ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે ગૃહમંત્રી પી.ચિદમ્બરમ પર આરોપ લગાવ્યો છે કે તેમણે સમાજના એક વર્ગ વિશેષ વિરુદ્ધ ઉકસાવા માટે વરિષ્ઠ પોલીસ અધિકારીઓના સંમેલનમાં હેતુપૂર્વક ભગવા આતંકવાદનો મુદ્દો ઉછાળ્યો હતો.
નરેન્દ્ર મોદીએ પોતાના બ્લોગ પર કહ્યું છે કે ગૃહમંત્રીએ રાજ્ય પોલીસ વડાઓની બેહદ મહત્વપૂર્ણ બેઠકમાં આ વાત કહી છે. તેમનું આ ભાષણ પહેલેથી લખેલું હતું. કેન્દ્રની કોંગ્રેસ સરકારના ગૃહમંત્રી પી. ચિદમ્બરમે આ બેજવાબદારીપૂર્ણ નિવેદન આપીને બંધારણની મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું છે.તેમણે લખ્યું છે કે ચિદમ્બરમે સભાનપણે ભગવા આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો છે. જેથી પોલીસ અને સુરક્ષાદળોને એક વિશેષ વર્ગ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ઉકસાવી શકાય. આ બંધારણની વિરુદ્ધ છે.
મોદીએ કહ્યું છે કે વોટબેંક અને તુષ્ટિકરણની રાજનીતિએ આ દેશને નષ્ટ કરી દીધો છે. ભગવા આતંકવાદની ખોટી અફવા કુટિલ રાજકીય વોટબેંક અને તુષ્ટિકરણની રમતનો હિસ્સો છે. તેમણે કહ્યું હતું કે ભારતે ક્યારેય આ પ્રકારની રાજનીતિને સહન કરી નથી. આ આપણી મહાન પ્રાચીન સંસ્કૃતિનું અપમાન છે, જેને ક્યારેય સહન કરી શકાય તેમ નથી.
મોદીએ ચિદમ્બરમને ભારતના પ્રથમ ગૃહમંત્રી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ પાસેથી શીખ લેવાની સલાહ આપી છે.