નક્સલવાદીઓએ ભાઇ છીનવી લીધો તો રાનીનું જીવન પરવશ થઇ ગયું. પોલીસ અધિકારીઓએ બેરહેમી દેખાડી, પણ સમાજે સહારો આપ્યો. રાની રાણાની જિંદગીમાં જાણે કે ખુશીઓને કોઇ જ સ્થાન ન હોય તેવું તેનું જીવન બની ગયું છે. રાની ત્રણ માસની હતી ત્યારે તેની માતાનું અવસાન થયું હતું. પિતા સુરક્ષાકર્મચારી હોવાથી મોટાભાગે તેઓ બહાર રહેતા હતા. મોટા ભાઇ વિકાસે જ રાનીને ઉછેરી હતી. વિકાસને પોલીસમાં સિપાહી તરીકે નોકરી મળી હતી, પણ વર્ષ ૨૦૦૪માં કુંદન તમાંગ અને જીવન ગુરંગ સાથે નક્સલવાદી સુરંગ વિસ્ફોટમાં તે શહીદ થઇ ગયો.
યુવાન પુત્રના ગમમાં પિતાએ પણ જીવ ગુમાવ્યો. તે પછી રાની પોતાની ફોઇના ત્યાં રહેવા લાગી. રાનીએ જણાવ્યું હતું કે નક્સલવાદીઓએ ભાઇ છીનવ્યો તો સરકારે ભવિષ્ય. દાણા-દાણા માટે તરસી ગઇ હતી. કોઇ પૂછનાર નહોતું. તે સમયની મુશ્કેલીઓને યાદ કરું છું તો પણ આજે આંખમાં આંસુ આવી જાય છે.
મારો ભાઇ શહીદ થયો હતો, પણ અધિકારીઓએ એવું વર્તન કર્યું હતું કે જોણે તેમને કોઇ જ ફરક પડતો નહોતો. રહેમરાહે નોકરીની માગણી કરી તો અધિકારીઓએ કહ્યું કે નિયમ અનુસાર તે શક્ય નથી. રાંચીના આઇજી આર કે મલિક કહે છે કે અવિવાહિત પોલીસ કર્મચારી શહીદ થાય તો તેના આશ્રિતોને રહેમરાહે નોકરી આપવાની જોગવાઇ નથી.
રાનીની ફોઇ અને નેપાળી સમાજના વડીલોએ બે વર્ષ અગાઉ રાનીના લગ્ન કરાવી દીધાં. તેનો પતિ પણ પોલીસમાં છે. તે પણ વિકાસ જેમાં ફરજ બજાવતો હતો તે ઝારખંડ જિલ્લામાં ફરજ બજાવે છે. નક્સલવાદીઓનો ખૌફ ઓછો થતો દેખાતો નથી. તેના કારણે રાનીની ચિંતા વધી રહી છે કે કંઇ તેના પતિને કાંઇ ન થઇ જાય. હવે તો તેની ફોઇ પણ રાંચીમાં નથી રહેતી.
આથી તેને ચિંતા સતાવે છે કે તે શું કરશે. બાળકોને કેમ ઉછેરશે? રાનીને પોતાના ભાઇ વિકાસની સાથે શહીદ થયેલા તમાંગ અને ગુરંગના પરિવારની પણ ચિંતા છે. કુંદન પણ વિકાસની જેમ અવિવાહિત હતો. પોલીસ સેંસ એસોસિએશનના અધ્યક્ષ રાજકુમાર દહલા કહે છે કે અવિવાહિત અને કોન્ટ્રાકટ પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીના કેસમાં નવા નિયમ બનાવા જરૂરી છે. આમ થાય તો જવાનોનું મનોબળ મજબૂત બનશે અને તેમના પરિવારોને વિશ્વાસ બેસશે.