નક્સલીઓએ બંધક બનાવાયેલા ચાર પોલીસકર્મીઓમાંથી એક પોલીસકર્મીની હત્યા કરી દીધી છે. નક્સલીઓએ અભય કુમાર યાદવ નામના એક પોલીસકર્મીને નવી ડેડલાઈન પૂરી થયા બાદ નિર્મમપણે મારી નાખ્યો છે.નક્સલીઓના પ્રવક્તા હોવાનો દાવો કરી રહેલા શખ્સ અવિનાશે મીડિયાને ફોન દ્વારા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તરફથી માગણીઓ ન માનવામાં આવ્યા બાદ જનતાની અદાલતે એક પોલીસકર્મીની હત્યા કરવાનું ફરમાન સંભળાવ્યું હતું.
અવિનાશે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર જો તેમની માગણી શુક્રવારે દસ વાગ્યા સુધીમાં માનશે નહીં, તો બાકીના ત્રણ પોલીસકર્મીઓની પણ હત્યા કરી દેશે. તેણે જણાવ્યું હતું કે માર્યા ગયેલા સબ ઈન્સ્પેક્ટર અભયના શબને આજે રાત્રે પોલીસને સોંપી દેવામાં આવશે. તેણે કહ્યું હતું કે સરકારે તેમને આમ કરવા માટે મજબૂર કર્યા છે. તેમના તરફથી નક્કી કરાયેલી સમય મર્યાદા ખતમ થયાના છ કલાક બાદ પણ સરકાર તરફથી આ મામલે વાતચીતની કોઈ પહેલ કરવામાં આવી ન હતી.
મહત્વપૂર્ણ છે કે બિહારના લખીસરાય જિલ્લામાં 30 ઓગસ્ટે નક્સલીઓએ 10 જવાનોને શહીદ કર્યા હતા અને ચારનું અપહરણ કર્યું હતું. નક્સલીઓએ તેમની મુક્તિની અવેજમાં જેલમાં બંધ તેમના આઠ સાથીદારોને છોડવાની માગણી કરી હતી. તેમણે તેમની માગણીની પૂર્તિ માટે સરકારને ગુરુવાર સવારના 10 કલાકની ડેડલાઈન પણ આપી હતી. બંધક બનાવાયેલા પોલીસકર્મીઓમાં રૂપેશ કુમાર સિંહા (બેતિયા), અભય યાદવ (બેગુસરાય), એહતશામ ખાન (માંડર, રાંચી) અને લુક્સ ટેટે (સિમડેગા, ઝારખંડ)નો સમાવેશ થાય છે.