આસમના હિંસાગ્રસ્ત વિસ્તારો માટે રૂ.300 કરોડની પીએમની જાહેરાત

- રૂ.૩૦૦ કરોડનું પેકેજ, રાહત છાવણીઓની મુલાકાત લીધી
આસામના હિંસાગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિનો તાગ મેળવવા પહોંચેલા વડાપ્રધાન ડૉ. મનમોહનસિંઘે ૩૦૦ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે. તેમણે હિંસાને દેશ માટે કલંક ગણાવી છે. તેમણે એવો સ્વીકાર કર્યો કે, પરિસ્થિતિ પર કાબૂ મેળવવામાં શરૂઆતમાં મુશ્કેલીઓ પડી હતી, પરંતુ કેન્દ્ર અને રાજ્ય પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે જરૂરી બધાં જ પગલાં ભરશે.
તેમણે જણાવ્યું કે, મુદ્દો જટિલ હોવાથી પરિસ્થિતિ સામાન્ય થયા પછી કારણોની તપાસ કરીશું. લોકોમાં સુરક્ષાની ભાવના બહાલ કરવાની જરૂર છે. અત્યારે ઘા ભરવાનો સમય છે. આસામથી રાજ્યસભાના સભ્ય ડૉ. સિંઘ હિંસાથી સૌથી વધુ અસરગ્રસ્ત કોકરાઝાર જિલ્લામાં આવેલી રાહત છાવણીઓમાં અસરગ્રસ્તો સાથે મુલાકાત કરી છે અને બધા જ પ્રકારની સહાય ઉપલબ્ધ કરાવાનું વચન આપ્યું છે.
- પરિસ્થિતિ સામાન્ય થવાની દિશામાં
બોડો અને લઘુમતી સમુદાય વચ્ચે ગત સપ્તાહે શરૂ થયેલી અથડામણોમાં ઓછામાં ઓછા ૫૩ લોકો માર્યા ગયા છે. છ જિલ્લા હિંસાથી અસરગ્રસ્ત છે. લાખો લોકો ઘરવિહોણા થઇ ગયા છે. લશ્કર અને અર્ધ-લશ્કરી દળો આ ક્ષેત્રોમાં તૈનાત કરવામાં આવ્યા છે. હવે પરિસ્થિતિ સામાન્ય બની રહી છે. આશરે ૧૫૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કેન્દ્રે ૧૧૦૦૦ અર્ધ-લશ્કરી દળો મોકલ્યાં છે.
- મદદ
૨ લાખ રૂપિયા - દરેક મૃતકના પરિવારવાળાઓને
૫૦ હજાર રૂપિયા - દરેક ઇજાગ્રસ્તને
૩૦-૩૦ હજાર રૂપિયા - જેનું મકાન સંપૂર્ણપણે નાશ પામ્યું હોય
૨૦-૨૦ હજાર રૂપિયા - જેના મકાનને આંશિક નુકસાન થયું હોય.
- હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી
ઉડાન ભર્યાના આશરે ૧૫ મિનિટ બાદ હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતાં વડાપ્રધાને ગુવાહાટી પાછા ફરવું પડ્યું હતું. ત્યાર પછી અન્ય હેલિકોપ્ટરથી બે કલાક મોડા કોકરાઝાર પહોંચ્યા હતા. આસામના રાજ્યપાલ જે.બી. પટનાયક, મુખ્યપ્રધાન તરુણ ગોગોઇ, કોંગ્રેસના મહામંત્રી દિગ્વિજય પણ સાથે હતા.






