- બોલિવૂડ ફિલ્મ '3 ઇડિયટ્સ' જોયા બાદ કરાઇ શોધ
- માનવરહિત વિમાન 'નેત્ર' સત્તાવાર રીતે અર્ધસૈનિક દળોમાં સામેલ કરાયું
- ભૂમિદળ, વાયુસેના અને અન્ય રાજ્યોની પોલીસે અપનાવવાની ઇચ્છા કરી જાહેર
- આઇઆઇટી મુંબઇના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સ્થાપેલી સંસ્થાએ બનાવ્યું 'નેત્ર' વિમાન
બોલિવૂડ ફિલ્મ 3 ઇડિયટ્સમાં દર્શાવાયેલા યુએવી એટલે કે માનવરહિત વિમાનને સત્તાવાર રીતે અર્ધસૈનિક દળોમાં સામેલ કરી લેવાયું છે. બીએસએફ અને સીઆરપીએફે આ પ્રકારના ટોહી ડ્રોન વિમાનનો આતંકવાદ વિરોધી અભિયાનોમાં ઉપયોગ શરૂ કરી દીધો છે. તેને 'નેત્ર' નામ અપાયું છે.
ભૂમિદળ, વાયુસેના અને બીજા રાજ્યોની પોલીસે તેને અપનાવવાની ઇચ્છા જાહેર કરી છે. અર્ધસૈનિક દળોને ગત માસે આ યુએવી ઉપલબ્ધ કરાવાયું છે તેવું યુએવીના નિર્માતાઓએ કહ્યું છે. આ યુએવીનું નિર્માણ આઇડિયાફોર્જ ટેકનોલોજી પ્રાઇવેટ લીમિટેડે કર્યું છે જેની સ્થાપના આઇઆઇટી મુંબઇના કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ કરી છે.
આમિરખાનની ફિલ્મ જોયા બાદ ડીઆરડીઓએ આઇડિયાફોર્જની મદદથી 'નેત્ર'ને સંશોધિત કરવાનો નિર્ણય લીધો હતો. તેનો ઉપયોગ મુખ્યત્વે જંગલવાળા વિસ્તારોમાં આતંકવાદ અને ભાગલાવાદ વિરોધી અભિયાનો માટે કરાયો છે.
આ ઉપરાંત તેનો ઉપયોગ સરહદપારથી થતી ઘૂસણખોરી પર નજર રાખવા, તપાસ અને બચાવ અભિયાનો કરવા અને આકાશમાંથી ફોટોગ્રાફી કરવા માટે પણ થઇ શકે છે.
આ ઉપકરણનું વજન 1.5 કિલોગ્રામ છે અને તે પોર્ટેબલ છે. તેનું નિર્માણ કાર્બન ફાઇબરથી કરાયું છે. તેને સરળતાથી ગમે ત્યાં લઇ જઇ શકાય છે. તેની કિંમત 15-20 લાખ રૂપિયા છે. બેટરી સંપૂર્ણ ચાર્જ હોય તો તે અડધો કલાક સુધી ઉડી શકે છે. તે વધુમાં વધુ 200 મીટરની ઊંચાઇએ ઊડી શકે છે. હાલમાં તે 1.5 વ્યાસના પરિઘમાં ઉડવા માટે સક્ષમ છે.
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.