તેમણે રાજીવ ગાંધી સરકાર દ્વારા આપવામાં આવેલા વૃક્ષમિત્ર અને પદ્મશ્રી પુરસ્કાર પરત કરી દીધા. સરકાર ઝૂકી અને અધિકારીઓને તેમના હોદ્દાએથી હટાવી દેવામાં આવ્યા.
૧૯૯૫માં તેમણે શિવસેના-ભાજપ સરકારના ત્રણ પ્રધાનો શશીકાંત સુથાર, મહાદેવ શિવાંકર અને બબન ઘોલપ સામે બિનહિસાબી સંપત્તિના આરોપો મૂકીને ભૂખ હડતાળ કરી હતી. ઘણાં પોકળ વચનો અંગે વારંવાર ઉપવાસ કર્યા બાદ સરકારે ૧૯૯૬માં બે પ્રધાનો સુથાર અને શિવાંકરને હટાવી દીધા હતા. ઘોલપે અણ્ણા સામે માનહાનિનો કેસ કર્યો હતો. અણ્ણા પોતાના આરોપના સમર્થનમાં કોર્ટમાં પુરાવા રજુ કરી શક્યા ન હતા અને તેમને ત્રણ મહિનાની જેલની સજા થઇ હતી. તત્કાલીન મુખ્યપ્રધાન મનોહર જોશીએ તેમને એક દિવસની કસ્ટડી પછી છોડી દીધા હતા. ત્યાર બાદ ૨૦૦૩માં કોંગ્રેસ-એનસીપી સરકાર દરમિયાન ચાર કથિત પ્રધાન- સુરેશદાદા જૈન, નવાબ મલિક, વિજયકુમાર ગાવિત અને પદ્મસિંહ પાટિલ સામે ભ્રષ્ટાચારના આરોપ મૂકીને તેઓને બરખાસ્ત કરવાની માગણી અંગે તેમણે આમરણાંત ઉપવાસ કર્યો. રાજ્ય સરકારે તપાસ પંચની રચના કરી. અભિયોગ પછી સુરેશ જૈન અને નવાબ મલિકને રાજીનામા આપવાં પડ્યાં.
કોણ છે અણ્ણા?
પૂરું નામ : કશિન બાપટ બાબુરાવ હજારે (પ્રેમથી લોકો અણ્ણા
કહે છે.)
જન્મ : ૧૫ જાન્યુઆરી ૧૯૪૦, એહમદનગર જિલ્લાના ભીનગર ગામમાં
પરિવાર : પિતા બાબુરાવ હજારે, માતા લક્ષ્મીબાઇ હજારે
કારકિર્દીની શરૂઆત : ભારતીય લશ્કરમાં ડ્રાઇવર તરીકે
તમારો મત
અણ્ણા હજારેના જીવન અને તેમના આંદોલન અંગે તમારો મત નીચે આપવામા આવેલાં ફીડબેક ફોર્મ દ્વારા જણાવો.