સુભાષચંદ્ર અગ્રવાલની આરટીઆઈ અરજીને પગલે ગૃહમંત્રાલયે આપેલી માહિતી
ભારતમાં ૭૬૯૧ પાકિસ્તાનીઓ અને ૩૨,૬૪૪ બાંગ્લાદેશીઓ તેમનો વિઝાનો સમયગાળો પૂરો થઈ જવા છતાં રહે છે. માહિતી અધિકાર હેઠળ પૂછાયેલા સવાલના જવાબમાં આ બાબત માલૂમ પડી છે.
જાણીતા આરટીઆઈ એક્ટિવિસ્ટ સુભાષચંદ્ર અગ્રવાલે કરેલી અરજીના જવાબમાં ગૃહમંત્રાલયના ફોરેનર્સ ડિવિઝને આ માહિતી આપી છે. વિભાગે જવાબમાં કહ્યું છે કે આ આંકડા ૨૦૦૯ સુધીના જ ઉપલબ્ધ થઈ શક્યા છે અને ગયા વર્ષના તથા આ વર્ષના આંકડા હજી તૈયાર થયા નથી.
૩૧ ડિસેમ્બર, ૨૦૦૯ના રોજ દેશમાં ૭૬૯૧ પાકિસ્તાનીઓ વિવિધ રાજ્યોમાં રહે છે જેમાં હિન્દુઓ અને શીખોનો પણ સમાવેશ છે. વિભાગે કહ્યું કે દેશમાં ગેરકાયદે ટ્રાવેલ દસ્તાવેજોને આધારે પ્રવેશેલા અને હજી પણ રહેતા બાંગ્લાદેશી અને પાકિસ્તાનીઓની ચોક્કસ સંખ્યાનો અંદાજ શક્ય નથી કારણ કે આ લોકો ગુપચુપ રીતે ઘૂસી જતા હોય છે. પાકિસ્તાની અને બાંગ્લાદેશીઓ ઉપરાંત અન્ય દેશોના ૩૩,૧૦૬ લોકો પણ ભારતમાં તેમના વિઝાનો સમયકાળ પૂરો થવા છતાં રહેતા હોવાનું માલૂમ પડ્યું છે.
વિભાગે માહિતી આપતા કહ્યું છે કે પાકિસ્તાનથી અહીં આવીને વધુ સમયથી રહેતા લોકોમાં ઘણાં હિન્દુઓ અને શીખો ભારતની નાગરિકતા મેળવવાની ઈચ્છા સાથે આવ્યા છે. પરંતુ આવા લોકોની ચોક્કસ યાદી કે આંકડા મેળવી શકાયા નથી.
-->>ક્યા દેશના કેટલા ગેરકાયદે રહે છે
-પાકિસ્તાન-૭૬૯૧
-બાંગ્લાદેશ-૩૨,૬૪૪
-અફઘાનિસ્તાન-૧૩,૫૬૯
-શ્રીલંકા-૨૪૯૦
-નાઈજીરિયા-૧૧૨૧
(નોંધ :૨૦૦૯ દરમિયાન ૧૨,૧૪૭ વિદેશીઓને તેમના જે-તે દેશમાં મોકલી દેવાયા પછીના આ આંકડા છે)