રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે હિંસાના માર્ગે નીકળેલા યુવાનોને દેશના વિકાસમાં સામેલ થવાનું આમંત્રણ આપીને કહ્યું છે કે આપણે બધાએ સાથે મળીને એક એવું વિશ્વ બનાવવું જોઈએ, જ્યાં ત્રાસવાદને કોઈ સ્થાન જ ન હોય. ભ્રષ્ટાચારને તેમાં જરા પણ સ્થાન ન હોય. આ સાથે જ તેમણે નક્સલવાદથી અસરગ્રસ્ત વિસ્તારોના વિકાસની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
રાષ્ટ્રપતિએ ૬૪મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ શનિવારે રાષ્ટ્રજોગ પ્રવચન દરમિયાન આ વિચાર રજુ કર્યા હતા. તેમણે ત્રાસવાદને વિશ્વની શાંતિ, સ્થિરતા અને સુરક્ષા સામે સૌથી મોટો ખતરો ગણાવ્યો હતો. આ સાથે જ તેમણે કહ્યું કે સમૃદ્ધિ માટે શાંતિ જરૂરી છે.
આથી ત્રાસવાદને પરાજિત કરવા માટે વિશ્વના તમામ દેશો સંગિઠત બનીને કામ કરે. પાટિલે કહ્યું કે વિવિધ સમસ્યાને વાતચીત દ્વારા એકબીજાના દ્રષ્ટિકોણને સમજીને ઉકેલી શકાય છે. તેમણે માઓવાદીઓ અને અન્ય કટ્ટરવાદી સંગઠનોને મુખ્ય પ્રવાહમાં લાવવાના પ્રયાસોમાં સમાજના તમામ વર્ગના સહયોગની જરૂરિયાત હોવાનું કહ્યું હતું.