બંદૂકની એક ગોળી. વધુ એક જવાન શહીદ. ઝારખંડ પોલીસના જવાન લુક્સ ટેટેની નકસલીઓ દ્વારા હત્યા બાદ સમગ્ર દેશમાં ચર્ચા ઊઠી છે. કાયદાના રક્ષકો જ કર્તવ્યની શૂળીએ હોમાઈ રહ્યા છે. જો સુરક્ષાકર્મીઓની આ સ્થિતિ હોય તો સામાન્ય માણસની સુરક્ષા કોણ કરશે? ક્યાં સુધી ચાલતો રહેશે આ નરસંહાર? ભાસ્કરના સંવાદદાતાઓએ દેશભરમાં શોધ્યા કેટલાક એવા સિપાહી તેમણે દેશ માટે પોતાના જીવ આપ્યા છે. કોઈ નક્સલવાદી સામે લડતી વખતે તો કોઈ ત્રાસવાદી સામે અથવા તો કોઈ લૂંટારાઓનો સામનો કરતી વખતે શહીદ થયા છે. તેમની શહાદત બાદ તેમના પરિવારોએ કેવો સંઘર્ષ કરવો પડ્યો છે તેમજ તેઓ હાલ કેવી સ્થિતિમાં છે તે જાણવાનો અમે પ્રયત્ન કર્યો.
ધીરજ કોહલી આઠ વર્ષ પહેલાં શહીદ થયા હતા. જમ્મુના રઘુનાથ મંદિરમાં થયેલા હુમલામાં ત્રાસવાદીઓ સામે લડતી વખતે તેમણે વીરગતિ પ્રાપ્તકરી હતી. પરંતુ કોહલીની પત્ની જ્યોતિની કુરબાની તો આખી જિંદગી રહેશે. ધીરજ તો દેશ માટે શહીદ થઈ ગયા પરંતુ જ્યોતિએ આખું આયખું ધીરજના નામે કરી દીધું છે. ધીરજની એકમાત્ર નિશાની આઠ વર્ષનો ચાહત જ હવે તેની જિંદગી છે.
તેને બીજા લગ્નની વાત પણ પસંદ નથી. જોકે બધા તેને ભારપૂર્વક કહી રહ્યા છે કે તે ફરી જિંદગી શરૂ કરે પરંતુ જ્યોતિ એક જ વાત કહે છે કે જિંદગી ખતમ ક્યાં થઈ છે કે ફરી શરૂ કરવી પડે. જમ્મુ શહેરમાં બકશીનગરના એક ખૂણામાં સામાન્ય મકાનમાં જ્યોતિને જોઈને લાગે નહીં કે કોલેજની વિદ્યાર્થિની જેવી દેખાતી આ મહિલા આટલી સહનશીલ હશે અને જીવનમાં આટલો કપરો સમય સહન કરી ચૂકી છે. હવે માત્ર વૃદ્ધ સાસુ રાજરાણી અને પુત્ર ચાહત જ આ દુનિયામાં તેનો સહારો છે.
રાજરાણીનો પરિવાર પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાંથી આવીને અહીં સ્થાયી થયો હતો. તેમના પતિ ડ્રાયિક્લિનિંગની નાની દુકાન ચલાવતા હતા. ત્રણ પુત્રોમાં સૌથી નાનો ધીરજ માત્ર દસ મહિનાનો હતો ત્યારે જ તેમના પતિનું અવસાન થયું હતું. પરંતુ તેમણે હાર માન્યા વગર લોકોના ઘરોમાં કપડાં ધોઈને મુશ્કેલીથી બે ટંકની રોજી રોટી કમાઈને ત્રણ બાળકોને મોટા કર્યા અને ભણાવ્યા હતા.
ધીરજ પોલીસમાં ભરતી થયા અને જ્યોતિ સાથે તેના લગ્ન થયા તો તેમને લાગ્યું કે હવે જીવનમાં સારા દિવસો શરૂ થયા છે. પરંતુ ૩૦ માર્ચે સવારે જ નજીકમાં રઘુનાથમંદિરમાં ત્રાસવાદીઓએ હુમલો કર્યો. જીવનો વિચાર કર્યા વગર તેમણે ત્રાસવાદીઓનો સામનો કર્યો અને શહીદ થયા. જ્યોતિના લગ્નને માત્રમાં બે વર્ષ થયા હતા અને જ્યોતિના ખોળામાં પાંચ મહિનાનો પુત્ર હતો. રાજરાણીના કહેવા પ્રમાણે ત્યારે ચારેબાજુથી અંધકારમય સ્થિતિ લાગતી હતી.
જોકે બાદમાં જ્યોતિના પુત્ર ચાહતમાં જ તેમને ધીરજ દેખાવા લાગ્યો અને તેના ઉછેરમાં ફરી જિંદગી વિતાવવા લાગ્યાં. રાજરાણીએ જણાવ્યું હતું કે તેમને જીવનમાં સંઘર્ષનું કોઈ દુ:ખ નથી પરંતુ પુત્ર ગુમાવ્યો તેનો વસવસો છે. ક્યારેય વિચાયું પણ નહોતું કે નોકરી કરવી પડશે અને એ પણ પાછી પોલીસની નોકરી કરવાની થશે.
જ્યોતિને ધીરજના સ્થાને કોન્સ્ટેબલની નોકરી મળી ગઈ. શારીરિક રીતે તો વાંધો ન આવ્યો પરંતુ માનસિક રીતે ભાંગી પડેલી જ્યોતિ પોલીસ ટે^નિંગ માટે જતી રહી. પોલીસ સ્ટેશનમાં ડ્યૂટી લાગી પરંતુ કામ થોડું અલગ પ્રકારનું લાગ્યું. એક દિવસ તત્કાલીન ડીઆઈજી ફારુકને મળી તો કલેરિકલમાં શિફ્ટ કરવામાં આવી. ત્યારથી આ જ ડ્યૂટી કરી રહી છે. બસ ત્યારથી જિંદગી ચાલી રહી છે.
સાસુએ તેને એમ પણ કહ્યું કે સામે આ પહાડ જેવી જિંદગી છે તે કેવી રીતે વિતાવીશ? લગ્ન કરી લે. પરંતુ હવે તો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. જ્યોતિએ જણાવ્યું હતું કે ‘હું પહેલાંથી આટલી હિંમતવાન નહોતી પરંતુ સમયે જ બધું શીખવી દીધું.’ સમય સાથે હિંમત અને જુસ્સો બધું આવ્યું. પુત્રએ એક-બે વખત પિતા અંગે પૂછ્યું તો તેને બધું જણાવી દીધું.
હવે તે આ અંગે કોઈ પ્રશ્ન કરતો નથી. જ્યોતિ કહે છે કે પતિને રાષ્ટ્રપતિ દ્વારા મેડલ આપવાની જાહેરાત ત્યારે જ કરવામાં આવી હતી. તેના ભથ્થા તો મળે જ છે પરંતુ મેડલ અત્યાર સુધી મળ્યો નથી. પુત્રનો ઉછેર અને વૃદ્ધ સાસુની સંભાળની જવાબદારીનો અહેસાસ જ્યોતિને જિંદગીથી નિરાશ થવા દેતા નથી.