પવારની 'પાવર ગેમ ખત્મ' ? કે કોંગ્રેસ સાથે 'ડીલ' થઈ ?

-એનસીપીમાં પણ અવઢવ
-શિવસેનાએ આપી હટી જવાની સલાહ
એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ યથાવત છે. કોંગ્રેસ સાથેના સંબંધો અંગે નિર્ણય લેવા માટે નવીદિલ્હીમાં એનસીપીની એક બેઠક મળી હતી, જેમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકાયો ન હતો. આ અંગે આગામી એક-બે દિવસમાં નિર્ણય લેવામાં આવશે.
દેશ ઉપર દુકાળનાં ડાકલાં વાગી રહ્યાં છે ત્યારે કૃષિપ્રધાન શરદ પવાર તેમની કચેરીએ જતા નથી. વડાપ્રધાન દ્વારા વિદાઈ લઈ રહેલાં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલનાં સન્માનમાં ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ પવાર પટેલ તેમા પણ હાજર રહ્યા ન હતા. એનસીપી જાહેરમાં દાવો કરે છે કે, 'નંબર-2'નાં કારણે કોઈ ખેંચતાણ નથી. મુખ્ય મુદ્દો મહારાષ્ટ્ર સરકારનાં કોંગ્રેસી પ્રધાનો એનસીપીનાં નેતાઓ સાથે યોગ્ય તાલમેલનાં અભાવનો છે.
કોંગ્રેસ-એનસીપી વચ્ચે ગુપ્ત 'ડીલ' થઈ ?
મીડિયામાં આવી રહેલા અહેવાલો પ્રમાણે, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે 'ગુપ્ત ડીલ' થઈ છે. પવાર નથી ઈચ્છતા કે, રૂ. 26 હજાર કરોડનાં કથિત સિંચાઈ કૌભાંડમાં સુનિલ તટકરે સામે તપાસ થાય. પુના નજીક લવાસા પ્રોજેક્ટને પર્યાવરણ વિભાગની મંજૂરી ન મળતાં પવાર નારાજ છે. એનસીપીનાં 24 અને કોંગ્રેસનાં 40થી વધુ ધારાસભ્યોએ ચવ્હાણથી નારાજ છે અને તેમની વિરૂદ્ધ પત્રો લખ્યાં છે. પૃથ્વીરાજ જૂથના કહેવા પ્રમાણે, '' કોંગ્રેસી ધારાસભ્યોનાં અંગત કામ થતાં નથી, આથી તેઓ નારાજ છે.'' એવું માનવામાં આવે છે કે, તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સોનિયા ગાંધીએ ચવ્હાણને દિલ્હી બોલાવ્યાં છે. મહારાષ્ટ્રનાં મુખ્યપ્રધાન બુધવારે દિલ્હી પહોંચે તેવી સંભાવના છે.
શિવસેનાએ સાધ્યું નિશાન
આ અંગે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતના કહેવા પ્રમાણે, ''જો શરદ પવારની પાર્ટીને લાગતું હોય કે, કેન્દ્ર સરકારમાં શાસક પક્ષ દ્વારા તેમને 'ઉતારી પાડવા'માં આવે છે તો તેમણે સરકારમાંથી નીકળી જવું જોઈએ.'' શિવસેનાનાં મુખપત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગમે તે થાય પણ એનસીપી કોંગ્રેસનો સાથ નહીં છોડે. કોંગ્રેસે પવારનાં પાવર પ્લેની હવા કાઢી નાખી છે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસની સંયુક્ત સરકાર શાસન કરી રહી છે, જ્યારે કેન્દ્રની યુપીએ સરકારને એનસીપી સમર્થન આપી રહી છે. સોનિયા ગાંધીના વિદેશી મૂળના મુદ્દા પર શરદ પવારે કોંગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો હતો. ત્યારબાદ ગણતરીનાં મહિનાઓમાં જ એનસીપી અને કોંગ્રેસે સાથે મળીને મહારાષ્ટ્રની ચૂંટણીઓ લડી છે. વર્ષ 1999થી તેઓ સત્તા પર છે.
તમારો મત સંબંધિત સમાચાર તમારા સ્ક્રીનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં વાંચી શકો છો. સમાચાર અંગે તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવી ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.






