- રામક્રિશ્નને જ્યોતિશાસ્ત્ર અને મધ્યયુગીન રસાયણ વિજ્ઞાનને ‘ફેક ડિસિપ્લીન’ (બનાવટી શાખા) ગણાવી
-“વિજ્ઞાન એકમાત્ર એવું શાસ્ત્ર છે જે આપણને પૂર્વગ્રહો અને અતાર્કિકતાથી બચાવે છે.”
-“વિપુલ પ્રમાણમાં નવી માહિતી અને સંશોધનો બહાર આવી રહ્યા હોવા છતાં પણ જૂની માન્યતાઓ નાબુદ થતી નથી”
-“જ્યોતિશાસ્ત્ર અને હોમિયોપેથી બન્ને લોકોને તર્ક અને અવલોકન આધારિત વધુ અસરકારક પગલાં લેતા અટકાવે છે”
ચેન્નાઈઃ નોબેલ વિજેતા વિજ્ઞાની ડો.વેન્કટરમણ રામક્રિશ્નને જ્યોતિશાસ્ત્ર અને મધ્યયુગીન રસાયણ વિજ્ઞાનને ‘ફેક ડિસિપ્લીન’ (બનાવટી શાખા) ગણાવી જૂની ચર્ચાને નવેસરથી શરૂ કરી છે, એટલું જ નહીં તેમણે હોમિયોપેથીને પણ ‘માન્યતાઓ પર આધારિત’ શાખા ગણાવી છે. ભારતીય વિદ્યાભવન દ્વારા આયોજિત બીજા એસ.વી.નરસિંમ્હા મેમોરિયલ લેક્ચરમાં બોલતા વેન્કટરમણે જણાવ્યું હતું કે ‘વિજ્ઞાન એકમાત્ર એવું શાસ્ત્ર છે જે આપણને પૂર્વગ્રહો અને અતાર્કિકતાથી બચાવે છે.’ તેમણે ઉમેર્યું હતું કે ‘વૈજ્ઞાનિક પધ્ધતિઓ આપણને ખોટી માન્યતાઓ સામે રક્ષણ આપે છે.’
ઐતિહાસિક દાખલાઓ આપતા વેન્કટરમણે વિટામીન સીનો ભારે ડોઝ કેન્સર સામે રક્ષણ આપે છે એવા લીનસ પોલીંગના દાવાને ખોટો ગણાવ્યો હતો. આ ઉપરાંત તેમણે રૂમ ટેમ્પરેચરમાં ન્યુક્લીયર ફ્યુઝનના ફ્લેશમેન પોન્સના વિચારને પણ અસ્વીકાર્ય ગણાવ્યો હતો.
વેન્કીએ ઉમેર્યું હતું કે વિપુલ પ્રમાણમાં નવી માહિતી અને સંશોધનો બહાર આવી રહ્યા હોવા છતાં પણ જૂની માન્યતાઓ નાબુદ થતી નથી. તેમણે જણાવ્યું હતું કે પધ્ધતિસરની સારવાર અથવા દવાઓથી જ ઉપચાર થવો જોઈએ નહીં કે સંયોગોને આધિન માન્યતાઓથી.
ડો.રામક્રિશ્નને જણાવ્યું હતું કે જ્યોતિશાસ્ત્ર અને હોમિયોપેથી બન્ને લોકોને તર્ક અને અવલોકન આધારિત વધુ અસરકારક પગલાં લેતા અટકાવે છે. તેમણે એમપણ કહી દીધું હતું કે વિજ્ઞાન આધારિત સંસ્કૃતિ કરતા અંધશ્રદ્ધા પર આધારિત સંસ્કૃતિ વધારે નુકસાન પહોંચાડે છે. તેમણે ડોક્ટરોને લોકોને સાચી સમજણ આપવા વિનંતી કરી હતી.
તમારો મત
જ્યોતિષશાસ્ત્ર અને હોમિયોપેથી અંગેના વેન્કટરમણના વિચારો સાથે આપ સંમત છો? આ અંગે તમારો શું અભિપ્રાય છે? અહીં આપેલા ફીડબેક બોક્સમાં વ્યક્ત તમારા વિચારો.