પાવર ગેલરી: 'મોદી છે તો, કેશુભાઇ, વસુંધરા છે, તો તિવારીજી'

'વો’, 'વો’ ન રહા....
આ વખતે કથા ભાજપ અધ્યાયથી શરૂ કરીએ છીએ. ક્યાંથી શરૂ કરીએ? ગમે ત્યાંથી. ભાજપ છે તો કથાઓની પણ કોઇ જ કમી નહિ હોય. મોદી છે તો, કેશુભાઇ છે. વસુંધરા છે, તો તિવારીજી છે. યેદ્દીયુરપ્પા છે, તો ખબર નથી શું નામ છે તેમનું, તે પણ છે. યુપીમાં તો વો ભી હૈ, ઓર વો ભી હૈ. દિલ્હી આવીએ તો અહીં પણ કેટલાય 'વો’ છે. અલબત્ત, તમામ સમસ્યાઓમાં સમજૂતી કરવા માટે એક માત્ર અરુણ જેટલી છે.
એક ભાઇએ કહ્યું કે એક સમસ્યા નિવારણ એકમ જ બનાવવું જોઇએ અને સમસ્યાઓનાં તમામ કારણોને તેમાં મૂકી દેવા જોઇએ. વિચારો કે જો આમ થાય તો શું થાય? જવાબ મળ્યો -કશું જ ન થાય. 'વો’ યે વાળી ભૂમિકામાં આવી જાય અને યે 'વો’ વાળી ભૂમિકામાં આવી જાય. આ જવાબ સાથે મોટાભાગે ભાજપ સંમત છે. વિશ્વાસ ન આવતો હોય તો ભાજપના સાહિત્ય વાંચતા રહો, બ્લોગ દેખતા રહો.
પ્રવક્તા પ્રતિભા
પણ ભાજપ ઇચ્છે તો પ્રતિભા અડવાણીને પ્રવક્તા બનાવીને કેટલીક સમસ્યાઓને ટાળી શકે છે. જેમ કે, મુંબઇમાં દાદા(અડવાણી)ની નારાજગી મુદ્દે પુત્રી પ્રતિભાનું કહેવું છે કે તેઓ તો મુંબઇમાં મને દેખીને નારાજ થયા છે. લો કરો વાત.
આગ ઇધર ભી હે, ઉધર ભી
આમેય ભાજપમાં નારાજ થવાની અદભુત ક્ષમતા હોય છે. નરેન્દ્ર મોદીને જ જુઓ, પણ એ ધારણા ખોટી છે કે મોદીના ઘુરકિયાઓએ ગડકરીને ડરાવી દીધા છે. વાત બન્ને તરફી છે. આગ બરાબર લાગી ચૂકી છે. સમજૂતી કરાવવા માટે સંઘની, એક ઉદ્યોગપતિની અને એક બાબાજીનું સંપૂર્ણ દબાણ હતું, પણ આગ બીજી બાજુએ પણ હતી, ગડકરી જ્યારે મુંબઇ મંચ પર આવ્યા ત્યારે તેમની સાથે હતા મોદીના ખાસમખાસ અમિત શાહ અને આ જ અમિત શાહ થોડીક વાર પછી જેટલી સાથે આઇપીએલ દેખી રહ્યા હતા. સ્ટાઇલ છે.
શું ખાક સ્ટાઇલ છે.
સ્ટાઇલ ઉપરાંત ભાજપની શૈલી ખરાબ જ છે. ભાજપના સાદગીના નિર્ણયના ચક્કરમાં મુંબઇમાં પહેલાં તો ફાઇવ સ્ટાર હોટેલોનો ધંધો મરી ગયો. પછી નોનવેજ નહિ રાંધવાનો નિર્ણય થયો અને છેવટે સ્વીટ ડિશ પણ ગાયબ થઇ ગઇ. શૈલી તો ખરાબ જ થવાની હતી.
યાદ આવી ગઇ પોલીસ
આઇપીએલમાં તમામ બજાર ફુલફોર્મમાં ચાલી રહ્યા હતા. ચાલવા પણ જોઇએ. આખરે(પ્રતિબંધિત) રેવ પાર્ટીથી માંડીને હાઇક્રાઇમ, સ્પોર્ટ ફિક્સિંગ, હાઇ (એ જ કે જે તમે સમજો છો) અને હથિયાર દલાલોથી માંડીને ન જાણે કેટલાય કિસ્સા બની રહ્યા હતા અને રાજીવ શુક્લા કહે છે કે ભાઇ હું આઇપીએલ કમિશનર છું, કોઇ પોલીસ કમિશનર થોડો છું. ચાલો કોઇકને તો પોલીસ યાદ આવી.
