બિહારના વર્તમાન મુખ્યપ્રધાન નીતિશ કુમારએ એવા નિર્દેશ આપ્યા છેકે, તેઓ વિધાનસભાની ચૂંટણીઓ નહીં લડે. જેના કારણે રાજ્યના રાજકીય માહોલ ગરમ થઈ ગયો છે.
ચૂંટણી પંચ દ્વારા બે દિવસ પહેલા જાહેરાત કરવામાં આવી હતીકે, છ ચરણમાં મતદાન થશે. તારીખ 21 ઓક્ટોબરના પ્રથમ ચરણનું મતદાન થશે. વર્તમાન વિધાનસભાની મુદત 27 નવેમ્બરના પૂરી થાય છે. આથી આ તારીખ પહેલા નવી સરકારની રચનાની પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવશે.
ચૂંટણી કાર્યક્રમની જાહેરાતના એક દિવસ પછી અચાનક જ મુખ્યપ્રધાન નીતિશકુમાર દ્વારા આ જાહેરાત કરવામાં આવતા રાજકીય વાતાવરણમાં ભૂકંપ આવી ગયો છે. જોકે, એવું માનવામાં આવે છેકે, પહેલા નીતિશ કુમાર સમગ્ર રાજ્યમાં ફરી વળશે અને જ્યારે ચૂંટણી યોજાઈ જશે તે પછી તેમના માટે કોઈ એક સીટ ખાલી કરી દેવામાં આવશે.
જેથી કરીને નીતિશ કુમાર પૂર્ણપણે પ્રચાર પર ધ્યાન કેન્દ્રીત કરી શકે. હાલ તેઓ એનડીએનો લોકપ્રિય ચહેરો છે. તેઓ રાજદ અને લોજપ ગઠબંધનને ટક્કર આપવા માગે છે. લાલુપ્રસાદને આ ગઠબંધનના મુખ્યપ્રધાનપદના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યાં છે.
બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર હાલમાં જનતાદળ યુનાઈટેડ અને ભાજપના ગઠબંધનવાળી સરકારના નેતા છે અને તેમને સંગઠનના મુખ્યપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા હતા. ત્યારે રાજકીય નિષ્ણાતો માથું ખંજવાળતા થઈગયા છે.