- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ગડકરીએ કહ્યું આ પદના ઉમેદવાર ચૂંટણી બાદ નક્કી થશે
- રવિવારે ગડકરીએ કહ્યું હતું કે મોદીમાં વડાપ્રધાન બનવાનું સામર્થ્ય છે
- ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ગડકરીનો કાર્યકાળ ડિસેમ્બરમાં પૂરો થઇ રહ્યો છે
- ગડકરીએ રવિવારે કહ્યું હતું કે મોદી ભાજપ પ્રમુખ બનશે તો હું તેને ટેકો આપીશ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરીએ રવિવારે પોતે ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર હોવા અંગે ઇન્કાર કર્યો હતો અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આ પદ માટે યોગ્ય ગણાવ્યા હતા પરંતુ એક જ દિવસ બાદ સોમવારે તેણે પોતાના નિવેદનમાંથી પલટી મારી છે. ગડકરીનું કહેવું છે કે વડાપ્રધાનપદના ઉમેદવાર ચૂંટણી બાદ નક્કી થશે સાથે તેણે એમ પણ કહ્યું હતું કે પક્ષમાંથી બીજા ચાર-પાંચ ઉમેદવારો પણ વડાપ્રધાનપદને લાયક છે. મોદીના સમર્થનમાં ગડકરીએ આપેલા નિવેદન બાદ સોમવારે ઉમા ભારતીએ પણ ગડકરીના સૂરમાં સૂર પૂરાવ્યો હતો. તેણે કહ્યું કે "જો પક્ષપ્રમુખ જ મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે યોગ્ય માને છે તો અમને શું વાંધો હોય."
આ પહેલા ગડકરીએ એક ટીવી ચેનલને કહ્યું હતું કે''હું વડાપ્રધાનપદનો દાવેદાર ક્યારેય નહીં બનું અને કોઈને ગબડાવીશ પણ નહીં. મોદીમાં ભાજપના પ્રમુખ અને વડાપ્રધાન બનવાનું સારું સામર્થ્ય છે.''
ઉલ્લેખનીય છે કે ગડકરીનો ભાજપના પ્રમુખ તરીકેનો કાર્યકાળ ડિસેમ્બરમાં પૂરો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે તેમનો કાર્યકાળ લંબાવવામાં તેમને રસ નથી. તેમણે કહ્યું કે ''હું પક્ષના એક સામાન્ય કાર્યકર તરીકે કામ કરવા માટે તૈયાર છું. (પક્ષપ્રમુખ તરીકેની)આ જવાબદારી નરેન્દ્ર મોદી લઈ લેશે તો હું તેમને ટેકો આપીશ.''
ભાજપ વડાપ્રધાનપદ માટે કોનું નામ આગળ કરશે તેવા પ્રશ્નનો જવાબ ટાળતા ગડકરીએ કહ્યું હતું કે ''ભાજપ કોઈ ખાનગી પેઢી નથી અને વડાપ્રધાનપદ અંગે યોગ્ય સમયે અમે નિર્ણય લઈશું.''
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.