રાગ દરબારી
'ટાગોર તો બહાના હૈ, ગાના ગાકે સુનાના હૈ’. આ નારાબાજી માટેનું કોઇ સૂત્ર નથી. તૃણમૂલમાં પણ આવું કોઇ સૂત્ર નથી. એ અલગ વાત છે કે તૃણમૂલના વડા સારા ચિત્રકાર હોવા ઉપરાંત સારું ગાયન પણ જાણે છે અને હાલમાં રાજ્યસભામાં તૃણમૂલના નેતા બનેલા સુખેન્દુ શેખરે ટાગોરે લખેલું ગીત પણ ગાઇ બતાવ્યું. ઘણું સરસ. મમતા બેનરજી પણ એકવાર લોકસભામાં ગીત સંભળાવી ચૂક્યાં છે. સુખેન્દુ તો માત્ર તેમને અનુસર્યા છે.
હવે પછીના સચિવ કે હવે પછીના સચિવ
નવા લશ્કરી વડાએ કાર્યભાર સંભાળી લીધો અને ખેંચતાણ તેમના પછી આવનારા લશ્કરી વડાને મુદ્દે ચાલી રહી છે. મિલિટરીનો મામલો છે પણ હવે સિવિલિયન્સ પણ શીખી ગયા છે. હવે પછીના કેબિનેટ સચિવના મુદ્દે અજીત સેઠ પછી બીજા ક્રમે સૌથી સિનિયર વિભાપુરી દાસને માનવ સંસાધન વિભાગમાંથી દૂર કરીને નર્જિીવ જનજાતીય વિભાગમા મોકલી દેવામાં આવ્યા છે. આ પહેલાં પણ બે મહિલા અધિકારી કેબિનેટ સચિવ નથી બની શકી. શ્રીમતી નૈયર અને શ્રીમતી પિલ્લે, જોઇએ આ વખતે શું થાય છે.
દિલ્લી ઇન્ડિયન્સનો ઓલિમ્પિક
ઓલિમ્પિક આમ તો લંડનમાં યોજાવાનો છે, પરંતુ આપણે દિલ્હી ઇન્ડિયન્સ પહેલેથી જ સીડબ્લ્યુજી પ્રશિક્ષિત છે. એક મોટા ઔદ્યોગિક ગૃહે ઓલિમ્પિક બોક્સ ટિકિટ મેળવવા ભારતીય ઓલિમ્પિક સંઘના એક વરિષ્ઠ અધિકારીને પહેલેથી જ પૈસા આપી દીધા. ના ટિકિટ મળી ના નાણા પરત મળ્યા.
સનમ, ફરી વોરા સાહેબ
એ વાળા નહીં, બીજા વાળા. એક એન.એન.વોરાસાહેબ છે. સંરક્ષણ સચિવ રહી ચૂક્યા છે. જ્યારે મુલાયમસિંહ સંરક્ષણ પ્રધાન હતા. હવે ઉત્તરપ્રદેશમાં પુત્રરાજ્ય છે. પ્રયાસ એ થઇ રહ્યા છે કે વોરા સાહેબ ગવર્નર બને.
પેટ્રોલની સાડા સાતી
વધુમાં સાંભળીએ, પેટ્રોલના ભાવ વધ્યા. રૂપિયાનો ભાવ ગગડયો. બીજી પણ ઘણી બાબતો બની અને લક્ષણ એવા છે કે સરકારની સાડા સાતી શરૂ થઇ ગઇ હોય. હવે આ સાડા સાતી વાળો વિચાર વિપક્ષોને નથી આપણે આપ્યો કે નથી કોઇ પંડિતે આપ્યો. આ વિચાર આપ્યો હતો પેટ્રોલિયમ કંપનીઓએ. તેમણે જ ભાવ વધાર્યા હતા. સીધા સાડા સાત રૂપિયા.
રોલબેક લાયક વાત
અને હવે કોંગ્રેસ કથાનો સિબ્બલ અધ્યાય. સિબ્બલજીએ લોકસભામાં ઉચ્ચ વિચાર રજૂ કર્યા કે મહાન શહનાઇવાદક ઉસ્તાદ બિસ્મિલ્લા ખાં એકવાર તેમની પાસે નાણાકીય મદદ માટે આવ્યા હતા. તેમની પાસે ઘરનું ભાડું ભરવાના પૈસા નહોતા તેથી સિબ્બલ સાહેબે વર્ષભરનું ભાડું ચૂકવી દીધું. પરંતુ કેટલાક સાંસદોનું વિચારવું હતું કે કદાચ સિબ્બલ આગળ જતાં આ વાતને રોલબેક કરી લેશે કારણ કે બિસ્મિલ્લા ખાં ઘરના ઘરમાં રહેતા હતા અને ભાડાનો કોઇ પ્રશ્ન નહોતો.






