સંસદમાં આજે જે થયું તે આ પહેલા ક્યારેય થયું નથી. લોકસભા સ્થગિત થયા બાદ લાલુ પ્રસાદ યાદવ વડાપ્રધાન બની ગયા. ભાજપના ઉપનેતા ગોપીનાથ મુંડે સ્પીકર બની ગયા અને મુલાયામ સિંહ યાદવ ખુદ સંસદીય કાર્યમંત્રી બની ગયા. ત્યાર બાદ આ નેતાઓએ શરૂ કરી લોકસભાની કાર્યવાહી! ગૃહ સ્થગિત થયા બાદ આ નેતાઓએ પોતાની મરજીથી ગૃહ ચલાવાનું શરૂ કરી દીધું.
હકીકતમાં ગૃહની કાર્યવાહી દરમિયાન ટ્રેડ માર્ક બિલ અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા બિલનો આ લોકો વિરોધ કરી રહ્યાં હતા, પરંતુ જ્યારે સરકારે વિપક્ષના હંગામા છતાં બિલ પારિત કરાવી દીધા, તો લાલુ અને મુલાયમ વેલમાં પહોંચી ગયા હતા. ત્યાર બાદ ગૃહ સ્થગિત કરવામાં આવ્યું હતું. લોકસભા સ્થગિત થયા બાદ લાલુ-મુલાયમ અને ગોપીનાથ મુંડેએ મળીને પોતાની મરજીથી સંસદ ચલાવી શરૂ કરી હતી.
ગૃહની બહાર આવીને લાલુ પ્રસાદ યાદવે જણાવ્યું હતું કે આ સરકાર અલોકતાંત્રિક રીતે કામ કરી રહી છે, જે પ્રકારે બે વિધેયક પારિત કરવામાં આવ્યા તે ગેરબંધારણીય છે. માટે તેમણે આ સરકારને બરખાસ્ત કરી દીધી અને જનતા સરકારની રચના કરી છે. સ્પીકરની ચૂંટણી થઈ અને તે ભાજપના ગોપીનાથ મુંડે બન્યા. મુલાયમ સંસદીય કાર્યમંત્રી બન્યા. લાલુએ કહ્યું હતું કે નવી સરકારમાં વિપક્ષનું કોઈ સ્થાન નથી. તેમને લોકોએ આજના દિવસ માટે વડાપ્રધાન તરીકે ચૂંટી કાઢાયા. આવતીકાલે ચાલુ રહેશે કે નહીં તે કાલે જોશે.