દેશ બહાર વસતા ભારતીયો(એનઆરઆઇ)ને મતાધિકાર માટેની સતત માગણી સમક્ષ ઝૂકીને સરકારે શનિવારે મતદાર યાદીમાં તેઓનાં નામની નોંધણી થઇ શકે તે સંબંધિત એક બિલને રાજ્યસભામાં દાખલ કર્યું છે. રીપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ,૧૯૫૦માં સુધારાની માગણી કરતું રીપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ(એમેન્ડમેન્ટ) બિલ,૨૦૧૦ને કાયદા મંત્રી વીરપ્પા મોઇલીએ દાખલ કર્યું હતું.
દેશથી દૂર વસતા અને અન્ય કોઇ દેશનું નાગરિકત્વ નહિ મેળવનારા ભારતીયો મતદાર યાદીમાં તેમનાં નામો નોંધાવી શકે તેવી જોગવાઇ આ નવું બિલ પૂરું પાડશે. આવા નાગરિકોના પાસપોર્ટમાં ઉલ્લેખ કરાયેલા સરનામાવાળા મતક્ષેત્રમાં તેમનાં નામ નોંધવામાં આવશે. ચૂંટણીપંચ સાથે સલાહ-મસલત બાદ ક્યા સમયગાળા દરમિયાન મતદાર યાદીમાં એનઆરઆઇના નામ નોંધવા તે કેન્દ્ર સરકાર નક્કી કરશે.
સરકારે આ સંબંધિત બિલ વર્ષ ૨૦૦૬માં ઉપલા ગૃહમાં દાખલ કર્યું હતું અને વિચારણા અંગે સંસદીય સ્થાયી સમિતિને પણ મોકલી આપ્યું હતું. સમિતિએ આ બિલનો સ્વીકાર કર્યો હતો અને બિન-નિવાસી ભારતીયોને મતદાર યાદીમાં નોંધણી સંદર્ભે એક સર્વગ્રાહી બિલ લાવવા ભલામણ કરી હતી. તદનુસાર, સરકારે વર્ષ ૨૦૦૬ બિલને પાછું ખેંચવાનો અને નવું બિલ દાખલ કરવાનો નિર્ણય કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મતાધિકાર માટે દેશ બહાર વસતા અસંખ્ય ભારતીયો તરફથી સતત માગણી થઇ રહી હતી.